ઓમિક્રોનની દહેશતને પગલે સિવિલ-સ્મીમેરમાં 140 બેડના અલાયદા ઓમિક્રોન વોર્ડ શરૂ કરનાર પાલિકાએ છેલ્લા 10 દિવસમાં જ 90 હજાર ટેસ્ટિંગ કર્યાં છે. આ સંખ્યા દિવાળી પહેલાં 3 હજાર હતી. જે વધારીને દૈનિક 9 હજાર ટેસ્ટિંગ કરાઇ છે. એટલું જ નહીં પણ શહેરના પ્રવેશ દ્વારો પર રોજ 2500 મુસાફરોનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું હતું. આરોગ્ય વિભાગે કહ્યું કે, એરપોર્ટ પર મોટા ભાગના પ્રવાસીઓ 72 કલાકની મર્યાદા વાળા RTPCR ટેસ્ટિંગ રિપોર્ટ લઇને પણ આવી રહ્યાં છે. તે સિવાયના મુસાફરોનું ઓમિક્રોનની દહેશતને પગલે સઘન ચેકિંગના ભાગરૂપે રોજ 300 મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે.
ટેસ્ટિંગ અને વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. શહેરમાં ગત રોજ કોરોનાના નવા 9 કેસ સામે આવ્યાં હતાં. જેથી કોરોનાનો આંકડો વધીને 1,44,110 પર પહોંચી ગયો છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ અને વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું છે.તેમજ નિયમો પણ કડક કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓના વાલીઓના વેક્સિન સર્ટીની સાથે સાથે મુંબઈથી આવતાં મુસાફરોના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પોઝિટિવ કેસનો આંક 1,44,110 પર પહોંચ્યો
શહેરમાં બુધવારે વધુ 09 અને જિલ્લામાં 00 કેસ સાથે કુલ 09 નવા કેસ સામે આવ્યાં છે.આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,110 થઈ છે. બુધવારે શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી 06 દર્દીઓ અને જિલ્લામાંથી 00 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,41,951 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 42 થઈ છે.
રસીકરણની કામગીરી તેજ કરાઈ
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના પ્રથમ ડોઝ માટે 30 સેન્ટર અને બીજા ડોઝ માટે 126 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે 2 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે 11 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી કુલ આજે 169 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.