હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાછળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. વિતેલા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાંથી વરસાદનું ઘર ગણાતો ડાંગ કોરો ધાકોર રહ્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુરમાં 23મીમી વરસાદ નોંધાયો છે. ધીમી ધારે વરસતો વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ પડતાં ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉકાઈમાં નવા નીર આવતાં 319.46 ફૂટ સપાટી નોંધાઈ છે. જ્યારે ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં 9 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળમાં સાત અને ઓલપાડ-પલસાણા અને સુરત શહેર તથા ઉમરપાડામાં 3-3મીમી વરસાદ નોંધાયો છે. શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ શહેરીજનો સાંબેલાધાર વરસાદ પડે તેવી મીટ માંડીને બેઠા છે.નવસારી જિલ્લાના જલાલપોરમાં 13 અને નવસારી શહેરમાં 7 તથા ગણદેવીમાં 8 અને ચીખલીમાં 3 તથા વાંસદામાં 2 અને ખેરગામમાં 3મીમી વરસાદ નોંધાયો છે.વલસાડમાં 14 અને તાપીના સોનગઢમાં 4 મીમી વરસાદ નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.