સચિન GIDC ગેસકાંડ:માફિયાઓએ 2.50 લાખ ગજવે ઘાલવા માટે ખાડીમાં કેમિકલ ઠાલવ્યું હતું, ટેન્કર મુંબઈથી અંકલેશ્વર અને ત્યાંથી સુરત આવ્યું

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મુંબઈની કંપનીએ વડોદરાની કંપનીને પ્રતિ લિટર રૂ. 14ના ભાવે 25 હજાર લિટર કેમિકલ નિકાલ કરવા 3.50 લાખ આપ્યા હતા
  • વડોદરાની કંપનીના ભાગીદારોએ કેમિકલ નિકાલ માટેના રૂ. 4 પણ ખર્ચ કરવા ન પડે તે માટે સચિન જીઆઇડીસીની ખાડીમાં ઢોળી દીધું હતું
  • કેમિકલ વેસ્ટ ઠાલવવા માટે બનાવાયેલી વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિ.ના બે ભાગીદારોની પણ પૂછપરછ
  • કેમિકલ માફિયાઓને પકડવા મુંબઈ, ભરૂચ, અંકલેશ્વરમાં પોલીસના ધામા

મુંબઈની કેમિકલ કંપની પાસેથી રૂ. 3.50 લાખ લઈ ઝેરી કેમિકલ સચિન જીઆઇડીસીમાં બેનંબરમાં નિકાલ કરવામાં કેમિકલ માફિયાઓના પાપે 6 લોકોના જીવ ગયા ગયા હતા. આ ઘટનામં શુક્રવારે ક્રાઇમબ્રાંચે 4 માફિયાઓને પકડી પાડયા છે. જ્યારે સંગમ એનવાયરો પ્રા.લિ.ના બે ભાગીદારો નિલેશ અને મૈત્રીની હાલમાં ડીસીબીના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. મુંબઈની કંપનીએ વડોદરાની કંપનીને પ્રતિ લીટર રૂ. 14ના ભાવે 25 હજાર લિટર કેમિકલ નિકાલ કરવા કામ સોંપ્યું હતું.

આ કંપનીના ભાગીદારે પ્રતિ લિટર રૂ. 4નો ખર્ચ પણ બચાવવા સચિન જીઆઇડીસીની ખાડીમાં કેમિકલ ઠાલવી દીધું હતું.આરોપીએ વડોદરામાં સંગમ એનવાયરો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી હતી. કંપનીની ઓફિસ વડોદરા બતાવી ભરૂચથી ઓપરેટ કરતા હતા. આ કંપની પાસે ઝેરી કેમિકલો નિકાલ કરવાનું લાયસન્સ કે પરમિટ ન હતી. છતાં કંપનીના ભાગીદાર આશીષ ગુપ્તાએ મુંબઈની તલોજા એમઆઈડીસી વિસ્તારની હિક્લ કેમિકલ કંપનીને ઈમેલ કરી પોતાની કંપની કેમિકલ નિકાલ કરતી હોવાની વાત કરી હતી.

મુંબઈની કંપનીએ પણ સંગમ એન્વાયરો પ્રા.લિ કંપનીની ઓફિસ વડોદરામાં છે કે કેમ તેની ખરાય કર્યા વિના સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ કેમિકલ 14 રૂપિયે લિટરના પ્રમાણે 25 હજાર લિટરના 3.50 લાખમાં નિકાલ કરવા માટે માત્ર ઈમેલથી આશીષ ગુપ્તા સાથે સોદો નક્કી કર્યો હતો. પછી આશીષ ગુપ્તાએ સંગમ એનવાયરો પ્રા.લિ.નું ટેન્કર લઈ ડ્રાઇવરને મુંબઈ મોકલી આપ્યો હતો. ડ્રાઇવર સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ કેમિકલ ટેન્કરમાં ભરી અંકલેશ્વર આવી ગયો હતો.

અંકલેશ્વરમાં રોડ પર જ કેમિકલ માફિયાઓ સાથે મળી મુંબઈથી લવાયેલું ઝેરી કેમિકલ અન્ય ટેન્કરમાં ભરી બાદમાં આશીષ ગુપ્તાએ તેનો હિસ્સો લઈ અમુક રકમ જયપ્રતાપ અને વિશાલને આપી દીધી હતી. પછી જયપ્રતાપ અને વિશાલે પણ ટેન્કરના ચાલક સુરેન્દ્રસિંગ અને પ્રેમસાગર ગુપ્તાને તેનો હિસ્સો આપી કેમિકલ ભરેલું ટેન્કર સચિન જીઆઇડીસીમાં નિકાલ કરવા માટે મોકલી આપ્યું હતું. પ્રેમસાગર ગુપ્તાએ ડ્રાઇવર સુરેન્દ્રસિંગને ઝેરી કેમિકલ નિકાલ કરવા માટે જગ્યા બતાવી હતી.

