સુરતની રબર ગર્લ છવાઈ:14 વર્ષની દિવ્યાંગ અન્વીની સંઘર્ષની કહાની PM મોદીએ મન કી બાતમાં જણાવી, જન્મથી જ હૃદયમાં બે હોલ છતાં શરીરનાં અંગો રબરની જેમ વાળી શકે છે

સુરત2 મહિનો પહેલા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે મન કી બાતમાં સુરતની રબર ગર્લ તરીકે જાણીતી 14 વર્ષની દિવ્યાંગ અન્વી ઝાંઝરુકિયાનાં સંઘર્ષ અને સફળતાની કહાનીનો ઉલ્લેખ કરાયો હતો. જેને લઇ પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. 14 વર્ષની દિવ્યાંગ આજે બીજા લોકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્વીને જન્મથી જ હૃદયમાં બે હોલ છતાં શરીરનાં અંગો રબરની જેમ વાળી શકે છે.

દિવ્યાંગ હોવા છતાં વિશ્વ ફલક ઉપર છવાઈ
સુરતના અડાજણમાં રહેતી 14 વર્ષની અન્વી જન્મથી જ દિવ્યાંગ છે અને તે આજે દિવ્યાંગ હોવા છતાં વિશ્વ ફલક ઉપર છવાઈ ગઈ છે. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક યોગાને તેણે પોતાના જીવનમાં ઉતાર્યો છે. ત્યારે 14 વર્ષની આ દિવ્યાંગ બાળકી સમગ્ર દેશમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ યોગા કરી રહી છે. તેનાં અંગ રબરની જેમ વાળીને સર્વ શ્રેષ્ઠ યોગા કરી રહી છે. જે અંગેની જાણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને થતાં આજે મન કી બાતમાં આ બાળકીની સંઘર્ષ અને સફળતાની કહાની સમગ્ર દેશમાં વર્ણવી હતી. જેને લઇ અન્વીના પરિવારમાં અનેરી ખુશી અને હર્ષનાં આંસુ છલકાઈ ગયાં હતાં.

અન્વી જન્મથી જ દિવ્યાંગ
સુરતના અડાજનમાં આવેલા બ્લુ લાઈફ એપાર્ટમેન્ટમાં રહેતા ઝાંઝરુકિયા પરિવારમાં 2008માં અન્વીનો જન્મ થયો હતો. અન્વીનાં માતા અવની ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે 2 જૂન 2008 ના રોજ અન્વીનો જન્મ થયો ત્યારે તે જન્મથી જ દિવ્યાંગ હોવાની ખબર પડી હતી. અન્વીને આંતરડાંની તકલીફ છે. 75% આંતરડું અન્વીનું કામ કરતું નથી, જેને હર્ષસ્પૃગ ડિસીઝ બીમારી કહે છે, જેનો કોઈ ઈલાજ નથી, જેને લઇ તેને ગેસ વધુ રહે છે અને વારંવાર ટોઇલેટ જવું પડે છે. ઉપરાંત જન્મથી જ ડાઉનસિન્ડ્રોમ્સ છે એટલે કે તેનો માનસિક અને શારીરિક વિકાસ ધીમો છે. જન્મથી જ હૃદયમાં બે હોલ આવ્યાં છે .જેમાં અન્વી ત્રણ માસની હતી ત્યારે ઓપન હાર્ટ સર્જરી પણ કરાવી છે. અને હજુ એક વાલ્વ લીકેજ છે જેનું ઓપરેશન કરાવવું પડે તેમ છે. આ વાલ્વ ડેમેજ થાય ત્યારે ફરી ઓપન હાર્ટ સર્જરી કરી બદલવો પડશે તેવું ડોક્ટરે જણાવ્યું છે. આટલી તકલીફ હોવા છતાં અન્વી યોગાનાં તમામ આસનો એકદમ ઉત્તમ રીતે કરે છે, અને શરીરનાં તમામ અંગો રબરની જેમ વાળી શકે છે. જેથી અન્વીની આ ખૂબીને દેશના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ફલક ઉપર મન કી બાત થકી પહોંચાડી હતી.

અન્વીએ રાજ્ય અને દેશ લેવલે એવોર્ડ મેળવ્યા છે.
અન્વીએ રાજ્ય અને દેશ લેવલે એવોર્ડ મેળવ્યા છે.

