સત્ર ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલાં ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરુવારે પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, તે વીડિયો જ આજે આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે.
આ વીડિયો ઉતારનારા સાહેદે કહ્યું કે, ‘આ વીડિયો ઉતાર્યો ત્યારે અંદાજ ન હતો કે તે આટલો મોટો પુરાવો સાબિત થઈ શકેશે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જ્યારે આ સાહેદની સરતપાસ કરી હતી ત્યારે તેણે પણ ઘટના જોઈને વીડિયો લઇ લીધો હોવાનું કહ્યું હતું. એફએસએલમાં પણ આ વીડિયો જોડે કોઈ છેડછાડ ન થઈ હોવાનું સપાટી પર આવ્યું હતું.
માતા સતત રડતી રહી, એક જ માંગ ફાંસી આપો
ગુરુવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન ગ્રીષ્માના માતા-પિતા ઉપરાંત અન્ય સંબંધી ઉપસ્થિત હતા. માતાની આંખો ભરાઈ આવી હતી. સતત રડતા હતા. દરેક ઇચ્છતા હતા કે આરોપીને કડક સજા થાય. માતાએ કહ્યું કે અત્યાર સુધીની પ્રોસિજરથી તે સંતુષ્ટ છે. તકસીરવાર તો ઠેરવાયો પણ અમે તો તેને ફાંસીના માંચડે લટકતો જોવા માંગીએ છીએ. અન્ય સભ્યોની માગ પણ એ જ હતી કે આરોપીને ફાંસી જ અપાય.
હવે અમે ફાંસીની સજા માટે દલીલો કરીશું: સુખડવાલા
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે કોર્ટે કહ્યું કે પ્રેમ કરવો એ હત્યાનું લાઇસન્સ મળી જતું નથી. કોર્ટે ગણતરીપૂર્વકની હત્યા ગણાવી છે. હવે અમે ફાંસીની સજા માટે દલીલો કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.