જમ બનેલા જમાઈની ધરપકડ:સુરતમાં સાળી પર રેપ કેસમાં પેરોલ પર છૂટી 11 વર્ષીય સાળાની હત્યા કરનાર આરોપી અઢી મહિને બિહારથી ઝડપાયો

સુરત9 મહિનો પહેલા
  • સાળી પરના રેપ કેસમાં સમાધાન ન કરતા સાળાની હત્યા કરી ભાગી ગયો

સુરત શહેરના પનાસમાંથી 11 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા મામલે સુરત પોલીસે હત્યારા બનેવીને બિહારથી ઝડપી પાડ્યો છે. હત્યારો ખુદ બાળકનો જીજાજી છે. જ્યારે સાળીના રેપ કેસમાં આજીવન સજાનો કેદી પણ છે. દરમિયાન મૃતક બાળકની બહેન અને આરોપીની પત્નીએ જ 5 દિવસ પહેલા પેરોલ પર છોડાવ્યો હતો. ત્યારબાદ સમાધાન ન થતા સાળાની હત્યા કરી ભાગી ગયો હતો. છેલ્લા અઢી મહિનાથી આરોપી ડબલ્યુસીંગ અલગ-અલગ સ્થળે ભાગતો હતો. દરમિયાન પોલીસ બિહારથી ઝડપી પાડી સુરત લઈ આવી છે.

ઘટના શું હતી?
22 જુલાઈના રોજ પનાસમાંથી 11 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બે દિવસ દરમિયાન ખટોદરા, ડુમસ અને ઈચ્છાપોર પોલીસે અપહરણ કરાયેલા બાળકની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે પનાસથી લઇ વીઆઇપી રોડ અને સિટીલાઇટ રોડ સુધીના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ડુમસ પીસીઆરના સ્ટાફને સાયલન્ટ ઝોન પાસે ખંડેર મકાનમાંથી બાળકને ગળેટૂંપો આપી સાડીમાં વિટાળેલી લાશ મળી હતી. જોકે બાળકની હત્યા કર્યાની વાત આરોપીએ તેના મિત્રને જણાવી હતી.

સમાધાન કરવા મૃતક બાળકના પરિવારજનોને દબાણ કરતો
ખટોદરા પોલીસે હત્યારા ડબલ્યુસીંગ સુરેન્દ્ર સીંગ રાજપૂત(રહે,ઘનકુંડગામ,બિહાર)ને શોધવા માટે કવાયત શરૂ કરી હતી. ડબલ્યુ સીંગ રાજપૂત સાળી પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. હત્યારો લાજપોર જેલમાં હતો. હત્યાના 5 દિવસ પહેલા આરોપીને તેની પત્નીએ પેરોલ પર છોડાવ્યો હતો. હત્યારો બળાત્કારના કેસમાં સમાધાન કરવા મૃતક બાળકના પરિવારજનોને દબાણ કરતો હતો. જેનો બદલો લેવા માટે સાળાની હત્યા કરી હતી.

જેલના સાથી આરોપીને કહ્યું હતું કે, લડકે કો ખતમ કર દીયા હૈ
પોલીસે લાજપોર જેલમાં ડબલ્યુસીંગ રાજપૂતની નજીક હોય તેવા આરોપીની તપાસ શરૂ કરી હતી. પોલીસે જામીન પર છુટેલા બે આરોપીઓ પૈકી વિવેકસીંગને ઊંચકી લાવી હતી. વિવેક સીંગ સાથે ડબલ્યુ સીંગ વાત કરતો હતો. પોલીસ સ્ટેશનમાં વિવેક સીંગ પર ડબલ્યુસીંગનો ફોન આવ્યો હતો. વિવેકસીંગે પૂછ્યું કે તુ કહા હૈ, મે નીકલ ગયા હું, ઔર લડકે કો ખતમ કર દીયા હૈ, લાશ ડુમસ નદી કિનારે ફેંક દી હૈ, આ વાતને પોલીસે ગંભીરતાથી લઈ તપાસ કરાવતા બાળકની લાશ મળી હતી. હત્યારો ડબલ્યુસીંગ જે નંબરથી કોલ કર્યો તે નંબર આધારે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને અઢી મહિને પોલીસે આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો.

પોસ્ટમોર્ટમમાં હત્યાની ક્રુરતા સામે આવી
1 વર્ષના સાળાનું અપહરણ કરી તેને ડુમસ સાયલન્ટ ઝોન પાસે અવાવરુ ખંડેર જગ્યા પર લઈ જઈ માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં હત્યારો ત્યાંથી ભાગી ગયો હતો. બાળકની લાશનું પીએમ કરાયું જેમાં માથામાં અને છાતીની પાંસળીમાં ગંભીર ઈજાઓ થવાને કારણે મોત થયું હોવાનું તબીબે પોલીસને જણાવ્યું હતું. બાળકને પહેલા માથામાં ઈંટ મારી બાદમાં તેની છાતીની પાંસળીઓ તોડી નાખી હતી. હત્યારો સાળાને પનાસથી બીઆરટીએસ બસમાં મગદલ્લા એસ.કે.નગર લઈ ગયો હતો અને પછી ત્યાંથી રિક્ષામાં ડુમસ લઈ ગયો હતો.

અલગ-અલગ જગ્યા પર છુટક મજુરી કરતો હતો
આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગત 22 જુલાઈના રોજ સમાધાન માટે સાસરીમાં ગયો હતો. જ્યાં સાસુ અને સાળીને સમાધાન માટે વાત કરી હતી. જોકે, સાળીએ ઘરનો દરવાજો બંધ કરી દઈ પોલીસને બોલાવવાનું કહ્યું હતું. જેથી ગુસ્સામાં ઘરની બહાર રમતા સાળાનું અપહરણ કરી હત્યા કરી હતી. ત્યારબાદ ટ્રકમાં બેસી ભાગી ગયો હતો અને અલગ-અલગ જગ્યા પર છુટક મજુરી કામ કરી રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર આશરો લેતો હતો.