પરિવારમાં હર્ષનાં આંસુ છલકાયાં
દીકરી પિતા માટે વહાલનો દરિયો હોય છે. પરિવારમાં પહેલું જ સંતાન 14 વર્ષની અન્વીનો જન્મ થયો ત્યારે તેના પિતા ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અન્વીના પિતા વિજય ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે 2008માં પહેલા જ સંતાનમાં દીકરી તરીકે મારે અન્વીનો જન્મ થયો. ત્યારે ખુશીનો પાર રહ્યો નહોતો.પરંતુ સાથે જ થોડા સમય બાદ જાણવા મળ્યું કે અન્વી અન્ય બાળકોની જેમ નથી તે ખૂબ જ તકલીફો સાથે જીવન લઈને આવી છે અને તે આજીવન આ જ બીમારી સાથે દિવ્યાંગ રહેવાની છે. ત્યારે મેં ભગવાનને ખૂબ કોશ્યા હતા. એક બાળકી સાથે આવું શા માટે કર્યું પરંતુ ભગવાનનો પ્રસાદ, વડીલોના આશીર્વાદ અને માતા-પિતાના સંસ્કાર સાથે દીકરીને આગળ વધારતાં ગયાં. આજે આ જ દિવ્યાંગ દીકરીએ મા-બાપનું નામ રોશન કરી બતાવ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા અને સલાહ લેવા આખું વિશ્વ આવે છે. આખા વિશ્વમાં યોગને મહત્ત્વ અપાવનાર પ્રધાનમંત્રી આજે મારી 14 વર્ષની દીકરીને પ્રેરણારૂપ માને છે. તેને લઈને અમને ખૂબ જ ખુશી થઈ છે. પ્રધાનમંત્રીને મળવાનું સ્વપ્ન આજે મારી 14 વર્ષની દીકરીએ પૂરું કરી બતાવ્યું છે. આજે સમગ્ર દેશમાં દિવ્યાંગ દીકરીએ ઝાંઝરુકિયા પરિવારનું નામ રોશન કરી બતાવ્યું છે.

અન્વીએ યોગમાં કાઠું કાઢ્યું.
અન્વીએ યોગમાં કાઠું કાઢ્યું.

દરેક દિવ્યાંગમાં એક ખૂબી હોય છે તે ઓળખવી જરૂરી છે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અનવીના પિતા વિજય ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે ભગવાન દિવ્યાંગ બાળકોને જન્મ આપે છે પરંતુ તેનામાં કોઈ ને કોઈ વિશેષ ખૂબી મોકલી હોય છે. આ ખાસિયતને માત્ર ઓળખવાની જરૂર છે. 14 વર્ષની આ અન્વી ભલે નાનપણથી જ દિવ્યાંગ છે. તેનો માનસિક અને શારીરિક વિકાસ ધીમો થાય છે. તે વ્યવસ્થિત બોલી શકતી નથી. તેમ છતાં તેનાં અંગો રબરની જેમ મૂવમેન્ટ કરી શકે છે. એ તેની એક ખૂબી છે અને તે ખૂબીના માધ્યમથી જ તેના જેવા સમગ્ર દેશમાં કોઈ જ યોગા કરી શકે તેમ નથી. અને તેના જ કારણે આજે સમગ્ર દેશ અને વિશ્વ માટે એક પ્રેરણાનું માધ્યમ બનીને ઊભરી આવી છે. આજે સમગ્ર દેશવાસીઓને 14 વર્ષની દિવ્યાંગ અન્વી યોગ માટેની વિશેષ પ્રેરણા આપી રહી છે.

અન્વી પોતાનાં અંગો રબરની જેમ વાળી શકે છે.
અન્વી પોતાનાં અંગો રબરની જેમ વાળી શકે છે.

