તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Wife's Heartfelt Letter To Doctors Who Rescued Her Husband From Corona, Seeing The Feelings Of The Family Of The Lab Technician

ડોક્ટરોને લાગણીભર્યો પત્ર:કોરોનાથી પતિને બચાવનાર સિવિલના ડોક્ટરોને પત્નીનો હૃદયદ્વાવક પત્ર, લેબ-ટેક્નિશિયનના પરિવારની લાગણી જોઈ ડોક્ટરોની આંખો છલકાઈ

સુરત3 મહિનો પહેલા
કોરોનાને હરાવનાર યુવક, તેની પત્નીએ લખેલો પત્ર.
  • કોવિડ-19 હોસ્પિટલમાં અમિત ગામીતનો વિદાય સમારંભ દર્દી તરીકે નહીં, પણ એક પરિવારના સભ્ય તરીકે થયો
  • ડોક્ટરોએ મહેનત ન કરી હોત તો સાહેબ મારા બન્ને બાળકો બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેત

સુરત ડોક્ટરોએ તો કહી જ દીધું હતું, 48 કલાક કટોકટીના છે, અમારી પાસે પ્રભુને પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. બસ, ડોક્ટરો જ ભગવાન બનીને આવ્યા ને અમિતના શ્વાસ આવ્યા. ડોક્ટરોની પૂજા કરીએ તોપણ ઓછી છે. જો ડોક્ટરોએ મહેનત ન કરી હોત તો સાહેબ, મારા બન્ને બાળકો બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેત. આજે યમરાજ સાથે લડીને જીવ પાછો લઈ આવવાની તાકાત તો આ ડોક્ટરો પાસે જ છે.

સુરત સિવિલના ડોક્ટરો તો કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સાચે જ ભગવાન છે એ સાંભળ્યું હતું; આજે જોઈ લીધું, 8 દિવસ સુધી બાયપેપ અને વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય મોતને હાથ તાળી આપીને પાછા આવેલા લેબ-ટેક્નિશિયનની પત્ની શીતલ ગામીતનો લાગણીસભર પત્ર જોઈ ડોક્ટરોની આંખ પણ છલકાઈ ગઈ હતી. કોવિડ-19 હોસ્પિટલમાં અમિત ગામીતનો વિદાય સમારંભ દર્દી તરીકે નહીં, પણ એક પરિવારના સભ્ય તરીકે થયો હતો. અમિતની પત્નીએ પણ ડોક્ટરોને આભાર પત્ર લખી તેમનું સન્માન કર્યું છે.

સિવિલના ડોક્ટરોને ભગવાન કહ્યા.
સિવિલના ડોક્ટરોને ભગવાન કહ્યા.

5 દિવસ ઘરે રહ્યા બાદ શ્વાસની તકલીફ થઈ
શીતલ ગામીત (કોરોના વોરિયર્સ અમિતની પત્ની)એ જણાવ્યું હતું કે અમારા લગ્નને 11 વર્ષ થયાં, અમને બે સંતાન છે- એક 7 વર્ષની છોકરી અને એક 2 વર્ષનો છોકરો. છેલ્લા ઘણા સમયથી અમે બન્ને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવી ફળી ગામના રહીએ છીએ અને ખાનગી લેબમાં ટેક્નિશિયન તરીકે કામ કરીએ છે. અચાનક લગભગ 21-25 એપ્રિલ વચ્ચે અમિત (ઉં.વ. 32)ને કોરોનાનાં લક્ષણો દેખાતાં જાતે જ દવા લઈ હોમ ક્વોરન્ટીન થઈ ગયા હતા. માત્ર પગના દુખાવાની તકલીફ સાથે 5 દિવસ ક્વોરન્ટીન થઈ ગયા બાદ અચાનક શ્વાસની તકલીફ શરૂ થઈ જતાં ઘરમાં સૌ ચિંતિત થઈ ગયા હતા.

ડોક્ટરોએ પતિને બીજો જન્મ આપ્યો હોવાનું પત્નીએ ડોક્ટરોને લખ્યું.
ડોક્ટરોએ પતિને બીજો જન્મ આપ્યો હોવાનું પત્નીએ ડોક્ટરોને લખ્યું.

