તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Lake To Be Constructed At A Cost Of Rs 2.35 Crore For Chhath Puja But No Preparation Of Artificial Lake For Ganesh Discharge

ભક્તોની માગણી:છઠપૂજા માટે 2.35 કરોડના ખર્ચે તળાવ બનાવાશે પણ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની કોઈ તૈયારી નહીં

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છઠપૂજા માટે તળાવ તો બનવું જ જોઇએ પણ શ્રીજી વિસર્જન માટે દર વર્ષની જેમ કૃત્રિમ તળાવ બનાવવા ભક્તોની માગણી
  • 77 દિવસ પછીના તહેવાર માટે અત્યારથી તૈયારી, અઠવાડિયા પછી શરૂ થનારા ઉત્સવ માટે હજુ ચર્ચાનું ચકડોળ
  • બમરોલીમાં છઠપૂજા માટે તળાવ બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

કોરોનામાં ગત વર્ષે ઉજવી ન શકેલા ગણેશ ચતુર્થીના તહેવારને આ વર્ષે ભક્તો ખૂબજ રંગેચંગે ઉજવવા આતૂર છે. પરંતુ પાલિકા વિસર્જન માટેના કૃત્રિમ તળાવ બનાવવા અંગે હજી અવઢવમાં જ છે. બીજી તરફ 10 નવેમ્બરે છઠ પૂજાના તહેવાર માટે તળાવ બનાવવા સ્થાયી સમિતિમાં હાઉસિંગ વિભાગની દરખાસ્ત રજૂ થઈ છે.

રૂપિયા 2.35 કરોડના ખર્ચે બમરોલીમાં રામેશ્વર હિલ્સની સામે આવેલા બાયો ડાયવર્સિટી પાર્કની જગ્યામાં છઠ પુજા અને અન્ય ધાર્મિક વિધિ માટે તળાવ બનાવવા પાલિકા તંત્ર એ તૈયારી કરી છે, તેથી એક તહેવાર માટે પાલિકા તળાવની તૈયારી કરી અઢી કરોડ ખર્ચાશે પણ બીજા તહેવાર માટે આવશ્યક કૃત્રિમ તળાવ બનાવવા તૈયાર નથી, તેથી પાલિકાનું બેવડું વલણ છતું થઈ રહ્યું છે. છઠ પૂજાના તળાવ બનાવવા સામે કોઈ વાંધો નથી પરંતુ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો તો બનાવવા જ જોઈએ તેવી ભક્તો તથા ગણેશ મંડળોમાં માંગણી ઊઠી છે.

ગણેશ વિસર્જન માટે તળાવ ચોક્કસ બનાવવા જોઇએ: સ્ટેન્ડિંગ ચેરમેન
દર વર્ષે મહાપાલિકા તમામ ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવે છે. હવે તો બધું જ ખુલી ગયું છે. તમામ તહેવારો ઉજવાય રહ્યાં છે. રક્ષાબંધન શહેરમાં હંમેશની જેમ બે દિવસ ઉજવાઈ, હવે જન્માષ્ટમીના તહેવારની તૈયારી ચાલી રહી છે. પરંતુ દશામાના તહેવારમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. પાલિકાના કૃત્રિમ તળાવ નહીં બનાવવાના વાંકે અનેક ઓવારે તથા નહેરોમાં પ્રતિમાઓ રઝળતી જોવા મળી હતી. માંડ 20 હજાર પ્રતિમાની સ્થાપનામાં આ સ્થિતિ હતી ત્યારે ગણેશોત્સવમાં તો તંત્રે 4 ફૂટ સુધીની પ્રતિમાને મંજૂરી આપી છે ત્યારે હજારો ભક્તો વિઘ્નહર્તાની સ્થાપના કરશે તે નક્કી છે.

ત્યારે વિસર્જન મામલે કફોડી સ્થિતિ નિર્માણ થશે તેવી ગણેશ મંડળો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવને પખવાડિયાનો જ સમય બાકી રહ્યો છે. પરંતુ તંત્રએ હજુ સુધી તહેવાર અનુરૂપ ગાઈડ લાઈન સુદ્ધાં બહાર પાડી નથી, તેવામાં કૃત્રિમ તળાવ અંગે પણ તંત્ર પાણીમાં બેસી ગયું હોવાથી

ગણેશ ભક્તોમાં ભારે અસંતોષ તેમજ રોષ ફેલાઈ રહ્યો છે. લોકોનો આ આક્રોશ ભાજપની જન આશીર્વાદ યાત્રા ટાણે બેનરો તરીકે ગોલવાડ સહિતના વિસ્તારોમાં બહાર આવ્યો હતો, જેમાં લખાયું હતું કે, ‘આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળતી હોય તો ગણેશજીની પણ યાત્રા નીકળવી જ જોઈએ.’ આવા બેનરો લગાવી ભક્તો મહાપાલિકાના શાસકોની ઢોલમોલ નીતિ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

દરખાસ્ત આવી છે
છઠ પૂજાના તળાવની દરખાસ્ત આવી છે, મારી પાસે વધુ જાણકારી નથી. વિસર્જન માટે કૃત્રિમ તળાવ ચોક્કસ બનાવવા જોઈએ. - પરેશ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન

કૃત્રિમ તળાવ અંગે યોગ્ય ઉકેલ આવશે: મેયર
આપણે બધા જ ધર્મોને સાચવવાના હોય છે. કૃત્રિમ તળાવ અંગે ચર્ચા ચાલી રહી છે. યોગ્ય ઉકેલ આવશે. - હેમાલી બોઘાવાલા, મેયર

અન્ય સમાચારો પણ છે...