ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સચિન GIDCમાં મશીનરી મોડર્ન થઈ પણ પાવર ટ્રિપિંગ થતાં ઉદ્યોગોને કરોડોનો ફટકો

સુરત21 દિવસ પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વીવિંગ યુનિટો અપગ્રેડ થતાં વીજ માંગ 4 ગણી વધી
  • વીજળી આવ-જા કરતાં મશીનને નુકસાન સાથે પ્રોડક્શન લોસ

સચિન જીઆઈડીસીના વીવિંગ એકમોમાં નવી મશીનરીઓ ઈન્સ્ટોલ કરાતાં પાવર ટ્રિપિંગનો પ્રશ્ન ઉભો થયો છે. જેટકોએ આગોતરું આયોજન ન કરતાં આ સમસ્યા ઉભી થઈ છે. પહેલાં જે ફીડરો 150 એમ્પિયરે ચાલતા હતાં તે હાલ 287 એમ્પિયર પર ચાલી રહ્યા છે, જેથી પાવર ટ્રિપ થાય છે અને મશીનને નુકસાન થવા ઉપરાંત પ્રોડક્શન લોસ થઈ રહ્યો છે.

વીવિંગ યુનિટો અપગ્રેડ થતાં વીજળીની ડિમાન્ડ 4 ગણી વધી ગઈ છે. પહેલાં 1 પ્લોટમાં પાવરલૂમ્સ હતા તેમાં યુનિટ દીઠ 70થી 130 એચ.પી. પાવરની જરૂર રહેતી હતી જે હવે અપગ્રેડેશન બાદ 250થી 400 એચ.પી. પાવરની જરૂરિયાત રહે છે. પાવર લોડની આ સમસ્યાને પહોંચી વળવા માટે 66 કેવીના 5 સબ સ્ટેશનો સિવાય વધારાના નવા સબ સ્ટેશન સ્થાપવા માટે હજી સુધી જેટકો દ્વારા કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું નથી, જેથી સચિન જીઆઈડીસી દ્વારા 66 કેવીના 4 અથવા 132 કેવીના 2 નવા વીજ સબ સ્ટેશન સ્થાપવા માટે માંગ કરવામાં આવી છે. ખામીમુક્ત કાપડ બનાવવા વીવિંગ એકમો સતત અપગ્રડ થઈ રહ્યા છે, જેમાં રેપિયર જેકાર્ડ મશીનો વિશ્વના અલગ અલગ દેશોમાંથી આયાત કરાશે. એક અંદાજ પ્રમાણે વર્ષમાં સચિન જીઆઈડીસીમાં 6થી 7 હજાર કરોડનું રોકાણ થયું છે.

30 રેપિયર જેકાર્ડના ખાતામાં 400 એચપીના પાવરની જરૂર
સચિન જીઆઈડીસીમાં કુલ 2250 એકમો છે, જેમાંથી સૌથી વધારે વીવિંગના છે. વીવિંગ એકમોમાં પહેલાં સાદા લૂમ્સ મશીનનો ઉપયોગ કરાતો હતો. એક એકમમાં 48 સાદા લૂમ્સ મશીન હોય તો તેમાં 70 એચપી પાવરની જરૂરિયાત રહેતી હતી, પરંતુ હવે રેપિયર, જેકાર્ડ મશીન પર કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. એક એકમમાં 30 રેપિયર જેકાર્ડ મશીન હોય તો 400 એચપી પાવરની જરૂર પડે છે.

નવા રેપિયર જેકાર્ડને વધુ વીજળી જોઈએ
લેટેસ્ટ રેપિયર જેકાર્ડ ઈન્સ્ટોલ કરાતાં વીજળીનો ઉપયોગ વધી ટ્રિપિંગ થાય છે. સરખી વીજળી ન મળતાં કરોડોનું નુકસાન થાય છે.’ > મહેન્દ્ર રામોલિયા, ડિરેક્ટર, સચિન જીઆઈડીસી

નવું સબ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થઈ જશે
ઓવર લોડિંગ હોય ત્યાં ડાયવર્ટ કરાયું છે. છતાં ખામી હશે તો તેને ચેક કરાશે. જીઆઈડીસીમાં નવું સબ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થઈ જશે.’ > ડી.ડી. પટેલ, ડેપ્યુટી એન્જિનિયર, જેટકો

એક્સપર્ટ : ઉદ્યોગોમાં ટ્રિપિંગ વધુ થતું હોય તો લોડ ડાઇવર્ટ કરવો જોઈએ
150 એમ્પિયરના ફીડર પર 287 એમ્પિયર પાવર ચાલે તેને ઓવર લોડિંગ જ કહેવાય. જેથી લોડ ડાયવર્ટ કરવો જોઈએ. વધુ એમ્પિયરનો પાવર ચાલે અને ટ્રિપિંગ થાય તો જર્ક વધારે લાગે છે.’ > આર.પી.ગોટાવાલા, નિવૃત એડિશનલ ચીફ એન્જિનિયર, જીઈબી

અન્ય સમાચારો પણ છે...