સુરતીઓની ઉતરાયણની મોજ:ઉંધિયા અને ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો લાગી, એક જ દિવસમાં 30 કરોડના ઉંધિયાના વેચાણની શક્યતા

સુરત13 દિવસ પહેલા

સુરતીઓ દરેક તહેવારને ખૂબ જ મોજ મસ્તીથી ઉજવતા હોય છે. દરેક તહેવાર વખતે અલગ અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને સુરતીઓ કોઈપણ તહેવાર હોય પરંતુ ખાણીપીણી માટે કોઈ કસર રાખતા નથી. આજે ઉતરાયણે સુરતીઓ ઉંધિયા સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે અત્યારથી જ ઉંધિયા માટે દુકાનો પર લાઈનો લાગી ગઈ છે. આ સાથે જ ફરસાણની દુકાનો પર લાઈનો લાગી છે. આ વર્ષે 30 કરોડથી વધુના ઉંધિયાના વેચાણની શક્યતા છે.

ઉતરાયણના દિવસે ઉંધિયું ખાવાનો રિવાજ
સુરતમાં વહેલી સવારથી ઉતરાયણનો માહોલ જોવા મળી રહ્યો હતો. સુરતમાં ઉતરાયણના દિવસે ઉંધિયું ખાવાનો રિવાજ છે. વહેલી સવારે ચાર વાગ્યાથી જ સુરતની અલગ અલગ હોટલોમાં ઉંધિયાનું વેચાણ શરૂ થઈ જાય છે. શહેરમાં લોકો વહેલી સવારે જ ઉંધિયું ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. સ્વાદિષ્ટ ઉંધિયું ખાવા માટે લોકો વહેલી સવારથી જ પોતાની મનગમતી હોટલ ઉપર પહોંચી જાય છે. અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો ઉપર સુરતીઓ ઉંધિયું ખરીદવા માટે કતારમાં ઊભા રહી ગયા હતા.

ઉંધિયા પાર્ટીનું આયોજન
પતંગ રસિકો પોતાના ઘરે ટેરેસ ઉપર જઈને પતંગ ઉડાવશે અને પરિવારના લોકો પણ સાથે હશે. પરંતુ તેની સાથે જમણવાર પણ સવારે અને રાતે ટેરેસ ઉપર જ કરી લેતા હોય છે. ઘણી ખરી જગ્યાએ લોકો પોતાના મિત્ર વર્તુળમાં એકત્રિત થઈને ઉતરાયણ ઉજવતા હોય છે અથવા તો સોસાયટીના લોકો એક સાથે ઉતરાયણમાં પતંગ ચગાવવાની સાથે જમવાનું આયોજન પણ કરતા હોય છે. આજે દરેક ઘરમાં સ્વાદિષ્ટ ઉંધિયું ખાવાનું ચૂકશે નહીં. ઉતરાયણના જમવાના મેનુમાં આજે ઉંધિયું અચૂક હાજર હશે. સુરતીઓ આજે ઉંધિયા પાર્ટીનું આયોજન કરીને મકરસંક્રાંતિની ઉજવણી કરી કરી રહ્યા છે.

સુરતીઓની વર્ષોની પરંપરા
સુરતના રહેવાસી મયંક જીરાવાલાએ જણાવ્યું કે દરેક તહેવાર વખતે સુરતીઓ અલગ અલગ વાનગીઓ ખાતા હોય છે. ઉતરાયણ સમયે શિયાળાનો માહોલ હોવાને કારણે ઉંધિયું ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. આજે હું ચૌટા બજારમાં વહેલી સવારે જ ઉંધિયું ખરીદવા માટે આવી ગયો હતો. કોરોનાકાળ બાદ કરતાં દર વર્ષે આવી જ રીતે કતારમાં ઊભા રહેવું પડે છે. જોકે ઉંધિયું ખાવું હોય તો 25-30 મિનિટ લાઇનમાં ઊભા રહેવાથી અમને કોઈ ફરક પડતો નથી. છેલ્લા 30-35 વર્ષથી અમને કતારમાં ઊભા રહીને ઉંધિયું ખરીદવાની ટેવ પડી ગઈ છે. આજે સવારે પણ અને સાંજે પણ ઊંધું ખાવાનું કોઈ ચૂકશે નહીં.

સુરતમાં ઉતરાયણ પર ઉંધિયું ખાવાનો રિવાજ.
સુરતમાં ઉતરાયણ પર ઉંધિયું ખાવાનો રિવાજ.

ઉંધિયું ક્યારે ક્યારે ખાવામાં આવે છે?
સુરત એવું શહેર છે કે જેમાં દરેક તહેવારોને ધ્યાનમાં રાખીને અલગ જ વાનગી આરોગવામાં આવે છે જેમ કે ચંદની પડવો હોય ત્યારે સુરતમાં સ્પેશિયલ સ્વાદિષ્ટ મીઠાઈ ઘારી તૈયાર કરવામાં આવે છે. ઘારી પણ આખા વિશ્વમાં માત્રને માત્ર સુરત શહેરમાં જ તૈયાર થાય છે. તેવી જ રીતે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ છે. ત્યારબાદ ઉત્તરાયણમાં સુરત શહેરમાં સ્પેશિયલ આરોગવામાં આવતું ઉંધિયું છે. ઉતરાયણના દિવસે સુરત સહિત ગુજરાતભરમાં ઉંધિયાનું વેચાણ ખૂબ મોટા પાયે થતું હોય છે. ઉંધિયું બનાવવા માટેની જે શાકભાજી હોય છે તે શિયાળાના સમય દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં મળતી હોય છે તેથી આ દિવસો દરમિયાન ઉંધિયું ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. માત્ર ઉતરાયણના દિવસે જ નહીં પરંતુ હવે તો બારે મહિના ઉંધિયું મળે છે લોકો લગ્નસરા પણ ઉંધિયું બનાવવાનું પસંદ કરે છે. સુરતમાં ઉત્તરાયણે એક જ દિવસમાં સુરતીઓ 25થી 30 કરોડનું ઉંધિયું ઝાપટી જતા હોય છે.

ઉંધિયું લેવા સવારથી જ લાઈનો લાગી જાય છે.
ઉંધિયું લેવા સવારથી જ લાઈનો લાગી જાય છે.

ગત વર્ષે 60થી 70 હજાર કિલોથી વધુ ઉંધિયું સુરતીઓ ઝાપટી ગયા
એક અંદાજ મુજબ સુરત શહેરમાં ઉત્તરાયણના એક જ દિવસે 7,50,000 હજાર કિલો કરતા પણ વધુનું ઉંધિયું સુરતીઓ ઝાપટી જાય છે. સુરતીઓ માત્ર એક જ દિવસમાં 25થી 30 કરોડ રૂપિયાનું ઉંધિયું ખાઈ જશે. ગત વર્ષે 60થી 70 હજાર કિલો ઉંધિયું સુરતીઓ દ્વારા આરોગવામાં આવ્યું હતું. જ્યારે 2021માં 50 હજાર કિલોથી વધુ ઉંધિયું સુરતીઓ ઝાપટી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...