સુરત પાલિકામાં ધમાસાણ:STM લીઝ વિવાદને લઈને AAPનો વિરોધ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 'ચોર છે'ના નારા લાગ્યા, ટીંગાટોળી કરી બહાર લઈ જવાયા

સુરત7 મહિનો પહેલા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર સામસામે નારેબાજી થઈ.
  • હજારો કરોડનું સુરત કોર્પોરેશન નુકશાન પહોંચાડ્યુ હોવાનો આપનો આક્ષેપ
  • ટેક્સટાઇલ માર્કેટ 99 વર્ષના લીઝ પર આપી દેતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો

સુરતની ખૂબ જ મોકાની એવી એસટીએમ ટેક્સટાઇલ માર્કેટને 49 વર્ષને બદલે 99 વર્ષ માટે લીઝ પર આપી દેવામાં આવી છે. જેને લઈને વિરોધ પક્ષ સતત વિરોધ નોંધાવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પ્લેકાર્ડ લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દેવાયું હતું. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પરેશ પટેલ 'ચોર છે'ના નારા લાગાવ્યા હતા. જેથી કોર્પોરેટરોને ટીંગાટોળી કરીને લઇ જવાયા હતા.

પાર્ટી ફંડમાં રૂપિયા ભેગા કરવાનું કાવતરૂ હોવાનો આક્ષેપ
ટેક્સટાઇલ માર્કેટનો ભાવ અત્યારે ખૂબ જ મોંઘો છે તેની સામે લીઝ ઉપર ખૂબ સસ્તા દરે ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓના ઇશારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ દ્વારા આપી દેવામાં આવી હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઇ રહી છે ત્યારે શહેરના વિકાસ માટે રૂપિયાની ખૂબ જ જરૂર હોવા છતાં પણ ત્યાંથી આવક ઊભી થઈ શકે તેવું હોવા છતાં પણ વેપારીઓને ખુશ કરીને પાર્ટી ફંડમાં રૂપિયા ભેગા કરવાનું કાવતરૂ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતાઓ કરી રહ્યા હોવાનું આપના નેતાઓએ જણાવ્યું હતું.

પ્લેકાર્ડ લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન.
પ્લેકાર્ડ લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન.

પાટીલના ઈશારે આવા નિર્ણય લેવાઈ રહ્યાનો આક્ષેપ
કોર્પોરેશનના વહીવટકર્તાઓ 99 વર્ષ માટે પણ એટલી જ કિંમત લઈ રહ્યા છે જેટલી 49 વર્ષ માટે છે. જેના પરથી ફલિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના ગજવામાં અને સુરત કોર્પોરેશનને નુકસાન પહોંચાડવા માટેની માનસિકતા ધરાવે છે. આજે ટેક્સ્ટાઇલ માર્કેટની અંદર એક દુકાનનું ભાડું ઓછામાં ઓછું 25થી 50 હજાર જેટલું આવી રહ્યું છે. તેની સામે જો ગણતરી કરીએ તો 99 વર્ષની ગણતરી 1000 રૂપિયા જેટલું પણ ભાડું વેપારીઓ પાસેથી લેવામાં નથી આવી રહ્યું એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ પણ આ બાબતે કોર્પોરેશનમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે સી આર પાટીલના ઈશારે પરેશ પટેલ દ્વારા આવા નિર્ણય લેવાઈ રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર જ વિરોધ
વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પ્લેકાર્ડ લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દેવાયું હતું જ્યાં કોર્પોરેટરોને ટીંગાટોળી કરીને લઇ જવાયા હતા. થોડા સમય માટે તો કોર્પોરેશનની સિક્યુરિટી અને વિરોધ પક્ષો વચ્ચે ભારે ચકચાર જાગી હતી અને સામે નારેબાજી પણ થઈ હતી. ટેક્સટાઇલ માર્કેટને ફાળવવામાં આવેલી લીઝને લઈને સમગ્ર સુરત શહેરમાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપોની ચર્ચા પણ ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસ બહાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરતાં સિક્યુરિટીએ તેમને ત્યાંથી દૂર કર્યા હતા.

પોલીસ દ્વારા આપના નેતાઓની ટીંગાટોળી સાથે દૂર કરાયા.
પોલીસ દ્વારા આપના નેતાઓની ટીંગાટોળી સાથે દૂર કરાયા.

કોર્પોરેશનને હજારો કરોડનું નુકસાનનો આક્ષેપ
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ કોર્પોરેશનને હજારો કરોડનું નુકસાન પહોંચાડી રહ્યા છે. અમે આજે તેના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કારણ કે શહેરને જો આવી રીતે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે તો એ ક્યારેય સાંખી લેવાય નહીં. જ્યાં હજારો કરોડ આવી શકે છે ત્યાં મામૂલી રકમ લેવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન છે. અમે સતત તેનો વિરોધ નોંધાવતા આવ્યા છે અને અમે સ્પષ્ટપણે માનીએ છે કે પરેશ પટેલ ચોર છે અને તેણે ભારતીય જનતા પાર્ટીને લાભ અપાવવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

વિરોધ પણ કરવામાં દેવામાં ન આવતો હોવાનો આક્ષેપ
પાર્ટી હિતમાં ફંડ ઉઘરાવવા સિવાય ભાજપના શાસકો બીજું કોઈ કામ કરી રહ્યા નથી. તેના ભાગે શહેરની કોર્પોરેશનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. વારંવાર અમને દબાવવા માટે પોલીસને કોર્પોરેશનમાં બોલાવવામાં આવી રહી છે તે પણ અયોગ્ય છે. અમે જ્યારે પણ લોકશાહીઢબે વિરોધ કરવા જઈએ છે ત્યારે પોલીસને હાથો બનાવીને અમને ત્યાંથી ટીંગાટોળી કરીને દૂર કરી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને વિરોધ પણ કરવા દેવામાં આવતો નથી.