સ્ત્રીસશક્તિકરણ:સુરતના કાજલ ત્રિવેદી નોકરી છોડી છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓને આત્મનિર્ભર કરવાનું કાર્ય કરી રહ્યાં છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ દરમિયાન 50 હજાર કરતાં વધુ બાળકીઓને 1 લાખથી વધુ સેનેટરી પેડનું વિતરણ કર્યું

મહિલાઓને આત્મનિર્ભર કરવા અને તેમની સ્વસુરક્ષા માટે શહેરના કાજલ ત્રિવેદી ઊંચા પગારની ખાનગી કંપનીની નોકરી છોડી મહિલાઓને રોજગારી અપાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી કાજલ ત્રિવેદીએ પોતાનું જીવન અન્ય મહિલાઓને રોજગારી મેળવવામાં મદદરૂપ થવામાં સમર્પિત કરી દીધું છે. ત્રણ વર્ષ દરમિયાન 50 હજાર કરતા વધુ બાળકીઓને 1 લાખથી વધુ સેનેટરી પેડ અને 1 લાખ હજાર જેટલા નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. તેઓ સુરત સહિત અન્ય શહેરોની મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે.

મહિલાઓ માટે એક મેગાસ્ટોર શરૂ કરીશ, જેમાં માત્ર મહિલાઓ જ હશે
હું ત્રણ વર્ષથી મહિલાઓને રોજગારી અપાવવાનું કાર્ય કરું છું. મહિલાઓને આત્મનિર્ભર ભારત હેઠળ ગ્રુમિંગ કરવું, ટ્રેનિંગ આપવી, કંપની સાથે જોડવામાં તેમને મદદ કરવી એ રીતે કાર્યરત છું. સુરતની આજુબાજુના ગામમાં જઈ તેમને મહિલાઓને રોજગારી મળે તે માટે વિવિધ રીતે પ્રયાસ કરું છું. જેના માટે મહિલા ગૃહ ઉદ્યોગ નામે સંસ્થા શરૂ કરી છે. આ રીતે અત્યાર સુધી 500 બહેનોને રોજગારી અપાવી છે. જેના માટે ખાખરા- પાપડની ફેકટરી શરૂ કરી. જેમાં મુખ્યત્વે અદિવાસી મહિલાઓ કામ કરે છે.

પાપડ-ખાખરાના વેચાણમાંથી જે નફો થાય તેમાંથી આદિવાસી મહિલાઓની તરુણ પુત્રીઓને સેનેટરી નેપકીન અને નોટબુકનું વિતરણ કરું છું. જેલની બહેનોની પણ ટ્રેનિંગ આપીને અને જેલમાં બેસીને જ તેમને રોજગાર મળી રહે તે પ્રયાસ કરું છું. સાથે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમો કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરું છું. મહિલાઓ માટે એક મેગા સ્ટોર શરૂ કરીશ. જેમાં ફક્ત સખી મંડળની બહેનો કામ કરશે . આ સ્ટોર ફક્ત મહિલાઓ માટે જ હશે. સ્ટોરમાં કામ કરતી મહિલાઓને તો રોજગારી મળશે જ પરંતુ આજુબાજુના ગામની મહિલાઓ પણ ત્યાંથી કોઈપણ વસ્તુ ખરીદીને પોતાના ગામમાં વેચીને રોજગારી મેળવી શકશે.

આદિવાસી બાળકીઓની સ્થિતિ જોઇ સેનેટરી પેડ્સ વિતરણનો વિચાર આવ્યો
એક વખત આદિવાસી વિસ્તારમાં જોયું કે ગરીબ બાળકીઓ પાસે સેનેટરી પેડ્સ માટે પણ રૂપિયા ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. મેં એ દિવસથી જ મહિલાઓને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનું અને સેનેટરી નેપકીન મફત મળી રહે તે માટેનું કાર્ય કરવાનું નક્કી કર્યું હતું. પ્રથમ વખત સેમિનારમાં ફક્ત 3 મહિલાઓ આવી હતી. આજે લોકો જાતે મારો સંપર્ક કરીને મને સેમિનાર માટે બોલાવે છે.

અન્ય સમાચારો પણ છે...