સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન હાલ ખસેડીને રહેણાંક વિસ્તારમાં લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ સ્ટેશનનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય રસ્તાથી ઘણે અંદર ત્રણેક સોસાયટીના કોમન પ્લોટની જગ્યાએ પર પોલીસ સ્ટેશન બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. ત્યારે સ્થાનિકોએ ધરણા પર બેઠા છે. જેનો આજે છઠ્ઠો દિવસ છે. છ દિવસથી ધરણા પર બેઠેલા લોકોના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ લાવવાની જગ્યાએ સ્થાનિક નેતાઓ એક મેકને ખો આપી રહ્યાં છે.
શાંતિકુંજની જગ્યાએ પોલીસ સ્ટેશન
નીલકંઠ સોસાયટીના રહિશ વિજય અકબરીએ જણાવ્યું હતું કે, અગાઉ આ વિસ્તારમાં બગીચા અથવા શાંતિકુંજ બનાવવાની વાત હતી. પરંતુ અચાનક પોલીસ સ્ટેશન બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. સરથાણા પોલીસ સ્ટેશનની ખરાબ થઈ ગયેલી ગાડીઓ પ્લોટમાં મૂકાઈ ત્યારે અમને જાણ થઈ હતી. અમારા વિસ્તારમાં પાલિકા કે તંત્ર દ્વારા બગીચા નથી કે નથી કોઈ લાયબ્રેરી. પરંતુ એ બનાવવાની જગ્યાએ પોલીસ સ્ટેશન બનાવવાની વાત સામે આવતાં અમે છઠ્ઠા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા છે. જ્યાં સુધી અમારી માગ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે વિરોધ કરીશું. સાથે જ આગામી દિવસોમાં આંદોલનને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર બનાવીશું.
નેતાઓ એકમેકને ખો આપી રહ્યા છે
થોડા દિવસો અગાઉ કામરેજના ધારાસભ્યએ કહ્યું હતું કે, 3 પ્લોટ પર પસંદગી ઉતારવામાં આવી હતી. પરંતુ આ પ્લોટ ફાઈનલ થયો હતો. પરંતુ લોકોના વિરોધને જોતા અન્ય જગ્યા પસંદ કરવામાં આવશે. પાલિકા નક્કી કરશે. પરંતુ એ વાતને છ દિવસ વિતવા છતાં કોઈ જ કામગીરી ન થઈ હોય અને ડે.મેયર દિનેશ જોધાણીને પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ અંગે દિનેશ જોધાણીએ કહ્યું કે, આ બાબતે ધારાસભ્યને રજૂઆત કરવાની હોય. અમે બાબતે સ્થાનિકોના પ્રશ્નો સાંભળીને કામ કરીશું. મહત્વપૂર્ણ છે કે, સ્થાનિકોનો પ્રશ્નોને વાચા ન મળતી હોય તેમ નેતાઓ એકથી બીજાને ખો આપતા જોવા મળી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.