ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ખદબદતા ભ્રષ્ટાચારના કારણે આજે સુરત સચીન જીઆઇડીસીમાં ગોઝારી ઘટના બની છે. તેમાં છ લોકોના મોત થવાની સાથે 23 જેટલા લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવા પડ્યાં છે. સચીન જીઆઇડીસી, પાંડેસરા જીઆઇડીસી, હોજીવાલા વિસ્તારમાં રાજ્ય જ નહીં પરંતુ આંતરરાજ્ય કેમિકલ ઠાલવવાનું હબ બની ગયું હોવાની વારંવાર સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જોખમી કેમિકલ ઠાલવવા માટે મોડી રાતે અથવા તો વહેલી સવારે ટેન્કર સુરતમાં પ્રવેશતા હોય છે. ટેન્કરોની અંદર ઝેરી કેમિકલ લાવવામાં આવે છે. જે જીઆઇડીસીની ખાડીઓમાં અથવા તો એસ.એમ.સી.ની લાઈનોમાં ઠાલવીને ટેન્કરો નાસી જતા હોય છે. કેમિકલ એટલા જ ઝેરી હોય છે કે, તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાતું હોય છે.સાથે જ આવી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. સ્થાનિકોના ગંભીર આક્ષેપો સામે જ્યારે દિવ્યભાસ્કરે જીપીસીબીના અધિકારી પરાગ દવેને સીધા સવાલો કર્યા ત્યારે તેમણે 3 વર્ષમાં 7 ફરિયાદ મળી હોવાનું તથા કાર્યવાહી ચાલુ હોવાની વાતો કરી હતી.
દિવ્ય ભાસ્કર: કેમિકલ ઠાલવવાની કેટલી ફરિયાદો મળી છે?
પરાગ દવે: છેલ્લા છ મહિનામાં ત્રણ જેટલી ફરિયાદો મળી છે. જેમાં પર્યાવરણ સંબંધિત કાયદાઓની કલમ હેઠળ કામગીરી કરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર: ઝેરી કેમિકલ ધરાવનારાઓની મોડસ ઓપરેન્ડી કેવી હોય છે?
પરાગ દવે: કેમિકલ ઠાલવવા માટે અવાવરું જગ્યા કે, ખાડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાજ્યમાંથી અન્ય સ્થળોથી ઝેરી કેમિકલ કે, જે જોખમી હોય છે તે આવા સ્થળો પર આવીને ઠાલવી દેતા હોય છે.
દિવ્ય ભાસ્કર: તમે કેટલા વર્ષથી અધિકારી તરીકે સુરતમાં ફરજ બજાવો છો અને તમને અત્યાર સુધીમાં કેટલી ફરિયાદો મળી?
પરાગ દવે : હું છેલ્લા ત્રણ વરસથી અહીંયા અધિકારી તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરજ બજાવું છું. મને અત્યાર સુધીમાં કુલ 7 જેટલી ફરિયાદો મળી છે.
દિવ્ય ભાસ્કર: શહેરમાં કયા કયા સ્થળ ઉપર આ રીતે કેમિકલ ફાળવવામાં આવે છે? પરાગ દવે: સુરતમાં જહાંગીરપુરા, હોજીવાલા અને સચીન જીઆઈડીસીના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે કેમિકલ ઠાલવતા હોવાનું જાણવા મળે છે.
દિવ્ય ભાસ્કર: જ્યારે તમને ફરિયાદ મળે છે ત્યારે તમે પોલીસને જાણ કરો છો?
પરાગ દવે: હા, જ્યારે પણ અમને ફરિયાદ મળે છે ત્યારે અમે પોલીસને જાણ કરીએ છીએ અને ટીમ વર્કથી સંકલન કરીને અમે કામગીરી કરતા હોઈએ છીએ.
