સુરતના હજીરામાં દીપડાના આંતકની ઘટના સામે આવી છે. પાલ-હજીરા રોડ પર એક પેટ્રોલ પંપમાં શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દીપડાના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. અહીં એક મહિનાથી દીપડો જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિકોમાં દહેશત છે. સ્થાનિકોએ દીપડાને પાંજરે પુરવાની માંગ કરી છે.
દીપડાને પાંજરામાં પુરવાની માંગ
મળતી વિગત પ્રમાણે સુરતના હજીરા-પાલ રોડ પર આવેલા ખાનગી પેટ્રોલ પંપ પર દીપડો દેખાયો હતો. દીપડાએ અહીં શ્વાન પર હુમલો કર્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીઓએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો. હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છેલ્લા એક મહિનાથી આ દીપડો આ વિસ્તારમાં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અને તેમણે દીપડાને પાંજરામાં પુરવાની માંગ કરી છે. કાંઠા વિસ્તારમાં ફરતા પશુઓ પર અવાર-નવાર દીપડો હુમલો કરતા આસપાસના વિસ્તારના લોકોમાં પણ ડરનો માહોલ છે.
વન વિભાગે હજુ પણ દીપડાને પકડ્યો નથી
છેલ્લા એક મહિનામાં દીપડાએ અનેક પશુઓ પર હુમલો કરવા છતા હજુ પણ વન વિભાગે દીપડાને ન પકડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે દીપડાએ અત્યાર સુધી તો પશુઓ પર હુમલો કર્યો છે. જોકે કોઈ માણસ પર કે બાળકો પર હુમલો પણ કરી શકે છે.
વીડિયો હજીરાનો હોવાની શક્યતા
દિનેશ રબારી (જંગલખાતાના અધિકારી)એ જણાવ્યું હતું કે, વીડિયો પરથી આ વીડિયો રાજસ્થાનનો હોવાનું લાગી રહ્યું છે. જ્યારે અન્ય એક વીડિયો હજીરાનો હોવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.