ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરથી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ખોડલધામમાં યોજાનારો આ કાર્યક્રમ રાજકીય રીતે પણ ખૂબ જ મહત્ત્વનો બની રહેશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને લેઉવા પટેલોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કામધંધો એક દિવસ માટે બંધ કરવો હોય તો બંધ કરી દેજો, પરંતુ આ કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહેજો.
આમંત્રણ અપાયા
ખોડલધામના સર્વેસર્વા નરેશ પટેલ દિવસ પર અલગ-અલગ કાર્યક્રમમાં હાજર રહીને પટેલોને આમંત્રણ આપતા રહ્યા હતા, પરંતુ એકપણ વખત તેમણે કડવા પાટીદારો વિશે એક શબ્દ બોલ્યા નહોતા. તેમણે એકપણ વખત એવી વાત ના કરી કે કડવા અને લેઉવા એટલે કે મા ખોડિયાર અને ઉમાના તમામ ભક્તો હાજર રહેજો. એ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવાનું ટાળતા દેખાયા હતા. સામાન્ય રીતે હંમેશાં જ્યારે પણ પાટીદારોની વાત આવે છે ત્યારે લેઉવા અને કડવા પાટીદારોને એક કરવા માટેના પ્રયાસો થાય છે. મા ઉમા ખોડલ બોલીને આ બંનેને એક કરવા માટેના પ્રયાસો કરતા હોય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે જોવા મળ્યું કે નરેશ પટેલ પોતે જ પોતાના પ્રવાસ દરમિયાન એકપણ વખત આ શબ્દનો ઉપયોગ ના કર્યો.
સરદાર સાહેબને યાદ કરાયા
રાજકીય રીતે પાટીદારોને લઈને છેલ્લા ઘણા દિવસથી જે પ્રકારની ઊથલપાથલ રાજકીય માહોલમાં જોવા મળી રહી છે. એ જોતાં ખોડલધામનો કાર્યક્રમ અતિમહત્ત્વનો બની રહેશે. નરેશ પટેલ જે પ્રકારનાં નિવેદનો આપતા હોય છે એ જોતાં રાજ્ય નિષ્ણાતો પણ માને છે કે તેઓ બંધમુઠ્ઠી લાખની માને છે. તેઓ સ્પષ્ટપણે ક્યારેય પણ કોઈ ફોડ પડતા નથી. તેમણે ગર્ભિત રીતે સમગ્ર પ્રવાસ દરમિયાન એક વાતનું સતત રટણ કરતા દેખાયા કે સરદાર પટેલ સાહેબે આપણને કહ્યું છે કે ઘરની વાત ઘરમાં રાખજો અને સિંહ જેવું કાળજું રાખજો. આવા નિવેદનમાં તેઓ રાજકીય રીતે શું ઘરની વાત ઘરમાં રાખવા માગી રહ્યા છે એ ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપના નેતાઓ ન દેખાયા
પાટીદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પ્રયાસો કરી રહી છે, પરંતુ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લેતા દેખાયા તેમજ કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો એકપણ નેતા નરેશ પટેલની આસપાસ ફરકતો દેખાયો નહોતો. રાતે અવસર ફાર્મમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ ભાજપનો એકપણ નેતા હાજર નહોતો, જેની નોંધ સૌકોઈ પાટીદારોએ લીધી હતી.કયા કારણસર ભાજપના એકપણ નેતા હાજર નહોતા, એને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સુરત શહેરના કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓની હાજરી નોંધનીય રીતે દેખાઈ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એકપણ નેતા પાટીદાર હોવાના નાતે પણ હાજર રહ્યો નહોતો. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું નરેશ પટેલથી અંતર રાખવા માગતા હતા. સુરત ભાજપના નેતાઓ? ભાજપને પણ ખ્યાલ છે કે ખોડલધામનો કાર્યક્રમ એક પ્રકારનું શક્તિપ્રદર્શન બની રહેવાનું છે, તો કયા કારણસર સુરતના કાર્યક્રમમાં એકપણ ભાજપનો નેતા હાજર ન રહ્યો એ રાજકીય રીતે પણ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.