સુરતમાં કેજરીવાલ 'ટાઢા' પડી ગયા:ભાજપનું નામ લીધા વિના કહ્યું- AAPના કાર્યકર્તાઓ પર હુમલા થઈ રહ્યા છે

સુરતએક મહિનો પહેલા
કેજરીવાલે શ્રીજીની મહાઆરતીમાં ભાગ લીધો.

સુરતના સીમાડા નાકા ખાતે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સભાને સંબોધવા સુરત આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટથી સીધા તેઓ સભા સ્થળ ઉપર પહોંચ્યા છે અને ત્યાં આપના રાજા ગણેશ મંડપમાં મહાઆરતીમાં ભાગ લીધો છે. ત્યારબાદ જનસભાને સંબોધતા કેજરીવાલે જણાવ્યું હતું કે, અમારા કાર્યકર્તાઓ પર હુમલા થઈ રહ્યા છે. કેજરીવાલે પોતાના સંબોધનમાં એકવાર પણ ભાજપનું નામ લીધું ન હતું.

સત્યના રસ્તા પર ચાલતા અડચળો આવશે જ
કેજરીવાલે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, અહીંયાથી વાઈબ્રેશન ખૂબ જ વધુ છે. અહીં પ્રભુ કણ-કણમાં ઉપસ્થિત હોય એવું લાગે છે. હું થોડા દિવસોથી ઘણો પીડામાં હતો. મનોજ સોરઠીયા પર હુમલો થયો હતો. માથું ફાડી નાખવામાં આવ્યું હતું. ત્રણ દિવસથી સૂઈ નથી શક્યો. આરતીમાં પણ આંખ બંધ કરી પ્રભુને પૂછ્યુ કે, અમારી શું ભૂલ હતી. અમે તો સેવા કરી રહ્યા છીએ. છતાં અમારા કાર્યકર્તાઓ પર કેમ હુમલા થઈ રહ્યા છે. ખુદ પ્રભુ બોલતા હોય એવું લાગ્યું અને કહ્યું કે સત્યના રસ્તા પર ચાલતા અડચળો આવશે જ. આ રસ્તા પર ચાલશો તો મારા આશીર્વાદ તમારી સાથે છે.

ઈજાગ્રસ્ત હાલતમાં મનોજ સોરઠીયા હાજર રહ્યા.
ઈજાગ્રસ્ત હાલતમાં મનોજ સોરઠીયા હાજર રહ્યા.

ભાજપે લોકોના હાથમાં લાકડી અને બંદૂક આપીઃ મનોજ સોરઠીયા
કેજરીવાલની સભાનું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે ત્યાં થોડા દિવસ પહેલાં આપના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો હતો. જેમાં મનોજ સોરઠીયાના માથામાં ઈજા પહોંચી હતી. કેજરીવાલ ગણેશ પંડાલમાં પહોંચ્યા ત્યારે મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં મનોજ સોરઠીયાએ કેજરીવાલ સાથે શ્રીજીની મહાઆરતીમાં ભાગ લીધો હતો. મનોજ સોરઠીયા કહ્યું હતું કે અહીંયા ગણપતિની સ્થાપના ન થાય, આપની વાત ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપે લોકોના હાથમાં લાકડી અને બંદૂક આપી છે.

વિધાનસભાની થીમ પર પંડાલ બનાવ્યો.
વિધાનસભાની થીમ પર પંડાલ બનાવ્યો.

પાટીદારોમાં વધતી લોકપ્રિયતાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતમાં વારંવાર પ્રવાસ કરી રહ્યા છે. સુરતએ રાજકારણનું એપી સેન્ટર છે અને વિશેષ કરીને પાટીદારોના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને વધતી લોકપ્રિયતાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આજે સીમાડા નાકા ખાતે ગણેશ મંડપમાં આમ આદમી પાર્ટીના નેતાઓની હાજરીમાં મહાઆરતી અરવિંદ કેજરીવાલના હસ્તે કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ ઉપર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા.

'આપ'ના રાજાના બેનર હેઠળ ગણેશોત્સવનું આયોજન કરાયું છે.
'આપ'ના રાજાના બેનર હેઠળ ગણેશોત્સવનું આયોજન કરાયું છે.

જાહેર થયેલા ઉમેદવારોએ કરનાર કામની માહિતી આપી
આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે પૈકીના સુરત શહેરના બે ઉમેદવારોના નામ જાહેર થયા છે. કામરેજ વિધાનસભા બેઠક અને ચોર્યાસી વિધાનસભા બેઠકના ઉમેદવારો પણ અહીં સ્ટેજ ઉપર આમ આદમી પાર્ટીની વાત કરતા નજરે પડ્યા હતા. ઉમેદવારી નોંધાયા બાદ તેઓ પોતાના વિસ્તારમાં કયા પ્રકારના કામ કરનાર છે અને અરવિંદ કેજરીવાલ જે પ્રકારની ગેરંટી આપી રહ્યા છે તેને કેવી રીતે અમલી કરવામાં આવશે તે અંગેની પણ વિસ્તૃત વાત કરવામાં આવી રહી છે.

લોકોએ મોબાઈલની ટોર્ચથી મહાઆરતીમાં ભાગ લીધો.
લોકોએ મોબાઈલની ટોર્ચથી મહાઆરતીમાં ભાગ લીધો.
પાટીદારોના ગઢમાં યોજાયેલી કેજરીવાલની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.
પાટીદારોના ગઢમાં યોજાયેલી કેજરીવાલની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.