કેજરીવાલ ગુજરાતના પ્રવાસે:દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા, કહ્યું- દસ-બાર દિવસમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે

સુરત5 મહિનો પહેલા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. - Divya Bhaskar
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ.
  • સુરતમાં નાઈટ મેરેથોનના કારણે દિલ્હીના CM કેજરીવાલનું સર્કિટ હાઉસના બદલે ખાનગી હોટલમાં રાત્રી રોકાણ
  • નાઈટ મેરેથોનના આયોજનના કારણે સર્કિટ હાઉસમાં સિક્યુરિટી રીઝન હોવાથી સ્થળ બદલ્યું

રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે નેતાઓને ગુજરાતમાં મુલાકાતો વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ પણ ગુજરાતની મુલાકાત તો કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ સુરત ખાતે પહોંચ્યા છે. કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, દસ-બાર દિવસમાં ગુજરાતમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.અરવિંદ કેજરીવાલ આવતીકાલે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપશે. BTP સાથેના ગઠબંધન બાદ ભરૂચ જિલ્લાની અંદર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી તો ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થયા બાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તનાવ છે. આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં તૈયારી કરવા માટે વધુ સમય ન મળે તેના માટે સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, આગામી 10થી 12 દિવસમાં વિધાનસભાને ભંગ કરીને ચૂંટણીની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી શકે છે.

પંજાબના પટિયાલા ખાતે જે હિંસા થઈ છે તેમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. સરકાર દ્વારા ત્યાં હિંસક ઘટનાને રોકવા માટેના પગલાં લેવાયા છે. હાલ સમગ્ર સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. હિંસા ફેલાવવાવાળા કોઈ પણ પક્ષના હોય દરેકની સામે સખ્તાઇપૂર્વકના પગલાં લેવામાં આવશે.

બીજી બાજુ ગુજરાતના નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા યોજવામાં આવેલી આ બેઠક અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે શું ભાજપ આગામી સપ્તાહે ગુજરાત વિધાનસભા ભંગ કરી ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યો છે? શું આપથી આટલો ડર છે?

કેજરીવાલ ખાનગી હોટલમાં રોકાયા
આપના આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ સુરતમાં સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવાના હતા પરંતુ તેમના રાત્રી રોકાણના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુરતમાં નાઈટ મેરેથોન હોવાથી સર્કિટ હાઉસમાં સિક્યુરિટી રિઝનના કારણે રોકાણનું સ્થળ બદલવામાં આવ્યું છે અને ખાનગી હોટલમાં રાત્રી રોકાણ કરશે.

સર્કિટ હાઉસ તરફના રસ્તા ઉપર વધુ ભીડની શક્યતા
અરવિંદ કેજરીવાલ પહેલા સુરત એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ જવાના હતા. પરંતુ નાઈટ મેરેથોનના કારણે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લેવાના હોવાથી સર્કિટ હાઉસ તરફના રસ્તા ઉપર વધુ ભીડ જોવા મળે તેવી શક્યતાને ધ્યાને લેતા અરવિંદ કેજરીવાલે સિક્યુરિટીને ધ્યાને રાખીને તેમને ખાનગી હોટેલમાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે.

સર્કિટ હાઉસમાં ખાવાની તો ઠીક પીવાના પાણીની વ્યવસ્થા નથીઃ આપ પ્રવક્તા
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી અરવિંદ કેજરીવાલની ટીમ સુરત ખાતે છે. સર્કિટ હાઉસમાં ખાવાની તો ઠીક પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી. બે દિવસથી જે ટીમ આવી છે તેમણે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલના રાત્રી રોકાણ માટે સ્થળ ફેરફાર કરવા માટે સૂચન કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને અડાજણ ખાતેની ખાનગી હોટલમાં રાત્રી રોકાણની વ્યવસ્થા કરવી પડી છે. તેઓ સવારે અહીંથી ભરૂચ ખાતે માલજીપુરામાં છોટુ વસાવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.