• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Maharati Program Will Be Held In The Diamond Bourse Of Surat With Ganesha Seated, Dream City Gate 21 Ton Diamond Replica Placed

બુર્સમાં શ્રીજીની સ્થાપના:સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશજીને બિરાજમાન કરી મહાઆરતીનો કાર્યક્રમ થશે, ડ્રીમ સિટીના ગેટ પર 1 ટનના હીરાની પ્રતિકૃતિ મૂકાઈ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રેઈનની મદદથી હીરાની પ્રતિકૃતિ લગાવવામાં આવી છે. - Divya Bhaskar
ક્રેઈનની મદદથી હીરાની પ્રતિકૃતિ લગાવવામાં આવી છે.
  • સ્પેશિયલ ક્રેઈનની મદદ લઈને ડ્રીમસિટીના ગેટ ઉપર 1ટન નો હીરો લગાવાયો
  • ‘700 કરોડનો ખર્ચ કરી 7 માળ સુધી કામ પૂર્ણ થયું અને કામ બંધ કરવા 2700 લોકોએ વિરોધ કર્યો પણ અમે હાર્યા નહીં’
  • સુરત ડાયમંડ બુર્સના ઉદ્‌ઘાટન થયા બાદ 175 દેશના લોકો હીરા ખરીદવા સુરત આવશે

વિશ્વ સ્તરના બનાવેલા ડાયમંડ બુર્સમાં આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ ખાતે આજે ગણેશ સ્થાપના કરવામાં આવશે. ડાયમંડ બુર્સમાં પ્રવેશવા પહેલા ડ્રીમ સિટીનો જે ગેટ બનાવવામાં આવ્યો છે. તે ગેટ ડાયમંડ ઉદ્યોગના પ્રત્યક્ષમાં છે. આજે ગણેશ સ્થાપના થવા જઈ રહી છે. ત્યારે ડ્રિમ સિટીના ગેટ ઉપર 1 ટનનો ડાયમંડ લગાવવામાં આવ્યો છે. સ્પેશિયલ ક્રેઈનની મદદ લઈને ડ્રીમસિટીના ગેટ ઉપર 1ટન નો હીરો લગાડવાની સાથે સુરત શહેરના હીરા જગતમાં આનંદ ફેલાયો છે. 1 ટનનો ડાયમંડ ડ્રીમસિટીના ગેટ ઉપર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ડાયમંડ ઘસવા માટે વાપરવામાં આવતી કટોરીના આકારનો ગેટ બનાવવામાં આવ્યો છે. તે ગેટની બરોબર મધ્યમાં 1 ટનનો મહાકાય ડાયમંડ લગાવવામાં આવ્યો છે. ડાયમંડ ખૂબ જ વજનદાર હોવાને કારણે સ્પેશ્યલ ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.

સાંજના સમયે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંજના સમયે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાઆરતી કરાશે
આજે ડાયમંડ બુર્સમાં જેમણે પણ ઓફિસ ખરીદી છે. તેઓના માલિક અને તેમના પરિવારના સભ્યો ગણેશ સ્થાપનામાં ઉપસ્થિત રહેશે. તેમજ 4200 દીવડાની મહાઆરતીથી ડાયમંડ બુર્સને શણગારવામાં આવ્યો છે. આજે સાંજે ડાયમંડ બુર્સમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. આખે આખું ડાયમંડ બુર્સ દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠશે. 10 હજાર કરતાં વધુ લોકો આજના કાર્યક્રમમાં હાજર રહેનાર છે.

ગેટ આકર્ષણનું કેન્દ્ર
ડાયમંડ ઉદ્યોગ માટે આખું મોટી સફળતા માનવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં સુરત શહેર ડાયમંડ ઉદ્યોગ માટેનું વિશ્વનું સૌથી મોટું હબ બનશે. વૈશ્વિક સ્તરે શોભે તે પ્રકારનો ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં રોજ વેપાર કરવા માટે દેશ-વિદેશથી આવશે. ડાયમંડ બુર્સ જ આકર્ષક છે. એટલો જ તેનો ડ્રીમ સિટીનો ગેટ પણ આકર્ષક બનાવવામાં આવ્યો છે. જે આજે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

હીરા બુર્સ નહીં બને એ અફવા ઉડતા લોકોએ હપ્તા ભરવાનું બંધ કર્યુ હતું
એક સમયે એવી પણ અફવા ઉડી હતી કે, ડાયમંડ બુર્સ કોઈ સંજોગોમાં શરૂ થાય તેમ નથી. એટલા માટે ઓફિસ રાખનાર વ્યક્તિઓએ હપ્તા ભરવાનું બંધ કરી દિધું. જેથી સરકારને આપવાના જમીનના રૂપિયાના હપ્તા સમયસર ભરાઈ રહ્યા ન હતાં. જેના કારણે જમીનની રકમની સાથે 48 કરોડ રૂપિયા વ્યાજ ભરવાનું થતું હતું. પરંતુ ડાયમંડ બુર્સ કમિટીએ સરકારને રજૂઆત કરીને 48 કરોડ રૂપિયાનું વ્યાજ માફ કરાવ્યું હતું.

મુંબઈની ઓફિસને તાળું મારી સૌથી પહેલા સુરતમાં અમારી કંપની આવશે
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ કહ્યું હતું કે, ‘મુંબઈમાં પાર્લાથી મુંબઈ હીરા બુર્સ સુધી આવતા ૭ કિલોમીટરમાં ૧ કલાકનો સમય થતો. ખુબ જ તકલિફ થતી. એટલે મિત્રોએ કહ્યું, સુરતમાં હીરા બુર્સ બનાવવું જોઈએ. ફેમિલીને વાત કરી તો એમણે ના પાડી. પછી એમને મનાવ્યા એટલે માની ગયા. આજે બુર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મુંબઈની ઓફિસમાં તાળું મારી સુરત ડાયમંડ બુર્સમાં કામ શરૂ કરીશું.’

વેપારીઓ એક સાથે એક મંચ પર આવે તો સફળ થઈ શકાય તેનો શ્રેષ્ઠ દાખલો
સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘દિલ્હીથી એક મંત્રી સુરતમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, મને તો એમ લાગે છે કે, 4200 લોકો એક સાથે મળે ત્યારે આટલું મોટું બિલ્ડિંગ બનાવી જ ન શકે. દુનિયા કહે છે કે, ટોળાશાહીમાં શ્રેષ્ઠ કામ થાય જ નહીં. પરંતુ આપડે સિદ્ધ કરી બતાવ્યું. વેપારીઓ પણ એક સાથે એક મંચ પર આવે તો આ રીતે સફળ થઈ શકાય તેનો બેસ્ટ દાખલો એટલે સુરત ડાયમંડ બુર્સ.

દરેક મુશ્કેલીઓને અમે પડકારી
સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુર સવાણી કહે છે કે, ‘ડાયમંડ બુર્સનું નિર્માણ કરતાં પહેલા અવરોધો ઘણા આવ્યા. પરંતુ અમે અટક્યા નહીં. વિચાર શુદ્ધીના કારણે આપડે તમામ મળીને સફળ થયા. ડાયમંડ બુર્સ બનાવવા પાછળ પાગલ લોકો હતાં એટલે મુશ્કેલીઓને ગણકાર્યા વગર આગળ વધ્યા અને સફળ થયા. હવે ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. વિશ્વના 175 દેશના હીરા વેપારીઓ સુરતમાં હીરાની ખરીદી કરવા માટે આવશે.