કોરોના સુરત LIVE:સંક્રમણનો ફેલાવો રોકેટ ગતિએ આગળ વધ્યો, નવા 2497 કેસ, 3 દર્દીના મોત, સિવિલ હોસ્પિટલમાં 3 દિવસમાં 7 મેડિકલ ઓફિસર કોરોનાગ્રસ્ત

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં કેસનો વધારો થતા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે (પ્રતિકાત્મક તસવીર). - Divya Bhaskar
સુરતમાં કેસનો વધારો થતા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે (પ્રતિકાત્મક તસવીર).
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 18 હજાર ઉપર પહોંચ્યો

સુરત શહેરમાં સતત કોરોના પગ પસારો કરી રહ્યો છે.ત્યારે બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં 7 મેડિકલ ઓફિસર કોરોના સંક્રમિત થયા છે.જયારે સિવિલ હોસ્પિટલમાં હાલ 15 દિવસમાં કુલ 78 લોકો સંક્રમિત થતા સિવિલ હોસ્પિટલ તંત્ર મુશ્કેલીમાં મુકાઈ છે.આજે સુરતમાં નવા 2497 કેસ સાથે 3 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.

એક્ટિવ કેસ વધીને 18,263 થયા
કોરોના સંક્રમણમાં આજે પણ ભારે વધારો થયો છે. સુરતમાં નવા 2497 કેસ નોધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,68,039 પર પહોંચ્યો છે. જ્યારે નવા 3 મોત સાથે મૃત્યુઆંક વધીને 2126 થયો છે. આજે શહેરમાંથી 1210 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,47,650 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 18,263 એક્ટિવ કેસ છે.

28 રેસિડેન્ટ ડોક્ટર સહિત 78 કર્મી સંક્રમિત
સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા 15 દિવસમાં 78 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં 8 મેડિકલ ઓફિસર, 28 રેસિડેન્ટ ડોકટર, 19 નર્સિંગ સ્ટાફ, 2 ઇન્ટર્ન ડોક્ટર, 8 ફેકલ્ટી ડોક્ટર, 3 લેબ ટેક્નિશિયન, 5 નર્સિંગના વિદ્યાર્થી, 3 યુજીના વિદ્યાર્થી સંક્રમિત થતા તમામ લોકો હાલ હોમ આઇસોલેટેડ થયા છે અને સારવાર લઈ રહ્યા છે. 7 ડોક્ટરો પૈકી ઇન્ચાર્જ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ઓમકાર ચૌધરી, ચીફ મેડિકલ ઓફિસર, ડોક્ટર બર્મન, ઉમેશ ચૌધરી, ડોક્ટર પ્રિયંકા, ડોક્ટર વર્મા સંક્રમિત થયા છે. આ પહેલા પણ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર અને આર.એમ.ઓ ડોક્ટર કેતન નાયક સંક્રમિત થયા હતા.

સંજીવની રથથી ઘરે ઘરે ચેકીંગ
ગતરોજ સુરત શહેરમાં 3200થી વધુ કોરોના કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં ઓક્સિજન બેડ માટે કુલ 8 હજાર બેડ હાલ ઉપલબ્ધ છે. સુરત શહેરમાં કુલ 276 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાંથી 73 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં જ્યારે અન્ય દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગામી દિવસોમાં વધુ કેસ વધવાની શક્યતાઓ દેખાતા સુરત શહેરમા 50 જેટલી સંજીવની રથ હાલ કાર્યરત છે અને 50 વર્ષથી વધુના વયના લોકો માટે ઘરે ઘરે જઈ ચેકીંગ કરી રહી છે. જે દર્દીઓ હોમ કોરન્ટી છે. એમની સેવા 50 સંજીવની રથ ઘર ઘર જઈ ચેકીંગ કરી રિપોર્ટ આપે છે.

હોસ્પિટલાઈઝેશન રેશિયો 2.5 ટકાથી વધીને 4 ટકા પર પહોંચ્યું
ઓમિક્રોનના લીધે નવા કેસનો ફેલાવો ગંભીર રીતે વધ્યો છે. સાથે સાથે હોસ્પિટલાઈઝેશનનો દર પણ વધ્યો છે. પાલિકા કમિશનર પાનીએ કહ્યું કે લોકો આ પરિસ્થિતિને ગંભીરતાથી લે. 1 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 20 હતી જે વધીને 276 થઈ છે. એટલે કે, હોસ્પિટલાઈઝેશન 2.5 ટકાથી વધીને 4 ટકા થયું છે.

ધન્વંતરી રથને વધારીને 221 તો સંજીવની રથને 92 કરી દેવાયા
સંક્રમણ વધતા જ કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ વધારાયું છે. આ માટે પાલિકા દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સની ટીમ પણ વધારવા આદેશ કરાયો છે. ઘરે ઘરે જઇને થતી આરોગ્યલક્ષી કામગીરી માટે ગઈકાલ સુધી શહેરમાં 188 ધન્વંતરી રથ દોડાવાતા હતા જે વધારીને હવે 221 કરાયા છે. તેવી જ રીતે સંજીવની રથને 63 થી વધારી 92 કરાયા છે.