આદિવાસી સમાજના 40 વર્ષીય બ્રેઈનડેડ હીનાબેન રસીલભાઈ ચૌધરીના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. પરિવારે અંગદાન કરી માનવતાની મહેક ફેલાવવાની સાથે સમાજને નવી દિશા બતાવી છે. આજના અંગદાનથી દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યારસુધી 1001 અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે.
ખેંચ અને બ્રેઈન સ્ટ્રોક થયો હતો
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા જુનું ઢોડિયાવાડમાં રહેતા હીનાબેનને ગત સોમવાર તા.11 એપ્રિલના રોજ ખેંચ અને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેઓને વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. મંગળવાર 12 એપ્રિલના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ હીનાબેનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી હીનાબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી હીનાબેનના પતિ રસીલભાઈ, દિયર સુનીલભાઈ, પ્રવીણભાઈ અને રીતેશભાઈને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્યઃ પરિવાર
હિનાબેનના પતિ રસીલભાઈએ જણાવ્યું કે અમે આદિવાસી સમાજના છીએ. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે મારી પત્નીના અંગોનું દાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વધુમાં તેઓએ જણાવ્યું કે આજે સમાજમાં લોકો અંગદાન માટે આગળ આવતા નથી જેને કારણે જરૂરિયાતમંદ દર્દીઓને નવુંજીવન મળી શકતું નથી. ત્યારે સમાજને સંદેશો આપતા તેમને જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઈનડેડ થાય ત્યારે તેઓના અંગદાન માટે તેઓના પરિવારજનોએ આગળ આવવું જોઈએ. હિનાબેનની પુત્રી ખુશી ઉ.વ.15, ધોરણ 10માં અભ્યાસ કરે છે, પુત્ર ધ્યેય ઉ.વ.13 ધોરણ-8માં અભ્યાસ કરે છે. પતિ રસીલભાઈ જેઓ સુમુલ ડેરી સંચાલિત સુમુલ સખી ડેરી ફાર્મ ભાનાવાડી ખાતે એનિમલ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે.
બંને કિડની અને લિવર કિરણ હોસ્પિટલને ફાળવાયા
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં, બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 23 વર્ષીય યુવકમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ 50 વર્ષીય અને 54 વર્ષીય મહિલામાં કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. કિરણ હોસ્પિટલમાં કેડેવરિક કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને તેનો લાભ મળી રહ્યો છે.
અત્યાર સુધીમાં 914 વ્યક્તિઓને નવુજીવન બક્ષ્યું
આજના હીનાબેનના અંગદાન દ્વારા અત્યાર સુધી ડોનેટ લાઈફ દ્વારા દક્ષિણ ગુજરાતમાંથી 1001 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 420 કિડની, 179 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 324 ચક્ષુઓ સહીત કુલ 1001 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 914 વ્યક્તિઓને નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.