સુરતના 12 વર્ષની ઉંમરમાં સંદીપને અચાનક જ છોકરીઓને ગમતી તમામ વસ્તુઓ સારી લાગવા લાગી હતી. તેને અચાનક જ ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો. તે અન્ય છોકરાઓની જેમ કાર અને બાઇક નહીં પરંતુ ઢીંગલી પસંદ કરવા લાગ્યો હતો. ત્યારે જ તેને ખબર પડી ગઈ કે, તે છોકરો નથી. કંઇક તો છે જે તેને અન્ય છોકરાઓ કરતાં જુદો પાડે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી પણ માનસિક દ્વંદ્વથી પસાર થઇ રહેલા સંદીપે આખરે નક્કી કર્યું કે, જે તે અંદરથી જે છે, તે સમાજની સામે લાવશે, અને 39 વર્ષની ઉંમરમાં સંદીપે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. ત્રણ સર્જરી કર્યા બાદ તે સંદીપમાંથી અલીશા પટેલ બની હતી.જેને પ્રમાણપત્ર આપીને સરકારે પણ મહિલા તરીકેની માન્યતા આપી છે.
ક્લેક્ટરના પ્રમાણપત્રથી અલિશા ખુશ
અલિશા પટેલને હાલ જ સુરત જિલ્લા કલેકટર દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેના કારણે હવે તે ટ્રાન્સ વુમન બની ગઈ છે.આ પ્રમાણપત્ર તેણીના જાતિ પરિવર્તનના ઓપરેશન પછી પ્રાપ્ત થયું છે અને જ્યારે નવી ઓળખને સરકાર તરફથી માન્યતા મળી ત્યારે તે ખૂબ જ ખુશ છે. અલીશા ઓરિએન્ટલ થેરાપીસ્ટ છે અને તાજેતરમાં એક મહિલા બનવા માટે આશરે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.અલીશા પટેલ નવા નિયમો અનુસાર સરકાર દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર મેળવનાર ટ્રાન્સ વુમન બની છે.
મારે પહેલીથી જ સ્ત્રી બનવું હતું-અલિશા
અલિશાએ જણાવ્યું કે, હવે આત્મવિશ્વાસથી મારી ઓળખ લોકોને જણાવી શકું છું અને એક મહિલા તરીકે કામ કરી શકું છું. જે હું અગાઉ કરી શકતી નહોતી.તેણીને 12 વર્ષની ઉંમરથી તે અંદરથી એક મહિલા છે એ વાતની ખબર પડી હતી. શાળામાં છોકરાઓ હાફ પેન્ટ પહેરીને આવતા પરંતુ મને સ્કૂલના ગણવેશમાં લાંબી સ્કર્ટ ગમતી હતી. પરંતુ હું પોતાને વ્યક્ત કરી શકતી નહોતી. છ બહેનોમાં સૌથી નાની અલીશા પટેલે જણાવ્યું હતું કે, મારી બોડી લેંગ્વેજ, રૂચિ અને વાત કરવાની રીત બતાવતી હતી કે, હું મોટી થઈને મારા પરિવારમાં સ્ત્રી બનીશ.
કાયદો બન્યા બાદ માન્યતા મળી
અલિશાને ઈચ્છા પૂર્ણ થવાની શરૂઆત ત્રણેક વર્ષ અગાઉ થવાની સંભાવના જાગી હતી. વર્ષ 2019 માં કાયદો બન્યો હતો કે, લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી શકે છે. જે અંતર્ગત સંદીપે અલીશા બનવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં સર્જરી સહિતના ડોક્યુમેન્ટના આધારે તેણીએ સરકારમાં અરજી કરી હતી.લ ટ્રાન્સ ગર્લ બનવાની અરજી કર્યા બાદ ખરાઈના અંતે તેણીને ક્લેક્ટર કચેરીથી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ છે.
પ્રક્રિયા લેન્ધી છે
અલિશાએ જણાવ્યું હતું કે, મારે સ્ત્રી બનવું હતું. પરિવારનો સપોર્ટ હતો. એટલે મેં મનોવૈજ્ઞાનિકની મદદ લીધી હતી. જેથી તેમણે પણ મારા વિચારને બળવત્તર બનાવ્યો હતો. બાદમાં મેં સરકારના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી હતી. બાદમાં જરૂરી કાગળો મૂક્યાં હતાં. આ પ્રક્રિયા લેન્ધી છે. પરંતુ તમારી અંદર જો મારા જેવા વિચાર આવતાં હોય તો તમે પણ ખુલીને બહાર આવી શકો છો.
સરકારી નોકરીમાં ટ્રાન્સવુમનને સપોર્ટની જરૂર
સરકારે અમારી કોમ્યુનિટીને માન્યતા આપી દીધી છે ત્યારે હવે સરકારી નોકરી અને ટ્રાન્સ કોમ્યુનિટી પણ બિઝનેસ સહિતની જાહેર જગ્યાએ દેખાતી થાય તે માટે પ્રોત્સાહન આપવાની જરૂરછે તેમ જણાવતાં અલિશાએ ઉમેર્યું કે, અમારી કોમ્યુનિટીને કાગળ પર અને કાયદા પર માન્યતા મળી છે. પરંતુ જાહેરમાં કામ કરતી અમારી કોમ્યુનિટી દેખાય તો તેનામાં અને અન્ય અમારા જેવામાં પણ આત્મવિશ્વાસ વધી શકે તેમ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.