• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Letter From A 17 year old Girl Who Became A Victim Of Drugs After Smoking A Cigarette In Std 8, She Became Intoxicated And Life Became Hell

સુરતમાં ડ્રગ્સનું દુષણ:ડ્રગ્સનો ભોગ બનેલી 17 વર્ષની તરુણીનો લેટર- ધો.8માં એક સિગરેટ પીધી પછી દરેક પ્રકારનો નશો કર્યો ને જીંદગી નરક બની ગઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરતમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે અને નશાના કારોબારી નાના ભૂલકાને શિકાર બનાવે છે
  • છેલ્લા 5 વર્ષમાં 5366 લોકોએ ડ્રગ્સ છોડાવવાની સારવાર લીધી, 60 ટકા 18થી 30 વર્ષના યુવા

હાલમાં જ સુરતમાં બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી 1.35 કરોડનું ડ્રગ્સ પણ કબ્જે લેવામાં આવ્યું. મુંબઇના ગ્લેમરસ વર્લ્ડની જેમ સુરતમાં પણ ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધ્યું રહ્યું છે, તેવું શહેરના 4 નશા મુક્તિ કેન્દ્રમાં ડ્રગ્સ છોડાવવા માટે આવી રહેલા યુવાઓના આંકડા પરથી કહી શકાય. છેલ્લા 5 વર્ષમાં 5366 લોકોએ ડ્રગ્સ છોડાવવાની સારવાર લીધી છે, જેમાંથી ચોંકાવનારી માહિતી એ છે કે તેમાંથી 60 ટકા 18 થી 30 વર્ષ સુધીના યુવાઓ છે. ડ્રગ્સના સંકંજામાં સૌથી વધારે 17 થી 30 વર્ષની યુવતિઓ આવી રહી હોવાનું આંકડાઓ કહે છે.જે પૈકી એક 17 વર્ષની દીકરીનો હચમચાવી નાખે તેવો લેટર છે જે માતા-પિતા માટે એલર્ટ છે. જેમાં લખ્યું છે કે, ધો.8માં એક સિગરેટ પીધી પછી દરેક પ્રકારનો નશો કર્યો ને જીંદગી નરક બની ગઈ હતી.

17 વર્ષની તરૂણીનો લેટર
વર્ષ 2003માં મારો જન્મ થયો છે. નાનપણથી હું ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી હતી. મારા મમ્મી પપ્પાની ખૂબ જ લાકડી છું. પહેલેથી મને નવી નવી વસ્તુઓ ટ્રાય કરવી બહું ગમતી હતી. હું ભણવામાં બ્રાઈટ તો હતી જ સાથે સાથે મને બહારના ફ્રેન્ડ્સ સાથે મોજ મસ્તી કરવી પણ બહું ગમતી હતી. ખાસ તો નવું નવું કરવાની, કંઈક બધાથી અલગ કરવાની ઈચ્છાએ મને આજે આ રસ્તા પર લાવીને મૂકી દીધી. મારી પહેલી સિગરેટ મેં 8માં ધોરણમાં હતી ત્યારે ટ્રાય કરી હતી. ત્યારે તો ખાલી શોખ માટે અને લોકોની દેખા-દેખીમાં પરંતુ ક્યારે હું એ વસ્તુની એડિક્ટ થઈ ગઈ એ મને ખબર જ ન પડી.

મમ્મી-પપ્પા સાથે ઝઘડો કરું, વાત વાતમાં ખોટું બોલું, પૈસાની ચોરી પણ કરી
એક સમય તો એવો આવ્યો કે, તેના વગર મને ચાલતું જ નહીં. ચરસ, ગાંજો, ક્રિસ્ટલ, દારૂ મારી જિંદગી બની ગઈ અને મારી જિંદગી નર્કના દરવાજે આવીને ક્યારે ઉભી રહી ગઈ એ મને ખબર જ ન પડી. મારું ધ્યાન, મારા સપનાઓ, ભણવા પરથી નશા પર આવી ગયું. આખો દિવસ મમ્મી-પપ્પા સાથે ઝઘડો કરું, વાત વાતમાં ખોટું બોલું, પૈસાની ચોરી પણ કરી, આખો દિવસ ઘરની બહાર રહેવાનું અને ભ‌ણવાનું તો મેં બંધ જ કરી દીધું. લાઈબ્રેરીના નામ પર આખો દિવસ નશો કરવાનો અને મારું મગજ ખાલી નશા માટે જ વિચારતું. હું કંઈ રીતે નશો મેળવું રાતે ઉંઘતી વખતે પણ એ જ વિચારોમાં હોંઉ કે કાલે કંઈ રીતે ઘરે સ્કિમ બનાવીને ઘરેથી પૈસા લઈ નશો કરું.

નશા મુક્તિ કેન્દ્રમાં 4 મહિનાનો પ્રોગ્રામ કમ્પ્લેટ કર્યો
આ બધુ લગભગ બે વર્ષ ચાલ્યું આ કારણે હું બહું ડિપ્રેશનમાં આવી ગઈ અને પોતાની જાતથી ખૂબ જ પછતાવો થવા લાગ્યો. હું શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કમજોર થઈ ગઈ. મારા સારા મિત્રોમાંથી એક મિત્રએ મને સલાહ આપી કે, તને નશા મુક્તિ કેન્દ્રની જરૂરિયાત છે અને મારા મમ્મી-પપ્પા સાથે વાત કરી અને અમે ભેગા મળીને એક સંસ્થાનો સંપર્ક કર્યો. પછી મને ત્યાં એડમિશન મળી ગયું. અને 4 મહિનાનો પ્રોગ્રામ કમ્પ્લેટ કર્યો. હવે મારી લાઈફમાં હેપ્પીનેસ છે અને હું મારા સપના પર ફોક્સ કરું છું હવે મને નશાની જરૂર નથી. એ સંસ્થાના મદદથી હું આજે લાઈફ જીવી રહી છું ધોરણ સાતમામાં મારા 95 ટકા હતાં, આઠમામાં 89 %, નવમામાં 95 % અને પછી ડ્રગ્સને કારણે ધો.10માં 65 % આવ્યા.

ત્રણ વર્ષમાં 77 છોકરીઓ ડ્રગ્સ છોડાવવા માટે આવી
ત્રણ વર્ષ પહેલા છોકરીઓ ડ્રગ્સની આદત છોડાવવા માટે આવતી ન હતી. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં 77 છોકરીઓ ડ્રગ્સ છોડાવવા માટે આવી છે. પરિવર્તન નશામુક્તિ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર સુરેશ પટેલ કહે છે કે, જાણીને આશ્ચર્ય થયું કે હવે તો છોકરીઓ પણ વધુ પ્રમાણમાં નશો છોડાવવા આવી રહી છે.