પાલિકા દ્વારા ઉંબેર ગામની 3.40 લાખ સ્ક્વેર મીટર જમીનમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ શરૂ થતાં જ ગ્રામજનોમાં ઉચાટ ફેલાઇ ગયો હોવાની બાબત સામે આવી હતી. આ અંગે તેમણે પ્રદુષણ કિસ્સાઓનું નિવારણ કરતી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)માં જવાની ચીમકી ઉચ્ચારી હતી.
સ્થાનિકોએ ઘન કચરાના પ્લાન્ટના કારણે પ્રદુષણ વધવાની સાથે લોકોના સ્વાસ્થ્ય પર અસર થવાની ભીતિ સેવી હતી. આ અંગે ગ્રામજનોએ બેઠક કરી રણનીતિ નક્કી કર્યાનું સુત્રોએ ઉમેર્યું હતું. ઉંબેર ગામના ખેડૂત અગ્રણી અનિલ પટેલે જણાવ્યું કે, નજીકની સચિન GIDCના પ્રદુષણ ઓકતા એકમોની વિપરીત અસરથી ગ્રામ્ય વિસ્તાર પહેલાથી જ ડિસ્ટર્બ છે ત્યાં બાજુમાં કનકપુરમાં ઇન્ડસ્ટ્રીઝ યુનિટની વધતી સંખ્યા પણ ઉંબેર ગામ માટે નુકસાની સાબિત થાય તેવો ભય રહેલો છે.
આ પ્રદૂષિત વાતાવરણ વચ્ચે સુરત પાલિકા ગામમાં વેસ્ટ ટુ એનર્જી માટે ડમ્પિંગ સાઇટ બનાવવાનું આયોજન કરી રહી હોવાથી પ્રદુષણની માત્રા લોકોના સ્વાસ્થ્ય તેમજ ખેતી પાકો માટે જોખમી બને તેવી ભીતિ સેવાઇ છે. તેમણે કહ્યું કે, અગાઉ પણ ઉંબેર ગામમાં કચરાની ડમ્પિંગ સાઇટ સ્થાપવા માટે પ્લાનિંગ થયું હતું ત્યારે પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે જે તે વખતે આશ્વાસન પણ અપાયા હતાં. જોકે હવે ફરી એકવખત ઉંબેરમાં કચરાના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
હવે એરપોર્ટ અને GPCBની NOC મેળવાશે
ઉંબેરમાં વિશાળ જમીન પર બાયૉગૅસ અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના આયોજન માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ની માન્યતા મળતા પાલિકાએ હવે આગળની લીગલ પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા હેઠળ સોલીડ વેસ્ટ વિભાગને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)ની NOC મેળવવા ફાઇલ મૂવમેન્ટની જવાબદારી સોંપાઇ છે, તેવી જ રીતે એરપોર્ટ NOC મેળવવા સિટી ઇજનેર સેલ ફોલોઅપ લઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.