બેદરકારી:સુરતની કિરણ હોસ્પિટલે જીવિત બાળકીને મૃત જાહેર કરી ડિસ્ચાર્જ કરી દીધી, અડધા કલાકમાં જ મોત

સુરતએક વર્ષ પહેલા
મૃતક આર્મી. - Divya Bhaskar
મૃતક આર્મી.

કતારગામની કિરણ હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. બે વર્ષની જીવિત બાળકી આર્મીને બ્રોટડેડ લખી સ્મિમેરમાં દામા ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે, જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક સારવાર થયા બાદ બાળકીનું મોત થયું.

કતારગામ શાસ્ત્રીનગર ખાતે રહેતા અરવિન્દભાઈ પાંડવની બે વર્ષની પુત્રી આર્મી 19 ડિસેમ્બરના રોજ ઘરમાં દાદરા પરથી પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી આર્મીને કિરણ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાત્રે 10 વાગ્યે ડોક્ટરોએ કેસ પેપર પર બ્રોટડેડ અને દામા ડિસ્ચાર્જ લખીને સ્મિમેર રિફર કરી દીધી, પણ પરિવારના સભ્યો તેને સિવિલ લઈ આવ્યા.

રાત્રે 11:20એ સિવિલ મેડિકલ ઓફિસર ડો.વૈદર્ભી પટેલે બાળકીનું હૃદય ચેક કર્યું તો ચાલી રહ્યું હતું. બાદમાં સારવાર શરૂ કરવામાં આવી, જેમાં વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રાત્રે 11:50એ માસૂમ આર્મીનું મોત નીપજ્યું. ડો. વૈદર્ભીએ જણાવ્યું હતું કે બાળકીના માથામાં ઈજા અને મોઢામાંથી લોહી વહેતું હોવા સાથે હૃદય ચેક કર્યું તો ધબકારા ચાલી રહ્યા હતા, જેથી મેં તેને તરત સર્જરી અને ઈએનટી વિભાગના ડોકટરોને જાણ કરી સારવાર શરૂ કરાવી, જેમાં ઈન્ટર્નલ હેમરેજને કારણે બાળકીના હૃદયમાં લોહી જામી ગયું હોવાથી એનું મોત થયાની જાણ થઈ. કિરણ હોસ્પિટલે કેસ પેપર પર જે રીતે ડિટેલ્સ મેન્શન કરી છે એ મારી સમજની બહાર છે.

બ્રોટડેડ હોવાનું તબીબોએ જણાવ્યું ન હતું
આર્મીના પિતા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરી દાદરા પરથી પડી જતાં કિરણ હોસ્પિટલ લઈ ગયા હતા. સિટી સ્કેન કર્યું અને જણાવ્યું કે બાળકીની હાલત નાજુક છે. હાર્ટ બરાબર કામ નથી કરતું. આઈસીયુમાં દાખલ કરવી પડશે અને ખર્ચ વધુ થશે, એટલે ડિપોઝિટ જમા કરાવવી પડશે, પણ મારી પાસે એટલા પૈસા ન હોવાથી તેમણે સ્મિમેર રિફર કરી દીધું, પણ અમે સિવિલ આવ્યા હતા. કેસ પેપર પર બ્રોટડેડ લખ્યું હતું, જે કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ અમને જણાવ્યું ન હતું.

રિવાઈવ કર્યા બાદ રિફર કરી હતી
કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલે કહ્યું- બાળકી બ્રોટડેડ કન્ડિશનમાં હતી. સીપીઆર અને 3 વખત શોક આપ્યા બાદ બાળકીને રિવાઈવ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને દાખલ કરવાની જરૂર હતી, પરંતુ આર્થિક કારણોસર તેઓ રજા લેવા માગતા હોવાથી સ્મિમેર રિફર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...