ખખડધજ રસ્તા:સુરતના નવાગામ-વાવ ટીપીમાં રોડ રસ્તા અને ગટરના કામ ન થતાં સ્થાનિકો ત્રાહિમામ, CMO-PMO સુધી ફરિયાદ કરી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખરાબ રસ્તાને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. - Divya Bhaskar
ખરાબ રસ્તાને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના નવાગામ વાવ ટીપી નંબર 45માં રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કામરેજ અને સુરતની વચ્ચે જે.બી.ડાયમંડ સ્કૂલની સામે આવેલા આ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ બની ગઈ છે. રો-હાઉસથી લઈને લો રાઈઝ અને હાઈ રાઈઝ સહિતની ઈમારતોમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. ત્યારે અહીં 2021ના ઓક્ટોબર માસમાં રોડનું કામ ચાલુ થયું હતું. પરંતુ કોઈ કારણોસર રસ્તાનું કામ અટકી જતાં હજુ સુધી આ વિસ્તારમાં રોડની કામગીરી પૂર્ણ ન થતાં સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. રસ્તા સહિત ગટરના કામ પણ ન થયાં હોવાથી સ્થાનિકોએ ત્રાહિમામ પોકારીને સીએમઓ અને પીએમઓમાં ફરિયાદ કરી છે.

રસ્તા માગ્યા તો કેનાલ કરી દીધી
સ્થાનિક રહીશ વિપુલ શિરોયાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારને જાણે કોઈ ગણતું ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. અહીં રસ્તા બનતા નથી બને છે તો તેને કોઈ જ ધ્યાન ન અપાતું હોય તે રીતે રસ્તાઓ બન્યા નથી. અમે રસ્તાઓ માગી રહ્યા છીએ તો અહિં ગટર પણ અપાઈ નથી. જેથી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતો હોવાથી ખરાબ રસ્તા પર કેનાલ બની ગઈ હોય તેવી ગંદકી સર્જાઈ રહી છે.

ફરિયાદોનો મારો ચલાવાયો
ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉબડખાબડ રસ્તાના કારણે સ્થાનિકો અનેક રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે ઝડપથી નિરાકરણ આવે તેવી આશા સેવામાં આવી રહી છે. આ સાથે જ સુડામાં અવારનવાર ફરિયાદ કર્યા બાદ હવે સીએમઓ અને પીએમઓમાં પણ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...