સુરત:લોક ડાઉન છતાં કારણ વગર ફરનારા અને બિન જરૂરી દુકાન ચાલુ રાખનાર 40થી વધુ સામે ફરિયાદ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમાજના દુશ્મનો સામે કાર્યવાહી, વારંવાર સૂચના આપવા છતાં હજું કેટલાક લોકો સુધરતા નથી

સુરતઃ કોરોના વાઇરસની ભયાનકતાનેે ધ્યાનમાં રાખી તેને રોકવા માટે લોકડાઉન જાહેર કરાયું છે. કોઈ પણ ઇસમ કારણ વિના ઘરની બહાર ન નીકળે તેમજ જીવનજરૂરી ચીજવસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવાની કાયદા મુજબ સુચના છે છતાં કારણ વગર દુકાનો શરૂ રાખનારા અને કારણ વગર ફરનારાઓ વિરુદ્ધ ગુના દાખલ કરાઈ રહ્યા છે. શુક્રવારે પણ આવા 40 થી વધુ ગુના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. તેમાં સૌથી વધુ 11 ગુના પાંડેસરા પોલીસે દાખલ કર્યા છે. ઉપરાંત વરાછા, કાપોદ્રા, લાલગેટ, સચીન જીઆઈડીસી, ઉમરા સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. બિન જરૂરી ફરનારાઓના 94 વાહન ડિટેઇન કર્યા છે. છેલ્લા ચાર દિવસમાં 132 કેસ કરી 907 વાહન પોલીસે ડિટેઇન કર્યા છે.

પાંડેસરામાં ખરીદી મામલે  ટપોરીઓએ દુકાનદારને માર્યો 
અલથાણમાં રહેતા સુરજ અગ્રવાલ પાંડેસરામાં પિયુષ પોઈન્ટ પાસે કરિયાણાની દુકાન ધરાવે છે. કોરોનાના કારણે લોકોને એક મીટરનું અંતર રાખીને માલ ખરીદવા માટે લાઈનમાં આવવા કહ્યું હતુ. ત્યારે રાજુ નામના ઇસમે તેના સાથી ક્રિષ્ણા, જગદિશ અને સોનું સાથે આવીને કહ્યું કે અમે લાઇનમાં ઉભા નહીં રહીશું સીધો અમને માલ આપ એવું કહી ગાળ આપી માર માર્યો હતો. સુરજે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી છે.

બમરોલીમાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર સામે ગુનો દાખલ
બમરોલી રોડ પર તૃપ્તિ નગરમાં રહેતો ઓમ પ્રકાશ સુથારને હોમ ક્વોરન્ટાઈન કરાયો હતો.26 તારીખે ઓમ પ્રકાશ તેના ઘરે મળી આવ્યો ન હતો. તેથી કોર્પોરેશનના અધિકારી દ્વારા તેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અડાજણમાં વ્યવસ્થા ન થતાં શાકભાજીવાળાને પરત કરાયા
બુધવારે સુરત મહાનગરપાલિકાના કમિશનર બછાનિધી પાનીએ કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે બેઠક કર્યા બાદ શાકભાજી અને કરિયાણાની દુકાનો લાંબો સમય ચાલુ રાખવા જાહેરાત કરી હતી. તેમ છતાં સાદા અને પોલીસ ડ્રેસમાં કેટલાક ઇસમો દંડા લઈ અડાજણ અને પાલમાં આવેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં આવેલી દુકાનોના માલિકોને દંડા બતાવી બંધ કરાવી રહ્યાં છે. જેમાં મહિલાઓ ઘરકામ કરી બપોરે 12 વાગ્યા પછીના સમયમાં કરિયાણું અને શાકભાજી લેવા નીકળી હતી. ત્યારે દુકાનદારોને પોલીસકર્મી જેવા ઇસમોએ દંડા બતાવીને દુકાનો બંધ કરાવી દીધી હતી. જેમાં કેટલીક જગ્યાએ તો શાકભાજીના ટેમ્પાવાળા રીતસર ભાગ્યા  હતા.

અન્ય સમાચારો પણ છે...