ધરપકડ:જમીન-બિટકોઈન કૌભાંડી શૈલેષ ભટ્ટ દિલ્હીથી ઝડપાયો, પકડાતાં પહેલાં કહ્યું, ‘પોલીસ મોટો વ્યવહાર કરવા માંગે છે’

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શૈલેષ ભટ્ટ બે કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી નો કર્સ્યુવ ઓર્ડર લાવ્યો હતો. - Divya Bhaskar
શૈલેષ ભટ્ટ બે કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી નો કર્સ્યુવ ઓર્ડર લાવ્યો હતો.
  • ભૂમાફિયો સાણસામાં શૈલેષ વિરુદ્ધ કુલ 3 ગુના નોંધાયા પહેલી વાર ધરપકડ

લસકાણામાં બિલ્ડરની જમીન પર કબજો કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી શૈલેષ ભટ્ટને પોલીસે દિલ્હી ઇંદિરા ગાંધી એરપોર્ટથી ઝડપી પાડ્યો છે. તેને લેવા એક ટીમ દિલ્હી જશે. વરાછા રહેતા બિલ્ડર રાજુ દેસાઈએ શૈલેષ ભટ્ટ અને વિજય ખોખરિયા પાસેથી વ્યાજે 4 કરોડ 2015માં લીધા હતા. તેની સામે સાડા છ કરોડ રાજુએ ચૂકવી દીધા છતાં શૈલેષ અને તેના મળતીયાઓ રાજુ પાસે વધુ રકમ પડાવવા માંગતા હતા. રાજુને કહ્યું કે રૂપિયાનો હવાલો રાજકોટના અનિરુદ્ધસિંહને આપી દીધો છે. અનિરુદ્ધસિંહે રાજુને ફોન કરીને રૂપિયા નહીં આપે તો સાઇડ પર કબજો કરવાની ધમકી આપી હતી. 20 ઓગસ્ટે રાજુએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે સ્થળ પરથી 4ને હથિયાર સાથે પકડ્યા હતા. બાદ શૈલેષ ભટ્ટ, અનિરુદ્ધસિંહ સહિતના 11 વિરુદ્ધ રાજુ દેસાઈએ અલગથી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર શૈલેષને વ્યાજ સહિતની રકમ આપી દીધી છતા 33 કરોડ વસૂલવા સાઇટ પર કબજો કરી લીધો હતો.

આક્ષેપ તો થયા કરે
મોટાભાગના આરોપી પોલીસ પર આક્ષેપ કરતા હોય છે એ રીતે શૈલેષ પણ આક્ષેપ કર્યો હશે. પરંતુ પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે. પોલીસનો કોઈ ખોટો ઇરાદો નથી.-રાહુલ પટેલ, ડીસીપી, ક્રાઈમ બ્રાંચ

