સુરતના વેસુ આભવા ગામ ખાતે સ્વપ્ન ભૂમિનું નવનિર્મિત કોમ્પલેક્ષ બની રહ્યું છે. આ નવનિર્મિત કોમ્પલેક્ષમાં આજે 18 વર્ષીય યુવકનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. 18 વર્ષીય વિક્રમ મૂળ રાજસ્થાનનો છે અને તે સુરતમાં બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતો હતો. પરિવારમાં ચાર ભાઈ છે. ત્યારે નવનિર્મિત સ્વપ્નભૂમિ કોમ્પલેક્ષના સાઇટ પર મોટા ભાઈ-ભાભી પણ મજૂરી કામ કરતા હતા. ત્યારે તેમની સાથે કામ કરવા તે ચાર દિવસ પહેલા જ તેમની સાઈટ પર આવ્યો હતો.પરંતુ ભાઈને મળવા આવેલા શ્રમજીવી યુવકને કાળ ભરખી ગયો હતો.
અંતિમ વખત મોટા ભાઇના દીકરાને રમાડી શક્યો
કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં કરંટ લાગતા મોતને ભેટનાર વિક્રમ પોતાના મોટાભાઈના નાના દીકરાને મોતને ભેટતા પહેલા અંતિમ વખત રમાડ્યો હતો. તે તેમના ભાઈ ભાભી સાથે રહેતો હતો. દરમિયાન આજે કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં ચાર ભાઈઓમાં મોટાભાઈના દીકરાને રમાડી રહ્યો હતો. બાદમાં પાણી પીવા જતા જીવતા વીજ વાયરે વિક્રમને ખેંચી લીધો હતો.અને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તે ગંભીર રીતે દાઝ્યો હતો. ઘટના અંગે સુપરવાઇઝરને જાણ થતા યુવકને સુપરવાઇઝર દ્વારા ખાનગી ગાડીમાં લઈને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ભાઈ ભાભી સાથે સોમવારે હોળી મનાવવા રાજસ્થાન જવાનો હતો
ઘટના અંગે મળતી વિગત મુજબ કરંટ લાગતા મરનાર 18 વર્ષીય યુવક વિક્રમ હોળી ધુળેટીની ઉજવણી કરવા માટે પોતાના વતન જવાનું હતું. તે પોતાના ભાઈ ભાભી સાથે સોમવારે વતન જવા માટે નીકળવાના હતા. આજે વિક્રમનો કામનો છેલ્લો દિવસ હતો પરંતુ તે તેના જીવનનો છેલ્લો દિવસ બની ગયો હતો. વિક્રમને કરંટ લાગેલો જોઈ તેને બચાવવા છતાં અન્ય એક સાથી શ્રમિકને પણ કરંટ લાગ્યો હતો. જોકે તેને માત્ર સામાન્ય જ કરંટ લાગતા તે બચી ગયો હતો.
પરિવાર શોકમાં ગરકાવ
તહેવારની ઉજવણી કરવા માટેની તૈયારી કરતું રાજસ્થાની શ્રમિક પરિવારમાં અચાનક શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. હોળીના તહેવારની ઉજવણી કરવાની તૈયારી કરતો પરિવારમાં 18 વર્ષીય વિક્રમનો કરંટ લાગતા મોત થઈ જતા પરિવાર શોકમગ્ન થઈ ગયું હતું. ઘટના અંગે પોલીસને જાણ થતા વેસુ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.