સુરતમાં કોરોનાના કેસો હવે 150થી વધુ નોંધાવાનું શરૂ થઈ ગયું છે. સુરતની સ્કૂલોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્કૂલ-કોલેજોમાં છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરમાં 26 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. 20 ડિસેમ્બરના રોજ 3 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા. જ્યારે ગત રોજ 26 વિદ્યાર્થી સંક્રમિત થતા છેલ્લા 13 દિવસમાં જ 9 ગણો વધારો નોંધાયો છે.
વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં ઓમિક્રોન પોઝિટિવ
રાંદેર ઝોનમાં પાલ વિસ્તામાં રહેતી 16 વર્ષીય વિદ્યાર્થિનીનો રિપોર્ટ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. તે જે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા કોન્ટેક ટ્રેસિંગ કરી વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં આ વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થિનીને પણ કોઈ તકલીફ વગર કોરોનામાંથી મુક્તિ મળી ચૂકી છે. જોકે, તેની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી ઓમિક્રોન સુરતમાં પ્રસરી ગયો હોવાનો માહોલ ઊભો થયો છે.
સ્કૂલોમાં કેસ આવતા નિર્ણયોમાં ફેરબદલ
સ્કૂલો માટે સમયાંતરે પાલિકાએ નિર્ણયમાં ફેરબદલ કર્યા છે. અગાઉ કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાતી. ત્યારબાદ જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તે ક્લાસ જ બંધ કરવામાં આવતો હતો પણ છેલ્લા થોડા દિવસોથી સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આવતીકાલથી 15થી 18 વર્ષ વય જૂથના બાળકોનું વેક્સિનેશન
3થી 9 જાન્યુઆરીમાં ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જૂથના બાળકોને કોવિડ-19ની વેક્સિન અપાવામાં આવશે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવશે. સુરતમાં કુલ 1.41 લાખ બાળકોને વેક્સિન મૂકવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે સમગ્ર રાજ્યમાં 3 જાન્યુઆરીથી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જુથના લાભાર્થી હોય ત્યાં વેક્સિનેશન માટે અલાયદા સેશન કરવામાં આવનાર છે.
સુરતમાં 13 દિવસમાં કોરોનાના કેસમાં 20 ગણો વધારો
સુરતમાં ઓમિક્રોનના કેસની સાથે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં સુરત શહેર જિલ્લામાં 620 કેસ નોંધાયા છે. ગત 20 ડિસેમ્બરના રોજ માત્ર 8 કેસ નોંધાયા હતા. જ્યારે 1 જાન્યુઆરીએ 164 કેસ નોંધાયા હતા. જેથી છેલ્લા 13 દિવસમાં જ કોરોનાના કેસમાં 25 ગણો વધારો નોંધાયો છે.
સુરતમાં છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કોરોના કેસની વિગત
તારીખ | કેસ |
1 જાન્યુઆરી | 164 |
31 ડિસેમ્બર | 101 |
30 ડિસેમ્બર | 77 |
29 ડિસેમ્બર | 80 |
28 ડિસેમ્બર | 52 |
27 ડિસેમ્બર | 23 |
26 ડિસેમ્બર | 20 |
25 ડિસેમ્બર | 29 |
24 ડિસેમ્બર | 19 |
23 ડિસેમ્બર | 18 |
22 ડિસેમ્બર | 17 |
21 ડિસેમ્બર | 12 |
20 ડિસેમ્બર | 8 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.