ન રહી પતિની કે ન પ્રેમીની:સુરતમાં પરિણીતાએ પ્રેમને પામવા પુત્ર અને પતિને છોડી દીધાં ને પ્રેમીએ દુષ્કર્મ આચરી તરછોડી દીધી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • મહારાષ્ટ્રનો ગૌરવ પાટીલ અવારનવાર સુરત આવી પરિણીતાને મળતો
  • પરિણીતાને લગ્ન કરવાનું કહી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો

પ્રેમીને પામવા માટે માસૂમ પુત્ર અને પતિને છોડી દેનારી પરિણીતાને આખરે પસ્તાવાનો વારો આપ્યો છે. મહારાષ્ટ્રના યુવકે તેની સાથે લગ્ન કરવાનું કહી અવારનવાર મળવા માટે સુરત આવી ઓયો હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યાર બાદ પરિણીતાને તેની સાથે લગ્ન કરવાની ના પાડી તરછોડી દઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. ન પતિની કે ન પ્રેમીની બનેલી પરિણીતાએ આખરે તેને દગો આપનાર યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પરિણીતાને પતિ સાથે અવારનવાર ઘરકંકાસ થતો
પનાસ ગામ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા પાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રેક્ટ પર નોકરી કરે છે. પરિણીતાના સન 2012માં લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં એક છ વર્ષનો પુત્ર છે. પતિ સાથે અવારનવાર ઘરકંકાસ થતા પતિનું ઘર છોડી દીધું હતુ. સન 2019માં પરિણીતા મહારાષ્ટ્રમાં જતાં ત્યાં ગૌરવ અનિલ પાટીલ (રહે. સની પેલેસ ફળસી ખામગાવ, મહારાષ્ટ્ર) સાથે મુલાકાત થઈ હતી.

પ્રેમી છૂટાછેડા લેવા દબાણ કરતો હતો
ગૌરવે પરિણીતાને તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. જોકે પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા લેવાની ના પાડતાં ગૌરવે તું તારા પતિ સાથે છૂટાછેડા નહીં લે તો આપણાં બંનેનાં લગ્ન થશે નહીં. પતિ સાથે છૂટાછેડા લઈ લે અને તારો છોકરો પણ તારા પતિને સોંપી દે. પછી તું મારી સાથે લગ્ન કરીને મારા ઘરે આવીશ તો મારા પરિવારજનો તને સ્વીકારી લેશે.

હોટલમાં લઈ જઈ શારીરિક સંબધો બાંધ્યા
ગૌરવ પરિણીતાને મળવા માટે સુરત આવ્યો હતો. શ્યામ બાબા મંદિર નજીક ધીરજ સન્સ પાસે આવેલી ઓયો હોટલમાં રોકાયેલા ગૌરવે પરિણીતાને મળવા માટે બોલાવી હતી. હોટલમાં ગૌરવે હું તારી સાથે લગ્ન કરવાનો છું, મારા પર વિશ્વાસ રાખ એવું કહી શારીરિક સંબંધો બાંધ્યા હતા. પંદર દિવસ બાદ ફરીથી સુરત આવી તાત્કાલિક લગ્ન કરવાનું કહી જલથી તારા પતિ સાથે છૂટાછેડા લેવાનું કહી હોટલમાં લઈ જઈ શારીરિક સંબધો બાંધ્યા હતા.

પતિથી છૂટાછેડા લઈ દીકરાને પણ સોંપી દીધો
ગૌરવના કહેવાથી આખરે પરિણીતાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને છોકરો પણ પતિને સોંપી દીધો હતો. છેલ્લે ગૌરવે અલથાણ ભીમરાડ કેનાલ રોડ મેસીમો કોમ્પ્લેક્સમાં ઓયો હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન પરિણીતા સપ્ટેમ્બર 2020માં ગૌ૨વને મળવા માટે તેના ગામ ગઈ હતી ત્યારે ગૌરવે પરિણીતાને તેના ગામથી 25 કિલોમીટર લઈ ગયો હતો.

પરિણીતાને પ્રેમીએ તરછોડી દીધી
ગૌરવે કહ્યું હતું કે તારી સાથે લગ્ન કરવાનો નથી, મેં તો તારી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સંબંધ રાખ્યો હતો. તું અહીંથી જતી રહે. મારે તારી સાથે લગ્ન કરવાના નથી. મને તારાથી પણ સારી બીજી છોકરી મળી ગઈ છે અને મને તે તારાથી પણ વધારે ગમે છે. હું તેની સાથે લગ્ન કરવાનો છું. ગૌરવની વાતથી પરિણીતાને આધાત લાગ્યો હતો.

પ્રેમીએ અન્ય છોકરી સાથે લગ્ન કરી લીધા
સુરત આવ્યા બાદ પરિણીતાએ ફોન કરતાં તેનો નંબર બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો અને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. ગૌરવ પાટીલે પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધી બીજી છોકરી મળી જતાં લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગૌરવ પાટીલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.