ક્રાઇમ:‘લિંબાયત કા ભાઈ હું, ચાય કી લારી ચલાની હૈ તો હપ્તા દેના પડેગા’ કહી મહિલાને ધમકી

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટપોરી અભિષેકે મહિલા પાસેથી રૂ.500ની ઉઘરાણી પણ કરી
  • ગલ્લાવાળાએ સિગારેટના પૈસા માંગતા તેને પણ માર માર્યો હતો

મે લિંબાયત વિસ્તાર કા ભાઈ હું, કહી લુખ્ખાગીરી કરતા અભિષેક રાજભરે મહિલાને ધમકી આપી 500 રૂપિયા અને પાનના ગલ્લાવાળા પાસેથી સિગારેટ લઈ પૈસા ન આપી માર મારી જાતિવિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લિંબાયત પોલીસે લુખ્ખાગીરી કરતા અભિષેક રાજભર સામે બે ગુનાઓ ધમકી-ખંડણી અને એકટ્રોસીટીના દાખલ કર્યા છે.

લિંબાયતમાં રહેતી અને ચાની લારી ચલાવતી 57 વર્ષીય આધેડ મહિલા પાસે વિસર્જનના દિવસે સાંજે એક શખ્સ આવ્યો હતો. લુખ્ખાગીરી કરતા અભિષેકે મહિલાને કહ્યું કે, મે લિંબાયત કા ભાઈ હું, ઔર તુ મેરે કો જાનતી નહી હૈ, તુજે ચાય કી લારી ચલાની હૈ તો મુજે હપ્તા દેના પડેગા, કહી માથાભારે અભિષેકે મહિલાની સાથે માથાકૂટ કરી તોડફોડ કરી દેવાની ધમકી આપી હતી. આથી મહિલાએ ડરને મારે લુખ્ખાગીરી કરતા શખ્સને ગલ્લામાંથી 500 રૂપિયા કાઢી આપી દીધા હતા. મહિલા પાસેથી તે દર મહિને 500 રૂપિયાનો હપ્તો માંગતો હતો.

આ ઘટનાના એક કલાક પછી માથાભારે અભિષેક રાજભરે નજીકમાં પાનના ગલ્લા પર ગયો હતો. પાનના ગલ્લા પર સીગારેટ પીને ગલ્લાવાળાએ સીગારેટના પૈસાની માંગણી કરી તો માથાભારે કહયું કે તુ મેરે પાસ પૈસા માંગતા હૈ, તેરે કો પતા હૈ મે કોન હું, એમ કહીને ગલ્લાવાળા સાથે ગાળાગાળી કરી મારામારી પર ઉતરી આવ્યો હતો. એટલું જ નહિ પાનના ગલ્લાવાળાને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યો હતો. આખરે લુખ્ખાગીરી કરતા અભિષેકની સામે મહિલા અને પાનના ગલ્લાવાળાઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં અભિષેક રાજભરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...