આગ દુર્ઘટના:સુરતના ડભોલી નજીક પાણીની લાઇન સમારકામની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ, બાઈક પર પસાર થતું દંપતી ફ્લેશ ફાયરથી દાઝ્યું

સુરતએક મહિનો પહેલા
એકાએક ગુજરાત ગેસની પાઇપ લાઇનમાંથી ફ્લેશ ફાયર થઈ.
  • ફાયર વિભાગ દ્વારા ગેસ લીકેજની આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો
  • ઈજાગ્રસ્ત થયેલા દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

સુરતમાં ડભોલીથી સિંગણપોર વિસ્તાર તરફ જતા નિર્મળ નગર પાસે કોર્પોરેશનના પાણી ખાતાના અધિકારીઓ દ્વારા પાણીની લીકેજ થયેલી લાઈનમાં કામગીરી કરવામાં આવી રહી હતી. હાઇડ્રોલિક વિભાગના કર્મચારીઓ પાણીની લાઇનના સમારકામ કરી રહ્યા હતા. દરમિયાન એકાએક ગુજરાત ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. ત્યાંથી બાઈક પર પસાર થતા દંપતી અજાણતા જ ફ્લેશ ફાયરથી દાઝી ગયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાઈક પર જતું દંપતી ફ્લેશ ફાયરથી દાઝ્યું
નિર્મળનગર પાસેથી પસાર થતા દંપતી બાઈક પર હતા. દરમિયાન જ એકાએક ગુજરાત ગેસની પાઇપ લાઇનમાંથી ફ્લેશ ફાયર થઈ હતી. સિંગણપોરથી પોતાના સસરાના ઘરે સીતારામ ચોક વિઠ્ઠલનગર ખાતે તેઓ જઈ રહ્યા હતા. દરમિયાન જ આ ઘટના બની હતી. બાઈક પર સવાર દંપતી કઈ સમજી શકે તે પહેલાં તો આગની જ્વાળાથી તેઓ દાઝી ગયા હતા. મુકેશ ઝાંઝમેરા અને તેમની પત્ની જાગૃતિ ઝાંઝમેરાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રસ્તો બંધ કરવાની ફરજ પડી.
રસ્તો બંધ કરવાની ફરજ પડી.

ફાયર અને ગેસ કંપની ઘટના સ્થળે પહોંચી
ફાયર અધિકારીએ જણાવ્યું કે હાઇડ્રોલિક વિભાગના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન આ ઘટના બની છે. અમને કોલ મળતાની સાથે જ આગ ઉપર કાબૂ મેળવવા માટે અમારી ટીમ રવાના થઈ ગઈ હતી. સાથોસાથ ગુજરાત ગેસ કંપનીનીના કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ગેસ લીકેજ લાઇનમાં વાલ્વ બંધ કરીને સમારકામ કરી લીધું હતું. બાઈક પર પસાર થતા બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. તેમને સારવાર માટે અત્યારે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે તેમની તબિયત પણ સ્થિર છે.