તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:સુરતના આઇસોલેશન સેન્ટરમાં મહિલા નગરસેવિકા મસાજ કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓના દર્દને દૂર કરવા પ્રયાસ કરે છે

સુરત2 મહિનો પહેલા
મહિલા નગરસેવિકા આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની સતત સેવા કરી રહ્યાં છે.
  • સૂતાં સૂતાં શરીર અકડાઈ જવાની ફરિયાદ કરતાં દર્દીઓને મસાજ કરી અપાય છે

કોરોના સંક્રમણ વધતાં શહેરમાં ઠેર ઠેર આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. આ આઈસોલેશન સેન્ટરમાં આપની મહિલા નગરસેવિકા કોરોનાગ્રસ્ત દર્દીઓને મસાજ આપીને સેવા કરી રહ્યાં છે. સેવા એટલે પ્રભુને પ્રસન્ન કરવાનો સરળ માર્ગ માનતાં મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાએ હાલની મહામારીના સમયમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સવાર-સાંજ મસાજ આપી તેમનાં દર્દ અને દુખાવા દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યાં છે. દર્દીઓ આઇસોલેશન વોર્ડ કહો કે હોસ્પિટલમાં કલાકો-મિનિટો ઘણા દિવસ પસાર કરી રહ્યા છે. આવા સમયમાં એક લોકપ્રતિનિધિ તરીકે મારી ફરજ બને છે કે હું તેમની સેવા કરું અને દુખાવાને દૂર કરવા વૃદ્ધાઓ અને ભાઈ-બહેનોને મસાજ કરી જીવનને સાર્થક કરવાનો પ્રયાસ કરી રહી છું. પિતાના મૃત્યુ બાદ 16 વર્ષથી વિધવા બહેનો માટે કામ કરીને રાજકારણમાં આવી છું. ભલે રાજકારણ આજે અમારે માટે નવું હોય પણ સેવા એ અમને અમારા સંસ્કારમાં મળ્યા છે એ ભૂલીશું નહિ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

દર્દીઓની સેવા કરવાનું સુખ મેળવી રહ્યું છે.
દર્દીઓની સેવા કરવાનું સુખ મેળવી રહ્યું છે.

રોજેરોજ સેવા આપે છે
કુંદનબેન હરેશભાઇ કોઠિયા (નગરસેવક, આમ આદમી પાર્ટી-વોર્ડ નંબર-4)એ જણાવ્યું હતું કે મને બે સંતાન છે, દીકરી 11 વર્ષની, જે ધોરણ -6માં અભ્યાસ કરે છે અને દીકરો 10 વર્ષનો, જે ધોરણ-4 માં અભ્યાસ કરે છે. પતિ એમ્બ્રોઈડરીના મશીન ચલાવે છે. મહામારીની બીજા વેવ એટલે કે છેલ્લા 12 દિવસથી પરિવારને આખા દિવસ દરમિયાન 2-3 કલાક જ આપી રહી છું. બાકીનો બધો સમય એટલે કે 18-20 કલાક મારા આઇસોલેશનના કોરોનાના દર્દીઓને આપી રહી છું.

દર્દીઓ અકડાઈ જતા હોય તેમને મસાજ પણ કરવામાં આવે છે.
દર્દીઓ અકડાઈ જતા હોય તેમને મસાજ પણ કરવામાં આવે છે.

કપૂર લવિંગના તેલનો મસાજ કરાય છે
કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસેના સાગર કોમ્યુનિટી હોલમાં ચાલતા આઇસોલેશન કેન્દ્રમાં લગભગ 27 કોરોના પોઝિટિવ દર્દી છે, જેમાં મોટા ભાગ વૃદ્ધો છે. જેમની દેખરેખની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી છે. સવારે ચા-નાસ્તાથી લઈ બપોરના અને રાત્રિના ભોજન સુધીની. એટલું જ નહીં, પણ તમામ દર્દીઓને આંકડાના પાન, કપૂર અને લવિંગથી બનેલા તેલનો મસાજ કરી તેમનાં દર્દને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આખા દિવસમાં બેવાર મસાજ આપીએ છે. એ પણ ડોક્ટરની સલાહ-સૂચન સાથે, ખૂબ આનંદ થાય છે કે જ્યારે દર્દી બન્ને હાથ માથા પર મૂકીને હૃદયથી આશીર્વાદ આપી કહે છે કે દીકરી, તે તો દુખાવો દૂર કરી લીધો, ખૂબ સરસ ઊંઘ આવે છે. ઘરમાં તો કોઈ દેખરેખ કરવાવાળું નહોતું, તું તો દીકરી બનીને સેવા કરે છે. ભગવાન તારું ભલું કરશે.

કપૂર સહિતના તેલ નાખીને દર્દીને મસાજ કરવામાં આવે છે.
કપૂર સહિતના તેલ નાખીને દર્દીને મસાજ કરવામાં આવે છે.

દર્દીઓનાં દુઃખમાં ભાગીદાર
16 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું હતું. બસ, ત્યારથી લોકસેવાને જ જીવનનો મંત્ર બનાવી દીધો હતો. બીએસસી માઈક્રો સુધીનો અભ્યાસ કર્યા બાદ ઘરમાં મશીન ચલાવતાં હતાં. જોકે આમ આદમી પાર્ટીએ સેવાનો રસ્તો આપ્યો, રાજકારણમાં લઈ ગયા, કોર્પોરેટર બનાવ્યા, ભલે અમે રાજકારણમાં નવા હોઈ શકીએ, પણ સેવામાં પૂર્વજોથી મળેલા સંસ્કારના અનુભવી છીએ, એટલે જ ગુજરાતી છે. આજે 20 કલાક આઇસોલેશનમાં દર્દીઓ સાથે રહેવાની ભગવાને હિંમત આપી છે તો ચોક્કસ એક-એક મિનિટ તેમની સેવામાં જ કાઢીશું.

અલગ અલગ કિસ્સા સાંભળવા મળે છે
કુંદનબેને કહ્યું, કહેવાય જેવો કિસ્સો કહું છું, પણ નામ નહિ આપીશ, એક 70 વર્ષનાં માજી અમારા આઇસોલેશનમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. તેમને 4 દીકરા-વહુઓ છે, પણ કોઈ સેવાચાકરી કરવાવાળું નથી એમ કહી રહ્યાં છે. બસ, તેમની સેવા કરીને તેમના કિસ્સા સાંભળીને દિવસ પસાર કરી રહ્યા છે. કમરના દુખાવાથી પીડિત દાદી મસાજ બાદ કહે છે, આખું શરીર હલકું થઈ ગયું, હું બીમાર છું એવું લાગતું જ નથી. બસ, આજ અમારી ખરી કમાઈ છે. અમે એવી આશા રાખીએ છીએ કે તમામ દર્દીઓને સાજા કરીને હસતા મોઢે ઘરે પરત મોકલીએ, એ જ અમારી મનોઈચ્છા છે.

અન્ય સમાચારો પણ છે...