સુરત આરટીઓ હવે હાઈટેક બનવા જઈ રહી છે. આરટીઓના કર્મચારીઓ હવે બોડી વોર્ન કેમેરાથી ફરજ બજાવતા નજરે પડશે. ડિજીટલ ઇન્ડિયાની પહેલના ભાગરૂપે બોડી વોર્ન કેમેરા સિસ્ટમની અમલવારી માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે સુરત આરટીઓને 15 બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે.
આરટીઓના જવાનો હવે બોડી વન કેમેરા પહેરશે
રાજ્યમાં પોલીસ વિભાગની જેમ હવે પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના કમર્ચારીઓ પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. ડિજીટલ ઇન્ડિયાની પહેલના ભાગરૂપે બોડી વોર્ન કેમેરા સિસ્ટમની અમલવારી માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે. બોડી વોર્ન કેમેરાની હાર્ડવેર અને સોફ્ટવેર ઓપરેટીંગ સિસ્ટમની ટ્રેનીંગ 31મી ડિસેમ્બરના રોજ આપી દેવામાં આવી છે. સુરત આરટીઓને 15 કેમેરા હાલ ફાળવવામાં આવ્યા છે. હવેથી સુરત આરટીઓના કર્મચારીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થઈને કામગીરી કરતા નજરે ચડશે. બોડી વોર્ન કેમેરામાં ઓડિયો-વીડિયોની સુવિધા છે. આ હાઈટેક બોડી વોર્ન કેમેરાથી કર્મચારીઓ ફરજ બજાવશે જેના કારણે કામગીરીમાં પારદર્શિતા પણ રહેશે. આરટીઓ કચેરીમાં એજન્ટો અને ટાઉટોનું દુષણ વધ્યું હોવાની ફરિયાદો ઉઠતી હતી.જેને લઈને મુખ્ય ગેટ ઉપર બોડી વોર્ન કેમેરાથી સજ્જ સિક્યુરીટી ગાર્ડ પણ તૈનાત કરાશે. જેથી કરીને આરટીઓ કચેરીમાં અવર જવર કરતા તમામ લોકોની ગતિવિધિ કેમેરામાં કેદ થઇ જશે.
પુરાવા સાથેની કામગીરી થશે: ઇન્ચાર્જ આરટીઓ
આરટીઓ ઇન્ચાર્જ મેહુલ ગજ્જરે જણાવ્યું હતું કે, સુરત આરટીઓ ખાતે 15 બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ચેકપોઈન્ટ, ટેસ્ટ માટે આવતા વાહન ચાલકોની દેખરેખ માટે, કચેરીમાં આવતા લોકોની દેખરેખ માટે, કર્મચારીઓના મોનીટરીંગ તેમજ ચેકિંગની કામગીરી દરમ્યાન પણ ઉપયોગ કરાશે. ચલણ આપતી વખતે કોઈ નાગરિકને શંકા જાય કે, ચલણ ખોટું આપ્યું છે. ત્યારે આ બોડી વોર્ન કેમેરાથી પ્રૂફ પણ આપી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.