હોબાળો:વરાછાની જોયસ સ્કૂલે સ્કાઉટના નામે રૂ. 6 હજાર માંગતાં હોબાળો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો વિદ્યાર્થીઓને રૂપિયા ભરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ
  • વાલીઓએ ફરિયાદ કરતાં DEOએ તપાસના આદેશ આપ્યા

વરાછાની જોયસ પ્રાઇમરી ઇંગ્લિશ સ્કૂલે વિદ્યાર્થીઓ પાસેથી સ્કાઉટના નામે 6 હજાર રૂપિયા માગ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રૂપિયા આપવા માટે દબાણ પણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે. આ અંગે ડીઇઓને ફરિયાદ મળતાં તેમણે તાકીદે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને તપાસના આદેશ આપ્યા છે.

આ મુદ્દે વાલી મદન ભાટિયાએ બુધવારે ડીઇઓને લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સંપૂર્ણ સ્વેચ્છાએ સ્કાઉટની સ્પર્ધામાં ભાગ લેતા હોય છે અને મહેનત કરતા હોય છે. આવી સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓને ઇનામ પણ મળતા હોય છે. જો કે, સ્કાઉટના નામે સ્કૂલના ટીચરો રૂપિયા માંગી રહ્યા છે. અમદાવાદ ખાતે સ્કાઉટની સ્પર્ધા યોજાય રહી છે. તેવામાં જ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2300 ટ્રાન્સપોર્ટેશન ખર્ચ માંગ્યો હતો. વાલીઓ તે ભરવા માટે તૈયાર પણ થયા હતા. જો કે, ત્યાર પછી રૂ. 6 હજાર માંગ્યા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને રૂપિયા ભરવા માટે ફોર્સ પણ કરી રહ્યા છે. આ મામલે અમે પૂછતાછ કરી તો સ્કૂલની મેનેજમેન્ટ પણ યોગ્ય જવાબ આપી રહી નથી. જેથી આ સમસ્યાનું જલદીથી નિવારણ આવે એવી અમારી રજૂઆત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિવાદાસ્પદ મામલે જોયસ ઇંગ્લિશ સ્કૂલના સંચાલકનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પણ થઇ શક્યો ન હતો.

ફરિયાદના આધારે તપાસ સોંપાઈ છે
વાલીની લેખિતમાં ફરિયાદ મળી છે. જેથી ઇઆઇ અને એડીઆઇને સ્કૂલ પર જઇને તપાસ કરવા આદેશ કરાયો છે. જેમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. > એચ. એચ. રાજ્યગુરૂ, ડીઇઓ, સુરત

અન્ય સમાચારો પણ છે...