સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:પરિવારે કહ્યું, ‘હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો’, 20 વર્ષીય આરોપી ફેનિલના પિતાએ કહ્યું - મારો જ સિક્કો ખોટો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રીષ્મા વેકરિયા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગ્રીષ્મા વેકરિયા - ફાઇલ તસવીર
  • મૂળ ભાવનગરના અને કાપોદ્રામાં રહેતા ફેનિલ ગોયાણીને ગ્રીષ્માના પરિવારે સમજાવ્યો હોવા છતાં શનિવારે ઘરે આવી ગયો
  • ફરી સમજાવવા જતા મોટા પપ્પા-ભાઈને ચપ્પુના ઘા માર્યા, ગ્રીષ્મા દોડી જતાં તેનું ગળું કાપી નાખ્યું
  • ઘટના સમયે બેભાન થયેલી માતાને દીકરી સારવાર હેઠળ હોવાનું કહેવાયું, ભાઇનો અકસ્માત થયાનું કહી પિતાને વિદેશથી બોલાવાયા
  • ગ્રીષ્માને હેરાન કેમ કરે છે કહેતાં ફેનિલ ઉશ્કેરાયો હતો

પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે. તેમને ભાઈનો અકસ્માત થયો હોવાનું કહેવાયું છે.

આરોપી વિરુદ્ધ કરવામાં આવેલી FIR અક્ષરશ:
મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે ‘ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’ આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહ્યું હતું કે ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ એમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. તેએપછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું, જેથી મારી બહેન અને અમેએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડી નહીં તેમજ બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલું અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...