સુરત શહેરમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 16 દિવસમાં સુરત શહેરમાં 24 હજાર કેસનો વધારો થયો છે, જેમાં સૌથી વધુ 5500 કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે, જે કુલ કેસના 23 ટકા જેટલા થાય છે. જ્યારે રાંદેર ઝોનમાં પણ 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 2 દિવસથી કતારગામ, વરાછા-એ અને ઉધના ઝોનમાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. અઠવા અને રાંદેરના મોટા ભાગના વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયેલા છે. આ સાથે જ ઠેર-ઠેર હાઈ રિસ્ક એરિયામાં પ્રવેશી રહ્યા હોવાનાં બોર્ડ પણ લગાવાયાં છે.
અઠવા અને રાંદેરમાં ઝોનમાં 44 ટકા કેસનો વધારો
સુરત શહેર છેલ્લા 16 દિવસમાં 24 હજાર જેટલા કેસનો વધારો થયો છે, જેમાંથી 5 હજારથી વધુ કેસ અઠવા અને રાંદેરમાં નોંધાયા છે. 15 દિવસના કુલ કેસના વધારામાંથી અઠવા અને રાંદેર ઝોનમાં જ 44 ટકા કેસ નોંધાયા છે. જ્યારે હવે કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં કેસનો વધારો થઈ રહ્યો છે. કતારગામ ઝોનમાં પણ છેલ્લા 15 દિવસમાં 3 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.
પહેલી, બીજી અને ત્રીજી લહેરમાં પણ અઠવા-રાંદેર હોટ સ્પોટ
સુરતમાં કોરોનાના કેસ નોંધાવાની શરૂઆત 19 માર્ચ 2020થી થઈ હતી. પહેલો કેસ પણ અઠવા ઝોનમાં જ નોંધાયો હતો. ત્યાર બાદ કેસમાં વધારો થયો હતો. જ્યારે બીજી લહેરમાં પણ સૌથી વધુ કેસ અઠવા અને રાંદેર ઝોનમાં જ નોંધાયા હતા. હાલ ત્રીજી લહેરમાં પણ અઠવા અને રાંદેર ઝોનથી જ કેસનો વધારો થયો હતો. ત્યાર બાદ અન્ય ઝોનમાં કેસ વધવાનું શરૂ થયું હતું.
સૌથી વધુ અઠવા અને સૌથી ઓછા સેન્ટ્રલ ઝોનમાં
સુરત શહેરમાં આઠ ઝોનમાંથી છેલ્લા 16 દિવસમાં અઠવામાં સૌથી વધુ 5500 અને રાંદરેમાં 5022 કેસ નોંધાયા છે, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં સૌથી 1160 કેસ નોંધાયા છે. 1 જાન્યુઆરી બાદ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સુરત શહેરમાં 17743 એક્ટિવ કેસ છે, જેમાંથી 322 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 78, સ્મીમેર હોસ્પિટલમાં 37 દર્દી સારવાર લઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.