ડોક્ટરોએ કહ્યું- 48 કલાક કટોકટીના છે
વધુમાં તેણે જણાવ્યું હતું કે આવી કપરી પરિસ્થિતિમાં અમિતને તાત્કાલિક રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં ઓક્સિજન લેવલ 94થી 84 સુધી નીચે ઊતરી જતાં તાત્કાલિક સુરત કોવિડ-19 હોસ્પિટલનો સંપર્ક કરી અમિતને રિફર કરવા પડ્યા હતા. અમિતની કન્ડિશન જોઈ ડોક્ટરોએ તો કહી દીધું હતું, 48 કલાક કટોકટીના છે. બસ, ભગવાનને પ્રાર્થના કરો, આ સાંભળી હું અને મારાં સાસુ તો રડી જ પડ્યાં હતાં. અમારા બન્નેની હિંમત તૂટી રહી હતી, એકબીજાને આશ્વાસન આપી હિંમત ભેગી કરી રહ્યાં હતાં. સમય મળે એટલે હોસ્પિટલ બહાર એક ખૂણામાં જઇ ભગવાનને પ્રાર્થના કરતા, 48 કલાક કેમ કાઢ્યા એ તો અમારું મન જ જાણે છે.

શ્વાસની તકલીફ થતાં અમિત ગામીતને સિવિલમાં ખસેડવો પડ્યો હતો.
શ્વાસની તકલીફ થતાં અમિત ગામીતને સિવિલમાં ખસેડવો પડ્યો હતો.

સિવિલના ડોક્ટરો ભગવાન બનીને આવ્યા
તેણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સાહેબે કહ્યું કે હવે અમિતની તબિયત સુધારા પર છે ત્યારે અમારા બન્નેના શ્વાસ પાછા આવ્યા હોય એમ લાગ્યું હતું. જો યમરાજના હાથમાંથી કોઈ મનુષ્ય જીવ પાછી લાવી શકતા હોવાની શક્તિ રાખતા હોય તો એ ડોક્ટરો જ છે, એ સાંભળ્યું હતું, પણ આજે જોઈ પણ લીધું. સુરત સિવિલના ડોક્ટરો ભગવાન બનીને આવ્યા એટલે જ અમિત મોતને હાથ તાળી આપી પાછો આવ્યો છે. અમારો પરિવાર ડો.અશ્વિન વસાવા, ડો.અમિત ગામીત, સંદીપ કાકલોટર, ડો. મિતાલી સહિત સ્ટાફની મહેનતને ક્યારેય નહીં ભૂલી શકશે. આજે અમે અમિતના મોઢે ખુશી છે એ સિવિલના ડોક્ટરોની મહેરબાની કહી શકાય છે.

8 દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ કોરોનાને હરાવ્યો.
8 દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ કોરોનાને હરાવ્યો.

8 દિવસ મોત સામે લડી સાજા કરવામાં સફળતા મળી
સંદીપ કાક્લોતર (રેસિડેન્ટ તબીબ)એ જણાવ્યું હતું કે હા, અમિત ગામીતનો કેસ ક્રિટિકલ હતો, 3 મે 2021ના રોજ સુરત સિવિલમાં રિફર કરાયો હતો. 8 દિવસ સુધી બાયપેપ અને વેન્ટિલેટર પર રાખીને રેમડેસિવિર, પ્લાઝમા, દવા અને લોહી પાતળું કરવાની દવા આપવામાં આવી હતી. ત્યાર બાદ ઓક્સિજન પર રાખી મોનિટરિંગ કરાયું હતું. રેર ઓફ ધી રેર કેસ કહી શકાય જે બાયપેપ અને વેન્ટિલેટર પરથી ઊતર્યા બાદ સાજો થઈ ઘરે જતા હોય છે. અમને આનંદ છે કે અમારી સતત મહેનત દર્દીઓને નવું જીવન આપવામાં સફળ થઈ રહ્યા છે. પરિવાર તો એટલો ભાવુક થઈ ગયો હતો કે અમિતને આખો સ્ટાફ આંખમાં આંસુ લઈને દરવાજા સુધી છોડવા ગયો હતો. બસ, અમને તો આવા દર્દીઓના આશીર્વાદ જ સંક્રમણથી દૂર રાખે છે. એમ કહીએ તો ચાલે કે સાજા થઈ ઘરે જતા દર્દીઓના આશીર્વાદ અમારી કોરોના સામે લડવાની વેક્સિન છે.