શક્યતા:લિંબાયત સ્મશાન ભૂમિ: વધારાની રકમની મંજૂરી માટે અઢી વર્ષ બાદ પાલિકા સ્ટેન્ડિંગમાં નિર્ણય લેશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડિઝાઇન બદલાતા ખર્ચ 6 કરોડથી 14 કરોડ પહોંચ્યો હતો

લિંબાયત મીઠીખાડી ખાતે મુક્તિધામ હિન્દુ સ્મશાન ભુમિના વિકાસ પેટે વધારાની રકમ મંજૂર કરવાની દરખાસ્ત પરથી અઢી વર્ષ બાદ ધૂળ ખંખેરાઇ છે. ડિઝાઇનમાં ફેરફાર કરાતા 6.40 કરોડનો ખર્ચો હવે 14 કરોડ પહોંચી ગયો છે. જેથી વધારાની રકમની મંજૂરીને લઇ છેલ્લા અઢી વર્ષથી સ્મશાન ભૂમિનું બાકી કામ ખોરંભે ચઢતા વિવાદ વકર્યો હતો. ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટિની મિટીંગમાં આ કામને આગળ વધારવા નિર્ણય લેવાઇ તેવી શક્યતા જણાઇ રહી છે.

ટ્રસ્ટ દ્વારા અગાઉ ફેઝ -1માં રૂા.3.38 કરોડ અને ફેઝ-2માં 3.02 કરોડ મળી રૂા.6.40 કરોડનો અંદાજ અનુદાન પેટે મંજૂર કરાયો હતો. જે પ્રમાણે સ્થળ પર ટ્રસ્ટ દ્વારા ઇજારદાર મારફતે સ્મશાનગૃહ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રસ્ટનાં આર્કિટેક્ટે સ્ટ્રક્ચર ડિઝાઇનમાં કોંક્રિટ સહિતની વિવિધ ફેરફાર સાથે અન્ય આઇટમોનો સમાવેશ કર્યો હતો. ફુટીંગ તથા ગ્રાઉન્ડ ફલોરની કામગીરી બાદ ટ્રસ્ટે ગ્રાન્ટ માટે પાલિકામાં બિલો સબમિટ કરતાં તેમાં આઇટમો અને તેના જથ્થા તથા તેના ભાવોેમાં મંજૂર ભાવની સરખાણી કરતા ફેરફાર જોવા મળ્યા હતા. જેથી રિવાઇઝ ખર્ચની વિગતો મંગાઇ હતી. જેમાં ફેઝ-1નો અંદાજીત ખર્ચ 3.38 કરોડથી વધીને 6.79 કરોડ થયો હતો.

પાલિકાએ જુના ઠરાવ મુજબ ફેઝ-1માં રિવાઇઝડ ચાલુ કામગીરીમાં 3.82 કરોડની ચુકવણી કરી હતી. ટ્રસ્ટે પાલિકા પાસે વધુ ગ્રાન્ટની માંગણી કરી હતી. પાલિકાએ 3 તબક્કામાં જેમાં બાકી બાંધકામનો ખર્ચ, કમ્પાઉન્ડ વોલ તથા ખુલ્લા પ્લોટમાં માટી પુરાણ તથા સ્મશાન ભુમિના ખુલ્લા પ્લોટમાં બ્યુટીફિકેશન માટેના ખર્ચનો અંદાજ મંગાવ્યો હતો. જેમાં ટ્રસ્ટના આર્કિટેકે કુલ 14 કરોડના ખર્ચનો અંદાજ મુક્યો છે. જેથી હવે વધારાની સાડા સાત કરોડની રકમ મંજૂર કરવા અંગે ગુરુવારે સ્ટેન્ડિગ કમિટિમાં નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...