શૈલેષ ભટ્ટ બે કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી નો કર્સ્યુવ ઓર્ડર લાવ્યો હતો
રીઢો શૈલેષ ભટ્ટ કાયદો સારી રીતે જાણે છે. શૈલેષ અને તેનો ભાણેજ અને મળતિયાઓ સહિત 11 આરોપીઓ વિરુદ્ધ 2018ના શરૂમાં સુરત સીઆઈડીમાં અપહરણ અને જબરજસ્તી રૂપિયા કઢાવવાની ફરિયાદ નોંધાઈ હતી. તેમાં ધવલ માવાણી અને પિયુશ સાવલિયાનું અપહરણ કરીને ધવલ પાસેથી 2256 બીટ કોઈન,14 કરોડ અને 11 હજાર લાઈટ કોઈન લઈ લીધા હતા. બીટ કોઈનની કિંમત 131 કરોડ અને લાઈટ કોઈનની કિંમત પૌણા દસ કરોડ તે સમયે હતી.બાદ ધવલ માવાણીને વિદેશ ભગાવી દીધો હતો. પિયુશ સાવલિયા પણ ગભરાઈને ક્યાંક ભાગી ગયો હતો. આ ગુનામાં દિલીપ કાનાણી, નિકુંજ ભટ્ટ, જીગ્નેશ મોરડિયા, કિરીટ વાળા, જીગ્નેશ ખેની, ઉમેશ, વાબાજી, જેકે રાજપુત, હિતેશ સહિતનાની ધરપકડ થઈ હતી. શૈલેષ ભાગેડુ હતો. શૈલેષ 1 વર્ષ પછી સુપ્રિમમાંથી નો કર્સ્યુવ ઓર્ડર લઈ આવ્યો હતો. વડોદરામાં 1 ઠગાઈનો ગુનો નોંધાયો હતો. તેમાં પણ શૈલેષે પાર્ટી પાસેથી જમીન વેચાણના બહાને રૂપિયા પડાવી જમીન આપી ન હતી. તેમાં પણ શૈલેષનો કર્સ્યુવ ઓર્ડર લઈ આવતા પોલીસ ધરપકડ કરી શકી ન હતી. નો કર્સ્યુવ ઓર્ડરમાં તપાસ કરી શકે પરંતુ આરોપીની ધરપકડ કરી શકતી નથી. આમ બિલ્ડર રાજુ દેસાઈની ફરિયાદમાં પહેલી વખત શૈલેષની ધરપકડ કરાઈ છે.

2017 : અમરેલી પોલીસે શૈલેષ ભટ્ટનું અપહરણ કરી બીટકોઈન પડાવ્યા હતા
2017માં કેટલાકે શૈલેષ અને તેના ભાગીદાર કિરિટ પાલડિયાને ધમકી આપતા ગાંધીનગર ફરિયાદ આપી હતી ત્યારે રસ્તામાંથી અમરેલી પોલીસે બંનેનું અપહરણ કરીને જંગલના રસ્તે કેશવ ફાર્મમાં લઈ ગયા હતા. ત્યાં બંનેને માર માર્યો હતો. ત્યારે કિરિટના ફોનમાંથી 22 બીટકોઈન ટ્રાન્સફર કરી નાખ્યા હતા. તે સુરતના કોઈ સંદિપના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. ત્યાર બાદ સીબીઆઈના ઇન્સ્પેક્ટર સુનિલ નાયરનું પણ માન ઉછળ્યું હતું. આ કેસમાં શૈલેષ ભટ્ટે અમરેલીના ડીએસપી જગદિશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પુર્વ ધારાસભ્ય નલીન કોટડિયા પર પણ આક્ષેપ થયા હતા. નલીન કોટડિયા શૈલેષનો ભાગીદાર કિરીટ પાલડિયાના કાકા થાય છે.

આરોપી અનિરુદ્ધને શૈલેષે પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાવી
પકડાતા પહેલા શૈલેષનો એક વીડિયો ફરતો થયો છે, જેમાં રાજુભાઈએ ષડયંત્ર ઉભું કર્યું અને અમારા પર કેસ કર્યો છે.અનિરુદ્ધસિંહ જાડેજા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એનું પણ ખોટી રીતે નામ આપવામાં આવ્યું છે.એને સ્કિમમાં અમને 100 ફ્લેટ આપવાના હતા. તે ના આપવા પડે તે માટે પોલીસ સાથે મળીને અમારા પર ખોટો ગુનો દાખલ કર્યો છે. રાજુએ બેંકમાંથી 29 કરોડની લોન અમારી એનઓસી લીધા વગર લઈ લીધી છે. એક ફ્લેટ પાંચ જણાને વેંચ્યો છે. અનિરુદ્ધસિંહે તો સમાધાન કરાવવા મુલાકાત કરાવી હતી. પોલીસને મોટો વ્યવહાર કરવાનો છે એટલે અમારી વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો છે અને અમને ખબર પણ ન હતી.

અન્ય સમાચારો પણ છે...