બાપુનો સંદેશ:CSKની સુરતમાં નેટ પ્રેક્ટિસ પુરી થયાના છેલ્લે દિવસે જાડેજાએ ગુજરાતી ફેન્સને કહ્યું- મેચ જોતાં-જોતાં સીટી વગાડી જુસ્સો વધારજો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આ વખતે આઈપીએલની તૈયારીઓ માટે સુરત પર પસંદગી ઉતારી હતી
  • સુરતમાં ટીમના પ્રેક્ટિસના અંતિમ દિવસે રવિન્દ્ર જાડેજાએ ગુજરાતી ક્રિકેટપ્રેમીઓને ખાસ વિનંતી કરી
  • મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનું સુકાન હવે રવિન્દ્ર જાડેજાને સોંપી દીધું છે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ચેન્નઈ સુપર કિંગ્સનો સુકાની બનાવવામાં આવ્યો છે. આઈપીએલ-2022 માટે ચેન્નઈની ટીમે સુરતમાં પ્રેક્ટિસ કરી હતી. મોટા ભાગની ટીમોએ મુંબઈમાં પ્રેક્ટિસ કરી હતી જ્યારે ચેન્નઈએ પ્રેક્ટિસ માટે સુરત પર પસંદગી ઉતારી હતી. સુરતમાં 15 દિવસની પ્રેક્ટિસ પૂરી થયા બાદ રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના ક્રિકેટપ્રેમીઓને એક ખાસ વિનંતી કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ટ્વિટર પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જાડેજાએ કહ્યું હતું કે, ચેન્નઈ સુપર કિંગ્સની મેચ હોય ત્યારે એકદમ જોરથી અને એકદમ ખુશી ખુશી સીટી વગાડજો જેથી અમારો ઉત્સાહ વધે અને અમારો જુસ્સો વધે.

ગુજરાતીમાં સંદેશો આપ્યો
જાડેજાએ ગુજરાતીમાં બોલતા કહ્યું હતું કે, કેમ છો બધા, આજે સુરતમાં અમારો છેલ્લો દિવસ હતો. અમને અહીં ઘણી જ મજા આવી. અમે છેલ્લા 15 દિવસથી અહીં પ્રેક્ટિસ કરતા હતા. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઘણી સારી સુવિધા હતી. બધા ખેલાડીઓને મજા આવી. અહીં આટલી સારી સુવિધાઓ પૂરી પાડવા બદલ હું ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી તમામ લોકોનો આભાર માનું છું. હું તમામ ગુજરાતના ફેન્સને વિનંતી કરીશ કે જ્યારે પણ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ હોય ત્યારે એકદમ જોરથી અને એકદમ ખુશી ખુશી સીટી વગાડજો જેથી અમારો ઉત્સાહ વધે અને અમારો જુસ્સો વધે. વ્હીસલ પોડુ.

ગુજરાતીઓને ગુજરાતીમાં સંદેશો આપ્યો.
ગુજરાતીઓને ગુજરાતીમાં સંદેશો આપ્યો.

પહેલી જ મેચ ચેન્નઈ અને કોલકાતા વચ્ચે
નોંધનીય છે કે આઈપીએલ-2022ની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આમને સામને થશે. બંને ટીમો વચ્ચે 26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં મુકાબલો યોજાશે અને આ સાથે જ વિશ્વની લોકપ્રિય ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 15મી સિઝનનો પ્રારંભ થશે. આ વખતે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ એમ બે નવી ટીમો પણ સામેલ થતાં કુલ 10 ટીમો વચ્ચે જંગ જામશે.

ચેન્નઈની ટીમે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 15 દિવસ પ્રેક્ટિસ કરી હતી.
ચેન્નઈની ટીમે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 15 દિવસ પ્રેક્ટિસ કરી હતી.

પ્રથમ વખત સુકાની બદલાયો
ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે અને ધોની સૌથી સફળ સુકાની છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈની ટીમ ચાર વખત ચેમ્પિયન બની છે જ્યારે અત્યાર સુધી કુલ નવ વખત તે ફાઈનલમાં પહોંચી છે. ચેન્નઈ એકમાત્ર ટીમ છે જેમાં પ્રથમ વખત સુકાની બદલાયો છે. આ સિવાયની તમામ ટીમો અત્યાર સુધી એકથી વધુ સુકાની બદલી ચૂકી છે. ચેન્નઈએ આ વખતે હરાજી પહેલા મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને રિટેન કર્યા હતા.