શહેરના લેક ગાર્ડનોની હાલત જાળવણીના અભાવે નર્કાગાર જેવી બની છે. પરિણામે લેક ગાર્ડનોના ડેવલપ પાછળ વર્ષે દહાડે થતો કરોડોનો ખર્ચ પાણીમાં જાય છે. કોઇ લેકમાં પાણી છે પણ સમયાંતરે પાલિકા સફાઇ કરતી ન હોય વનસ્પતિ ઉગી નીકળી છે. વર્ષો પહેલા લેક વ્યુ, ઉગત બોટનિકલ, સુભાષ ગાર્ડન, અલથાણ ગાર્ડન તથા કતારગામ શ્યામાપ્રસાદ મુખરજી સહિતના લેક ગાર્ડનોમાં બોટિંગની સુવિધા હતી. પણ હાલ તળાવમાં પાણી ટકતું ન હોવાનો લૂલો બચાવ પાલિકા કરી રહી છે પણ તળાવોમાં બારેમાસ પાણી રહે એ માટે કોઈ પ્રયાસ કર્યા નથી. હાલ માત્ર શ્યામાપ્રસાદ મુખરજી લેક ગાર્ડનમાં જ બોટિંગ ચાલુ છે.
ઉગત બોટનિકલ ગાર્ડન : ઉગત બોટનિકલ ગાર્ડનના તળાવમાં પાણી રહે છે પરંતુ સફાઇ ન થતા વનસ્પતિ સાથે કમળો ઉગ્યા છે. પ્રજાના પરસેવાની કમાણીના પૈસા પાલિકાની ઘોર નિષ્ક્રિયતાને કારણે પાણીમાં જતા લાંબા સમયથી બોટિંગની સુવિધા મળી શકી નથી.
પાલિકાની પોલ ખુલી; જે લેકમાં પાણી છે તેમાં વનસ્પતિ ઉગતા બોટિંગની સુવિધા નથી
ભીમરાડ લેક ગાર્ડન
ભીમરાડ લેક ગાર્ડનમાં માત્ર ચોમાસા પુરતુ જ પાણી ભરાય છે. લેકમાં પાણીનો સંગ્રહ રહે તે માટે પાલિકા દ્વારા કોઇ જ નક્કર કામગીરી થઈ નથી. પરિણામે તળાવના તળિયા દેખાઇ રહ્યા છે.
સુભાષ લેક ગાર્ડન
2 કરોડના ખર્ચે સુભાષ લેક ગાર્ડન રિ-ડેવલપ કરાયું છે. લેકમાં બોટિંગ માટે ઇન્ફ્રાસ્ટ્કચર છે પરંતુ બોટિંગની સુવિધા શરૂ થઇ નથી. ગાર્ડન વિભાગ કહે છે કે, બોટિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
પાલ લેક ગાર્ડન
પાલ લેક ગાર્ડનમાં ટીપુંય પાણી નથી. આ લેકમાં ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન પ્રદર્શન માટે મુકાયો છે. પરંતુ પાણી માટે પાલિકાના અધિકારીઓએ કોઇ વ્યવસ્થા જ કરી નથી.
લેક વ્યૂ ગાર્ડન
લેક વ્યૂ ગાર્ડન કરોડોના ખર્ચે રિ-ડેવલપ કરાયું પરંતુ પાણી રહે તે માટે વ્યવસ્થા જ નથી. પહેલા આ ગાર્ડનમાં બોટિંગની સુવિધા હતી. હાલ ગાર્ડન પીપીપી ધોરણે ખાનગી એજન્સીને સોંપી દેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.