શહેરમાં ગેરકાયદે માર્જીન કવર કરેલાં શોપિંગ કોમ્પલેક્ષો-ઇમારતો, કોમર્શિયલ બિલ્ડિંગો, હોસ્પિટલો મોટી સંખ્યામાં છે. તેમને રેગ્યુલરાઈઝ કરવા પાલિકા ખાતે પુછપરછ કરવા આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટરો સહિતના લોકોના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આવા મકાનોમાં જો ફાયરના વાહનો જઇ ન શકે તો ફાયર વિભાગ એનઓસી નહીં આપે. આવા મકાનોમાં આગ-અકસ્માત સર્જાઇ ત્યારે માર્જીન કવર કરી દીધું હોય તો ફાયર બચાવ રાહત કઈ રીતે કરી શકે તે ગંભીર પ્રશ્ન હોય ફાયર વિભાગ આવા કોમ્પ્લેક્સ ચેક કરે ત્યાર બાદ જ ઇમ્પેક્ટ ફી ભરાવવામાં આવે તેવી ફાયર વિભાગે તાકીદ કરી છે.
અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા પાલિકાએ તૈયારીઓ કરી લીધી છે. કમિશનરે તાજેતરમાં જ ઝોન અને મધ્યસ્થ શહેર વિકાસ વિભાગને જવાબદારી સોંપી છે. પરંતુ કોમર્શિયલ ઇમારતો, શોપિંગ કોમ્પલેક્ષોમાં જો માર્જીન કવર કરાયું હોય તે માટે શહેર વિકાસ ખાતું, જે તે ઝોન રેગ્યુલાઈઝ કરવામાં ખાસ ફાયર એનઓસીની માંગણી કરે તે જરૂરી છે.
મકાનોમાં પાછળથી હેતુફેર પણ કરી દેવાય છે
કોમર્શિયલ કોમ્પલેક્સમાં જો માર્જીન કવર કર્યાં હશે તો ફાયર વિભાગ એનઓસી નહીં આપે તેમ ચીફ ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું. આવી ઇમારતોમાં ફાયર વિભાગ ચેક કરીને બતાવે ત્યાર બાદ જ ઇમ્પેક્ટ ફી ભરી શકાશે. જો તેમ નહીં થાય તો પાછળથી સમસ્યા સર્જાઇ શકે છે. ફાયર વાહનો જઇ નહીં શકે તેવાં કોમ્પ્લેક્સને રૅગ્યૂલરાઇઝ કરાવા ન જોઈએ. આવા મકાનોમાં પાછળથી હોસ્પિટલ પણ શરૂ થઈ શકે છે.
ઇમરજન્સી એક્ઝિટ ન હોય તેવી હોસ્પિટલનું શું?
પાલિકામાં કેટલાંક તબીબોના આંટાફેરા વધી ગયાં છે. ખાસ કરીને ગામતળ વિસ્તારની હોસ્પિટલોમાં ઇમરજન્સી એક્ઝિટ અંગેની પૂરતી વ્યવસ્થા ન હોય તેવી હોસ્પિટલોને ઇમ્પેક્ટ ફી ભરી રેગ્યુલાઈઝ કરાશે કે કેમ? તે અંગે તંત્રએ કોઈ ફોડ પાડ્યો નથી. આવી હોસ્પિટલ, શોપિંગ કોમ્પ્લેક્સ અંગે કમિશનરે પરિપત્રમાં પણ સ્પષ્ટતા કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.