પાળાના વાંકે પખાલીને ડામ, કેમિકલ ઠાલવ્યું દહેજની કંપનીએ, સેમ્પલ લેવાયા સચિન જીઆઇડીસીમાં
સચિન જીઆઈડીસીમાં ખાડીમાં ઝેરી કેમિકલ છોડવાના પ્રકરણમાં બીજા દિવસે જીપીસીબીએ વધુ આઠ સેમ્પલ લઇ એનાલિસિસ લેબ ગાંધીનગરમાં મોકલી આપ્યા છે. શુક્રવારે સવારથી જ જીપીસીબી ની ટીમ સચિન જીઆઈડીસીમાં દોડી આવી હતી અને ઘટનાસ્થળ પર જઇ ખાડી અને આજુબાજુના વિસ્તાર માંથી આઠ જેટલા સેમ્પલો લીધા હતા. આ સેમ્પલને પૃથ્થકરણ માટે ગાંધીનગરની એનાલિસિસ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ બાદ જ ખાડી માં કયા પ્રકારનું કેમિકલ ગયું હતું અને વહી રહ્યું છે તેની માહિતી મળી શકશે.

આરોપીઓની જન્મકુંડલી
1. પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા(33)

(રહે,શિવનગર સોસા,પારડી,સચિન) ધંધો- બાબા મહેન્દ્રનાથ રોડલાઇન્સના નામથી 5 વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો. હાલમાં બે ટ્રક છે, ભણતર : ધો. 7. 15 વર્ષથી સુરતમાં રહે છે. ગુનાખોરી-2009માં દારૂ અને 2016માં જુગારમાં તેમજ નેગોશીયબલ એકટના ગુના નોંધાયેલા છે

2. આશીષ દુધનાથ ગુપ્તા(41)
(રહે,એમ્પેરીયલ કોમ્પલેક્ષ, રણોલી GIDC,વડોદરા)
ધંધો-વડોદરા ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો અને ભાગીદારીમાં સંગમ એનવાયરો પ્રા.લિ. નામની ઓફિસ ચલાવે છે
ભણતર-ઘો-8 સુધી ભણેલ છે

3. જયપ્રતાપ રામકિશોર તોમર(24)
(રહે,આલીશાન સીટી, જીતાલીગામ,અંકલેશ્વર)
ધંધો-4 મહિનાથી અંકલેશ્વર સ્ટેશન રોડ પર યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં લોન વિભાગમાં નોકરી
ભણતર-વડોદરાની કોલેજ એસવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે

4. વિશાલ ઉર્ફે છોટુ અનિલ યાદવ(21)
(રહે,નવસર્જન સોસા,સરદાર પાર્ક,અંકલેશ્વર)
ધંધો-અંકલેશ્વર જીઆઇડીસી પ્રણામી ચોકડી ગેરેજ ચલાવે છે. ભણતર-ઘો-10 સુધીનો ભણેલો છે.

​​​​​​​મુંબઈની કંપનીની સંડોવણીની તપાસ થશે
કેમિકલ માફિયાઓને પકડવા માટે ક્રાઇમબ્રાંચની એક ટીમ મુંબઈ તો બીજી ભરૂચ, અંકલેશ્વરમાં તપાસ કરી રહી છે. ઉપરાંત સચિન જીઆઇડીસીમાં પણ એક ટીમે તપાસ શરૂ કરી છે. આરોપીને પકડવા માટે 4 ટીમો તપાસ કરી રહી છે. પોલીસે કમિશનરે જણાવ્યું કે મુંબઈની હિક્લ કંપનીની સંડોવણી છે કે કેમ તે ડોક્યુમેન્ટો ચકાસણી કર્યા બાદ જીપીસીબી સાથે ચર્ચા કરી આગળની તપાસ કરાશે.

ટોલ પ્લાઝાના કેમેરાથી તપાસ થાય તો ઘણી ચોંકાવનારી માહિતી મળશે
ખરેખર પોલીસ આ કેમિકલ માફિયાઓને પકડવામાં રસ દાખવતી હોય તો સૌથી મહત્વની કડીઓ એ છે કે જે બે ટેન્કરોનો માફિયાઓ કેમિકલ નિકાલ કરવા માટે ઉપયોગ કરતા હતા. તે બન્ને ટેન્કરોના નંબર આધારે ટોલ પ્લાઝાના કેમેરા અને ટોલટેક્ષ રસીદ બાબતે તપાસ થાય તો સુરત સચિન જીઆઇડીસીમાં કેમિકલ ખાલવવા કેટલીવાર આવ્યા તે અંગેની સાચી હકીકતો બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...