કોરોના સુરત LIVE:કેન્યાથી આવેલા વિદેશી નાગરિકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેરમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 51 થઈ

કેન્યાના નૈરોબીથી પોતાના ભાઈની ગંભીર બીમારીની સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં આવેલા વિદેશી નાગરિકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાઈરીસ્ક દેશમાંથી આવેલા નાગરિકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેરમાં ઓમીક્રોનના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા છે.

સંપર્કમાં આવેલા 22 લોકોના કરાયેલા ટેસ્ટ પેન્ડિંગ
55 વર્ષીય વિદેશી નાગરિક એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેમના ભાઈને ગંભીર બીમારી હોય તેની સારવાર માટે તેઓ નૈરોબીથી વાયા શાહજાહ થઈ મુંબઈથી 15 ડિસેમ્બરે ટેક્સી મારફતે સુરતમાં કિરણ હોસ્પિટલમાં ગયા હતા અને સુરત રેલ્વે સ્ટેશન પાસે હોટેલમાં રોકાયા હતા. તેઓ ભાઈની સારવાર માટે 17 ડિસેમ્બરે પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાઈરીસ્ક દેશમાંથી આવ્યા હોવાથી તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી તરીકે અલાયદા વોર્ડમાં કોરન્ટાઈન કરાયા છે. તેમને કોઈ લક્ષણો ન હતા તેમજ તેમણે વેક્સિનનો એક ડોઝ લીધો છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા 22 લોકોના ટેસ્ટ કરાવ્યા છે જેનો રિપોર્ટ હાલ પેન્ડીંગ છે અને તમામ કોન્ટેક્ટ્સને હાલ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને દર્દીની હાલત હાલ સ્થિર છે.

વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે
સુરતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ જતાં પાલિકા સતર્ક બની છે. ગત રોજ કોરોનાના વધુ 9 કેસ નોંધાયા હતા. સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. દરમિયાન ઓમિક્રોનને લઈને હાઈરિસ્ક દેશમાંથી આવેલા મગદલ્લા રોડ પર રહેતા યુવકે હોમ ક્વોરન્ટીનનો ભંગ કરતા 2500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

તાંઝાનિયાથી આવેલા યુવકે હોમ ક્વોરન્ટીનનો ભંગ કર્યો
ઓમિક્રોનના કેસ જે દેશોમાં વધુ જોવા મળી રહ્યા છે. તે દેશોને હાઈ રિસ્ક દેશોમાં ગણવામાં આવી રહ્યા છે. 11 ડિસેમ્બરના દિવસે સાઇલેન્ટ ઝોનમાં રહેતા એક ઇસમ તાંઝાનિયાથી આવ્યો હતો. હાઈ રિસ્ક દેશમાંથી આવ્યો હોવાથી તેને હોમ ક્વોરન્ટીનમાં રહેવાનું સૂચન આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. આજે મગદલ્લા રોડ વિસ્તારની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળની આકસ્મિક તપાસ કરતા યુવાન પોતાના રહેઠાણના સ્થળે જોવા મળ્યો ન હતો. જેથી આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ રૂ. 2500નો દંડ ફટકાર્યો હતો.

પોઝિટિવ કેસનો આંક 1,44,176 પર પહોંચ્યો
શહેરમાં શનિવારે વધુ 08 અને જિલ્લામાં 01 કેસ સાથે કુલ 09 નવા કેસ સામે આવ્યાં હતા. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,176 થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી 05 દર્દીઓ અને જિલ્લામાંથી 00 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,42,008 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 51 થઈ છે.