સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 'મોદી' અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે, જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધી આ કેસ લઈને હાઇકોર્ટમાં જશે એવું જાણવા મળ્યું છે.
કર્ણાટકના કોલાર ગામમાં 13 એપ્રિલ 2019ના દિવસે સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીસભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમના વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણીઓ થઈ અને આજે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે તે મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
ચુકાદાને આવકારું છું-પૂર્ણેશ મોદી
સુરતના ધારાસભ્ય અને મોદી અટક પર થયેલી ટિપ્પણીને લઈને કોર્ટમાં કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન અંગે અમે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટે અમારી ફરિયાદ ગ્રાહ્ય રાખી હતી અને આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને હું આવકારું છું.
રાહુલ ગાંધી હાઈકોર્ટ જશે
બચાવપક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું હતું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જોકે અમને પૂર્ણ ભરોસો છે કે હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે.
રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીનું વિધાન ટ્વીટ કર્યું
સુરત કોર્ટે ચુકાદો આપ્યા પછી રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના વિધાનને ટાંકીને ટ્વીટ કર્યું હતું. મેરા ધર્મ સત્ય ઔર અહિંસા પર આધારિત છે. સત્ય મેરા ભગવાન હૈ, અહિંસા ઉસે પાને કા સાધન. - મહાત્મા ગાંધી.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાઈના સમર્થનમાં ટ્વીટ કર્યું
ગભરાયેલી સત્તા સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીના અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે. મારો ભાઈ ક્યારેય કોઈનાથી ડર્યો નથી અને ડરશે પણ નહીં. સાચું બોલતા રહેશે. દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. સત્યની તાકાત અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે.
જામીન મળી ગયા-વકીલ
રાહુલ ગાંધીના વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે 499 અને 500 મુજબ દોષિત જાહેર થયા છે. આમાં લાંબી સજાની જોગવાઈ નથી. જામીન મળી ગયા છે. નૈષધ દેસાઈ અને હસમુખ દેસાઈ રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે.
કાયદા ઘડનારા ઉલ્લંઘન કરે તેને માફ ન કરાય-ફરિયાદી પક્ષ
ફરિયાદી પક્ષ વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે કાયદાના ઘડનારા જ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને માફ કરી શકાય નહીં. જેથી રાહુલ ગાંધીને સજા થાય એ માટેની દલીલ કરવામાં આવી છે.
અમે દયા અરજી નહીં કરીએ-બચાવપક્ષ
રાહુલ ગાંધી વિશે તેમના વકીલે જવાબ આપ્યો કે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. કોઈને નુકસાન થયું નથી. એવું કંઈ સામે આવ્યું નથી. અમારે કોઈપણ પ્રકારની દયા અરજી કરવી નથી.
શું છે કેસ?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં, એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
સ્વાગત માટે ત્રણ પોઇન્ટ નક્કી કરાયા
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવ્યા છે. આજે સુરત કોર્ટમાં 11:00 વાગ્યે હાજર રહ્યા. ભારત જોડો યાત્રા બાદ ગુજરાતમાં સુરત ખાતે પહેલી વખત આવ્યા છે, ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમના સ્વાગતની વિશેષ તૈયારી કરવામાં આવી. સ્વાગત માટે ડુમસ ચોકડી પાસે પહેલો પોઇન્ટ, વેસુ એનઆઇટી પાસે બીજો અને પૂજા અભિષેક એપાર્ટમેન્ટ પાસે ત્રીજો પોઇન્ટ બનાવવામાં આવ્યો . આ ત્રણેય પોઇન્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું.
વહેલી સવારથી જ નેતાઓએ ધામા નાખ્યા
રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વાત કરી હતી. એમાં તેમણે નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદી સરનેમનો ઉલ્લેખ કર્યો હોવાથી સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત સેશન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એમાં ચુકાદાની તારીખ 23 માર્ચ આપવામાં આવી હતી. જેથી આજરોજ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થશે. એને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે.
રાહુલ ગાંધીને પરેશાન કરાઈ રહ્યા છેઃ રઘુ શર્મા
ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે રાહુલ ગાંધીને માત્ર રાજકીય કિન્નાખોરીથી પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે રાહુલ ગાંધીને પરેશાન કરવામાં આવ્યા હતા. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, એટલે હજી સુધી કાર્યકર્તાઓ સાથે મળવાનો તેમનો કોઈ ઔપચારિક કાર્યક્રમ નક્કી થયો નથી. આ પ્રકારના કેસમાં ન્યાયની અપેક્ષા અમે રાખીએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.