યોગથી હૃદયના વાલ્વનું ઓપરેશન અટકી ગયું
અન્વીની માતા અવનિ ઝાંઝરુકિયા સાથે વાત થતાં જણાવ્યું હતું કે અન્વીને જન્મથી જ હૃદયમાં બે હોલ આવ્યા છે. જેમાં એકનું તો ત્રણ મહિનામાં જ ઓપન હાર્ટ સર્જરી કરી ઓપરેશન કરાવ્યું હતું. જ્યારે બીજા હોલના ઓપરેશન માટે ડોક્ટરે 10 વર્ષ પછી વાલ્વ બદલવો પડશે તેવું કહ્યું હતું. પરંતુ અન્વીના યોગના કારણે આ ઓપરેશન કરાવવાની નોબત આવી નથી. ત્રણ મહિના પહેલાં જેટલું વાલ્વ લીકેજ હતું તેટલું જ લીકેજ અત્યારે છે. જેથી ડોક્ટરે હવે કીધું છે કે 30થી 35 વર્ષની અન્વી થાય ત્યાં સુધી વાલ્વ બદલવાની જરૂર પડશે નહીં. અન્વીને આંતરડાંની સમસ્યાના કારણે ટોઇલેટ જવા માટે રોજ 60 એમએલ લેકસેટિવ દવા લેવી પડતી હતી જે છેલ્લાં બે વર્ષથી 1 એમએલ કરતાં પણ ઓછી આપવી પડે છે. અન્વી રોજ સવારે 7વાગે ઊઠીને એક કલાક યોગા પ્રેક્ટિસ કરે છે. અને સ્કૂલેથી આવ્યાં બાદ સાંજે સાડા છથી સાડા સાત યોગા ક્લાસ પર યોગા કરે છે.

અન્વીને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે.
અન્વીને ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે.

અન્વી પ્રધાનમંત્રીને નમો દાદાથી સંબોધે છે
પ્રધાનમંત્રી દ્વારા સુરતની 14 વર્ષની દિવ્યાંગ દીકરીની સંઘર્ષની સફળતાની જે કહાની મન કી બાતમાં ચલાવવામાં આવી , ત્યારે દિવ્ય ભાસ્કર સાથે અન્વીએ વાત કરી હતી. જેમાં તેણે કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીને તે નમો દાદા કહીને જ બોલાવે છે. પ્રધાનમંત્રીને મળવાની તેને ખૂબ જ ઈચ્છા હતી અને તેનું સપનું હતું. જે 10 સપ્ટેમ્બરે 2022ના રોજ પૂરું થયું હતું. 10 સપ્ટેમ્બર દિલ્હી ખાતે પ્રધાનમંત્રીએ મળવા બોલાવ્યાં ત્યારે મેં તેમને નમો દાદા કહીને બોલાવ્યા હતા. પ્રધાનમંત્રીએ મને ત્યારે બે ચોકલેટ પણ આપી હતી અને હું ખૂબ ખુશ થઈ ગઈ હતી.

અન્વીનાં અંગો અન્ય બાળકો કરતાં ખૂબ વિશેષ મૂવમેન્ટ કરતાં હતાં.
અન્વીનાં અંગો અન્ય બાળકો કરતાં ખૂબ વિશેષ મૂવમેન્ટ કરતાં હતાં.

સ્કૂલમાંથી તેની અંદરની ખૂબીને ઓળખી હતી
સુરતના નરથાણ વિસ્તારમાં આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ શાળામાં અન્વી પહેલેથી જ અભ્યાસ કરે છે. આ શાળામાં કુલ 2000 બાળકોમાં 42 બાળકો દિવ્યાંગ છે. અને આ તમામમાં અન્વી ખૂબ જ અલગ ઊભરી આવતી હતી. શાળાના ટ્રસ્ટી પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અન્વી શાળામાં સામાન્ય વિદ્યાર્થીઓની વચ્ચે જ રહીને અભ્યાસ કરે છે. દરમિયાન અન્વીનાં અંગો અન્ય બાળકો કરતાં ખૂબ વિશેષ મૂવમેન્ટ કરતાં હતાં. જે તેની આ વિશેષ ખૂબી હોવાનું લાગી રહ્યું હતું. ત્યારે વર્ષ 2018માં અન્વીને શાળાના યોગા ટીચરને મળાવી હતી. યોગા શિક્ષકે અન્વીની અંદર રહેલી ખૂબીને ઓળખી કાઢી હતી. 2018માં અન્વી તેનો પગ માથા સુધી પણ લઈ જઈ શકતી ન હતી. પરંતુ તેને યોગ્ય તાલીમ આપ્યા બાદ પોતાના સંઘર્ષથી આજે અન્વી સમગ્ર દેશમાં સૌથી સારામાં સારા યોગાના આસનો કરી શકે છે. અન્વી જે રીતનાં આસનો કરે છે તેવા કદાચ અન્ય કોઈ જ વ્યક્તિ કરી શકતું નથી. પ્રધાનમંત્રીએ આજે તેની સફળ સ્ટોરી સમગ્ર દેશ સમક્ષ રજૂ કરતા એક શિક્ષક તરીકે અમને પણ ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે. આજે અન્વી શાળાનાં નોર્મલ બાળકો માટે પણ ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...