કામગીરી પર શંકા
પરાગ દવે આપેલા પ્રશ્નોના જવાબમાં એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક પોલીસ જો સક્રિય રીતે કામ કરે આ પ્રકારની ઘટના કેવી રીતે બને. અને ત્રણ વરસ જેટલો સમય પસાર થઇ જાય અને માત્ર સાત જેટલી ફરિયાદો મળે એ વાતમાં કોઈ શક્યતા જણાતી નથી.
અમે વારંવાર ફરિયાદ કરી છે-સ્થાનિકો
દિવ્ય ભાસ્કરની દ્વારા જ્યારે સ્થાનિક મિલ માલિકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું કે, આ વિસ્તારની અંદર સતત આ પ્રકારે જોખમી કેમિકલ ઠલવાતા હોય છે. અમે વારંવાર એમને મૌખિકમાં રજૂઆત કરતા હોઈએ છીએ. પરંતુ અધિકારીઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી. સ્થાનિક પોલીસો અને સ્થાનિક લોકોની મિલીભગતમાં આ પ્રકારના ટેન્કરો ખાલી કરવામાં આવતા હોવાની અમને તમામ બાબતોની જાણ છે. પરંતુ તેની સામે આ અધિકારીઓ કોઈ પણ પગલા લેતા નથી. જો અમે વધારે પડતા તેની રજૂઆત કરવા જઈએ. તો તેઓ અમને હેરાન કરી શકે છે. એ પ્રકારનાં ડરને કારણે અમે સીધી રીતે તેમની સાથે તકરાર કરતાં નથી. પરંતુ આ હકીકત છે કે, સચિન જીઆઇડીસીની અંદર સ્થાનિક પોલીસો અને કેટલાક લેભાગુ તત્વો કે જેવો જોખમે કેમિકલ ઠાલવવા માટેની જગ્યા શોધતા રહે છે.
પોલીસ કામગીરી પણ શંકાના દાયરામાં
નાઈટ પેટ્રોલીંગ વખતે જો જીઆઇડીસીની પોલીસ સતર્ક રહેતી હોય તો પછી આ પ્રકારના ટેન્કર ગમે ત્યાં ઠાલવાતા હોય છે. જ્યારે તેઓ શું કરી રહ્યા હોય તે મહત્વનો પ્રશ્ન છે. સ્થાનિક પોલીસ આવા શંકાસ્પદ ટેન્કરને રોકવામાં નિષ્ફળ જઇ રહી છે. પોલીસના સ્થાનિક બાતમીદારો પાસેથી આની વિગતો મેળવી શકતા નથી. અથવા તો તેઓ મેળવવાનો જાણી જોઈને પ્રયાસ કરી રહ્યા નથી. એ વાત સામે આવે છે. સ્થાનિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ માટે કેટલા માણસો ફાળવવામાં આવ્યા છે અને એમના દ્વારા કેટલા લોકોને અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યા છે. તે કામગીરી ઉપર પણ શંકા ઊભી થઈ રહી છે. સ્થાનિક લોકોની એક સક્રિય ગેંગ છે કે, જે બહારથી આવતા કેમિકલયુક્ત ટેન્કરોને ક્યાં ઠાલવવા તે માટેની વિગતો આપતા હોય છે, જો તે વિગતો તેવો ટેન્કર ખાલી કરવા વાળાને આપતા હોય તો પોલીસને ટેન્કર ખાલી કરવા માટે આવી રહ્યું છે તે અંગેની માહિતી કેમ મળતી નથી.
મેળા પીપણામાં ચાલતો ખેલ
સ્થાનિક પોલીસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીના મેળા પીપણા વગર આ કામ શક્ય નથી. કેમિકલ ઠાલવવા માટે મોટી રકમ આપવામાં આવતી હોય છે અને તેમાં પોલીસ જીપીસીબીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની ભાગ બટાઈ હોય છે. રાજ્યભરમાં અન્ય રાજ્યના પણ કેમિકલ ચાલવા માટે મોટા પ્રમાણમાં રૂપિયા ચૂકવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ના હપ્તા ખોલી ના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.