તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:સુરતમાં કોરોનાના વેરિયન્ટની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી શરૂ કરાશે, ઘર આંગણે જ રિપોર્ટ મળશે

સુરત3 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
  • વાયરસમાં આવતા વેરિયન્ટની તપાસ માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સ્મીમેર હોસ્પિટલમાં વ્યવસ્થાઓ ઉભી કરવા માટેની તૈયારી શરૂ

સુરતમાં જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી શરૂ કરવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ સામે આવતાની સાથે અત્યાર સુધીમાં વિશ્વભરમાં તેના અલગ અલગ સ્વરૂપો બદલાઇ ચૂક્યા છે. વાયરસના સ્પાઇકમાં થતા ફેરફારને કારણે અનેક પ્રશ્નો ઉદભવતા રહ્યા છે. કોરોના વાયરસના મ્યુટેશનના કારણે તેમાં જે બદલાવ થઈ રહ્યા છે તે મોટા પડકારો ઊભા કરી રહ્યા છે. સમયાંતરે કોરોના સંક્રમણ દરમિયાન દર્દીઓના જે સેમ્પલ લેવાતા હતા. તેમાં વાયરસની અંદર જે મ્યુટેશન સામે આવતા હતા તેનાથી તબીબી જગતમાં પણ આશ્ચર્ય જોવા મળતું હતું.

જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં વેરિયન્ટની તપાસ
કોરોનાકાળ દરમિયાન જે વાયરસ જોવા મળ્યો છે તે વાયરસના સ્પાઇક પ્રોટીન(કાંટા ) દેખાય છે. તેમાં સમયાંતરે ફેરફાર થતાં દેખાઈ રહ્યા છે. વાયરસમાં જે વેરિયન્ટ આવે છે તે કયા પ્રકારનો છે અને કેટલો ઘાતક છે તે અંગેનું પરીક્ષણ આ જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં કરવામાં આવે છે. જેમાં વાયરસનો પ્રકાર અને તેમાં થયેલા બદલાવનું પૂર્ણ પરીક્ષણ થઈ જાય છે.

લેબોરિટરીમાં તપાસવા માટે વધુ સમય લાગશે નહીં
કોરોના પોઝિટિવ જેટલા પણ કેસ આવ્યા હોય તે પૈકી 5% કેસોને જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે જે હાલ અત્યારે મહારાષ્ટ્રના પૂણે શહેરની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. વાયરસની તપાસ કરવા માટે હાલ બે મહિના જેટલો સમય લાગી જાય છે ત્યારબાદ તેનું પરિણામ આવે છે. જો સુરતમાં આ લેબોરેટરી શરૂ થાય તો માત્ર એક સપ્તાહના સમયમાં જ તમામ વાયરસ અંગેની વિગતવાર માહિતી મળી શકે છે. અત્યારે દેશભરમાં આવતા કોરોના પોઝિટિવ કેસોના પાંચ ટકા જેટલા કેસોના સેમ્પલ પૂણે ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.

સુરતમાં વ્યવસ્થા ઉભી કરવા તૈયારીઓ શરૂ
સુરત શહેરમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સ્મીમેર હોસ્પિટલમાં જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી માટે વ્યવસ્થાઓ ઉભી કરવા માટેની તૈયારી શરૂ થઈ છે. તે ઉપરાંતની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. IMCRમાં 20 દિવસ પહેલાંથી લેખિતમાં મંજૂરી માંગવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. મંજૂરી મળતાંની સાથે જ લેબોરેટરી શરૂ કરી શકાશે.

વેરિયન્ટની તપાસ માટે હવે ગાંધીનગર સેમ્પલ મોકલાશે
અત્યાર સુધી જે કોરોના પોઝિટિવ કેસ આવતા હોય છે તેના વેરિયન્ટની તપાસ કરવા માટે સેમ્પલ NIV ખાતે મોકલવામાં આવતા હતા. પરંતુ હવેથી ગાંધીનગરમાં પણ તે રીતની તપાસ માટેના સેમ્પલ મોકલવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં આવતા કોરોના પોઝિટિવ કેસોના સેમ્પલ પૂણે મોકલવામાં આવશે જ્યારે સોમવારથી સુરત સ્મીમેર હોસ્પિટલના કોરોના પોઝિટિવ કેસના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે.

લેબ માટે હાઈ સ્ટાન્ડર્ડ સેફ્ટીની સૌથી મોટી જરૂરિયાતઃ પાલિકા કમિશનર
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરી ચાલુ કરાવવા માટે હાઈ સ્ટાન્ડર્ડ સેફ્ટીની સૌથી મોટી જરૂરિયાત છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની લેબ અને હોસ્પિટલની લેબમાં શરૂઆત કરવા માટે અમારી તૈયારી થઈ રહી છે. સાથે સાથે આવનાર દિવસોમાં ખાનગી હોસ્પિટલોની લેબોરેટરીમાં પણ આ વ્યવસ્થા ઊભી કરી શકાય તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર પણ સહયોગ આપી રહી છેઃ પાલિકા કમિશનર
વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસની અંદર આલ્ફા, બીટા અને ગામા વેરિયન્ટ જોવા મળી રહ્યા હતા. તાજેતરમાં વધુ એક વેરિયન્ટ સામે આવ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે આવતાની સાથે આપણે વધુ સતર્ક થઈ ગયા છે. પરંતુ અત્યાધુનિક લેબ આપણા જ શહેરમાં હોય અને કોઈ નવો વેરિયન્ટ સામે આવે તો તે દિશામાં આપણે ઝડપથી કામ કરી શકીએ અને લોકો તેનાથી ઓછા લોકો અસરગ્રસ્ત થાય તેના માટેની તૈયારીઓ ઝડપથી શરૂ કરી શકીએ અને આ બધા કારણોસર જો લેબ આપણા ત્યાં ઘર આંગણે તૈયાર થઈ જાય તો આપણને ઘણી મોટી રાહત થઈ શકે છે. કેન્દ્ર સરકાર પણ આ દિશામાં આપણને ખૂબ જ સારી રીતે સહયોગ આપી રહી છે. થોડા સમયમાં જ આપણા ત્યાં લેબ શરૂ થઈ જશે.