મંજુરી:આંજણામાં 60 મી.નો રોડ બનાવવા સ્થાનિકોનો વિરોધ, દબાણ હટાવાશે

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 મી.ના 2 રોડને 60 મીટર પહોળા કરવા સ્ટેન્ડિંગની મંજુરી
  • ખરવરનગરથી વાય જ્કંશન સુધીના 6 લેનના રોડ માટે કવાયત

ઉધના-મગદલ્લા રોડના સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધીના 45 મીટરના રોડ પર 60 મીટરની લાઇનદોરી મુકવા તેમજ આંજણામાં અનવરનગર અને આંબેડકરના રોડ પર 60 મીટરની રસ્તાની લાઇનદોરીને પાલિકાની સ્થાયી સમિતિએ મંજુરી આપી છે. આંજણામાં લાઇનદોરી સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. સ્થાયીએ ખરવરનગર સુધીનો માર્ગ પણ વાય જંકશન રોડને કનેક્ટ હોવાથી 60 મીટરની લાઇનદોરીનું અમલ હવે ખરવરનગરથી નવજીવન સર્કલ સુધી કરવાની કવાયત પણ શરૂ કરી છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, ડેવલપમેન્ટ વિઝનને ધ્યાનમાં રાખી લાંબા સમયથી પેન્ડિંગ લાઇનદોરીના અમલ માટેની દરખાસ્તને મંજુરી અપાઇ છે. સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધી 60 મીટરના ટીપી રોડનું અમલ કરાશે. આ માર્ગ ખુલ્લો કરવાની તમામ કાગળ કાર્યવાહી આટોપી લેવાઇ છે. જેમાં હાઇરાઇઝ એપાર્ટમેન્ટ, લોરાઇઝ એપાર્ટમેન્ટ, 83 દુકાનો, 22પતરાંના શેડ, 1પોલીસ સ્ટેશન અને મંદિરને પણ એલાઇન્ટમેન્ટની અસર વર્તાશે. આ માર્ગને લાગુ ખરવરનગર સુધીનો રોડ પણ વિકાસ પ્લાનમાં સમાવી લઇ 60 મીટરના ટીપી રોડની લાઇનદોરીનું પાલન કરવા સ્થાયી સમિતિએ અભિગમ દર્શાવ્યો હતો. ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, આગામી મિટીંગમાં ખરવરનગરથી નવજીવન સર્કલ સુધીના માર્ગને લાઇનદોરીના પાલનમાં સમાવી લઇ તેનો અમલ કરવા કવાયત કરાશે.

અનવર નગર - આંબેડકરનગરને અસર
ટીપી-7 આંજણામાં કેનાલ રોડ સ્થિત અનવર નગર તથા ડો. આંબેડકર નગરના રોડ ઉપર પણ 60 મીટર રસ્તાની લાઇનદોરી મુકવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુર રાખી હતી. આ લાઇનદોરીથી લાગુ રોડની બન્ને બાજુ કાચા-પાકા મકાન પર એલાઇન્ટમેન્ટની અસર વર્તાશે. લાઇનદોરીના અમલના વિરોધમાં સ્થાનીક અસરગ્રસ્તોએ પાલિકા કચેરીએ મોરચો લાવી વિરોધ પણ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...