સુરતના પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી ડિવોર્સી મોડેલ પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તેની સાથે માતાના ઘરે ઉમરવાડા ખાતે અઠવાડીયા રહેવા ગઈ હતી ત્યારે તેના બંધ ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા રૂ.1.08 લાખ અને સોનાચાંદીના દાગીના મળી અંદાજે 2 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.બીજી તરફ ઉન પાટિયાના કપડા વેપારીએ મેસોની ઓનલાઇન શોપીંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ખરીદેલા ડ્રેસના રૂપિયા રીટર્ન મેળવવા જતા ભેજાબાજે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી રૂ. 80,521 ઉપાડી લીધાની ફરીયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાય છે.
પુત્રીને સ્કૂલ મુકવા ગયા હતા
મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતના પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી 26 વર્ષીય ડિવોર્સી પિંકીબેન દુબે બેલ્જીયમ સ્કવેર ખાતે મોડેલીંગનું કામ કરે છે.તેની સાત વર્ષની પુત્રીની સ્કૂલ શરૂ થવાની હોય તે ગત 10 મી ની રાત્રે પોતાના ઘરને લોક મારી ઉમરવાડા નવા કમેલા ખાતે રહેતી માતાના ઘરે રહેવા ગઈ હતી.બીજા દિવસે સવારે 11 વાગ્યે તેના ઘરે પાણીની બોટલ મુકવા આવતા યુવાને ફોન કરી પૂછ્યું હતું કે પાણીની બોટલ અંદર મુકું કે બહાર? આથી પિંકીબેને ઘરે તાળું છે તો બોટલ બહાર મૂકી દે તેમ કહેતા યુવાને તાળું તૂટેલું છે તેમ કહ્યું હતું.તે સમયે જ મકાન માલિકની પત્ની પૂજા નીચે ઉતરતા પિંકીબેને તેને ઘરમાં જઈ તપાસ કરવા કહેતા તેણે અંદર જોયું તો સામાન વેરવિખેર હતો.
તિજોરીમાંથી ચોરી
ઘરમાં ચોરી થયાની જાણ થતા પિંકીબેન માતા સાથે ઘરે દોડી ગઈ હતી.તસ્કરોએ ઘરનું તાળું તોડી અંદર મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી ખાનામાં રાખેલા રૂ.91,500 ની મત્તાના સોનાચાંદીના દાગીના અને રોકડા રૂ.1.08 લાખ મળી કુલ રૂ.1,99,500 ની મત્તાની ચોરી કરી હતી.બનાવ અંગે પિંકીબેને ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પૈસા રિટર્ન માગ્યા હતા
ઉન પાટિયાના શાલીમાર પાર્કમાં રહેતા અને ફેરી ફરી કપડાનો ધંધો કરતા તનવીર અહેમદ શબ્બીર અહેમદ સૈયદ (ઉ.વ. 50) એ ગત ઓગસ્ટ મહિનામાં મેસોની ઓનલાઇન શોપીંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ડ્રેસ મંગાવ્યો હતો. પરંતુ ડ્રેસની સાઇઝ નાની હોવાથી ગુગલ પર સર્ચ કરી મેસો કંપનીના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. તનવીરે ડ્રેસ રીટર્ન કરવાની વાત કરી હતી. કોલ રિસીવ કરનારે અમારી કંપની તરફથી ડ્રેસ રીટર્ન નહીં થશે પરંતુ તમારા પૈસા રીટર્ન થઇ જશે અને તેના માટે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.
ગણતરીના સમયમાં છેતરપિંડી
તનવીરે એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં જણાવેલી બેંક સહિતની તમામ માહિતી સબમિટ કરતા ગણતરીની મિનીટોમાં રૂ. 80,521 ઉપાડયાનો મેસેજ આવ્યો હતો. તનવીરે તુરંત જ સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. તનવીરે રૂપિયા ઉપાડી લેનારનો નંબર મેળવી તેના પર સંર્પક કર્યો હતો. પરંતુ તેણે પોતાનું એકાઉન્ટ સીઝ થયું છે અને તે ખોલાવવા બદલ અવેજમાં રૂ. 15 હજાર પણ ચુકવ્યા હતા. પરંતુ ત્યાર બાદ ફોન રિસીવ કર્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.