સેવાની સરવાણી:મહારાષ્ટ્રના કોંકણમાં અતિવૃષ્ટિથી તારાજી સર્જાઈ,અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની ખાદ્ય સામગ્રીની કીટ સુરતથી મોકલાઈ

સુરત3 મહિનો પહેલા
સેવાકીય ગ્રુપ દ્વારા રાશનની કીટ તૈયાર કરીને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી રહી છે.
  • એક મહિનાનાના રાશન સહિતની કીટ તૈયાર કરીને મોકલાઈ

સુરત શહેરમાં રાજ્યમાં કે દેશના કોઇ પણ ક્ષેત્રની અંદર જ્યારે પણ કુદરતી કે માનવસર્જિત હોનારત થાય છે ત્યારે સુરતીઓ મદદ માટે હંમેશા આગળ આવતા હોય છે. સુરતના લોકો હંમેશા લોકોને મદદ કરવા માટેના સંપૂર્ણ પ્રયાસો કરતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના કોંકણ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ગત સપ્તાહે વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં ખાબકતા જનજીવન ઉપર તેની સીધી અસર થઇ હતી. આવી સ્થિતિમાં અનેક લોકોને ઘરવિહોણા થવાની ફરજ પડી છે, ત્યારે સુરતથી અનાજની કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની શરૂઆત થઇ છે. વિદ્યાકુંજ, વિદ્યાદીપ સાંઈનાથ સ્પોર્ટ ક્લબ, વીરતા ગ્રુપ દ્વારા 500 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે.અસરગ્રસ્ત વિસ્તારોના લોકો ને મદદ પહોંચાડવા માટેની તૈયારીઓનો દોર શરૂ કરાયો છે.

જીવનજરૂરીયાતની વસ્તુઓની કીટ તૈયાર કરીને મોકલાઈ રહી છે.
જીવનજરૂરીયાતની વસ્તુઓની કીટ તૈયાર કરીને મોકલાઈ રહી છે.

કીટમાં મહિનો ચાલે તેટલી વસ્તુઓ
અસરગ્રસ્ત લોકોને જમવા માટે એક મહિના સુધીનો સામાન ચાલી રહે તે પ્રકારની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાદ્ય સામગ્રીઓ મૂકવામાં આવી છે. અવાર નવાર આ પ્રકારે અસરગ્રસ્ત લોકોને અનાજની કીટ વિતરણ કરવાના અનુભવને કારણે હવે, સુરતથી જેટલી પણ કીટો જાય છે તે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવે છે. આ અસરગ્રસ્ત વિસ્તાર સુધી કીટને કોઇપણ પ્રકારની હાનિ ન થાય અને આપેલી તમામ ચીજવસ્તુઓ એક મહિના સુધી સારી રહે તેવું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

મહિનો ચાલે તેટલું કરીયાણું મોકલવામાં આવી રહ્યું છે.
મહિનો ચાલે તેટલું કરીયાણું મોકલવામાં આવી રહ્યું છે.

શક્ય મદદ કરાશે-ગ્રુપ
સેવાકીય ગ્રુપના મહેશભાઇ પટેલે જણાવ્યું કે, અમે જ્યારે કોંકણમાં સર્જાયેલી તારાજીને દ્રશ્યો જોયા ત્યારે અમને કેટલાક મિત્રોને થયું કે, ત્યાં હવે લોકોને મદદની જરૂરિયાત ઊભી થઈ હશે. જેથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા નજીકના જેટલા પણ સંપર્કમાં હતાં એટલા લોકો સુધી પહોંચીને તેમની સાથે લોકોને મદદ કરવા માટેની વાત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સુરતીઓએ પોતાના સ્વભાવને અનુરૂપ કોઈપણ પ્રકારની કચાશ ન રાખતા ખુલ્લા મનથી દાન આપ્યું હતું. તેને કારણે અમે ખાદ્ય સામગ્રીની કીટ તાત્કાલિક અસરથી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આગામી બે દિવસ બાદ સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયા બાદ અમે અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલીશું.