ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દર વર્ષે શહેરમાં અલગ અલગ પતંગો અને ફીરકીઓ બજારમાં આવતી રહે છે. પરંતુ સુરતમાં એક જ્વેલર્સે ચાંદીની પતંગ-ફીરકી તૈયાર કરવામાં આવી છે. ગ્રાહકની ખાસ ડીમાન્ડ પર ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવ્યા છે. લોકો તેનો ઉપયોગ શુભ પ્રસંગમાં યુનિક ભેટ આપવા માટે કરે છે. તો ચાંદીમાં નાની પતંગ અને નાની ફીરકી ઉતરાયણમાં ભગવાન પાસે મૂકવા માટે વધુ ડિમાન્ડમાં રહે છે.
ચાંદીની ફીરકી અને પતંગ આકર્ષણનું કેન્દ્ર
પ્રસંગ હોય કે તહેવાર ખાણીપીણી હોય કે પછી પ્રવાસ દરેક પળને પોતાના અલગ અંદાજમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવાને કારણે દુનિયાના દરેક ખૂણે સુરતીઓએ આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે આવનારા ઉત્તરાયણ પર્વને પણ યાદગાર અને અનોખો બનાવવા માટે સુરતમાં ઘોડદોડ રોડ પરના જ્વેલર્સ વેપારી દ્વારા બનાવવામાં આવી છે. ચાંદીની ફીરકી અને ચાંદીના પતંગ. દર વખતે આ જ પ્રમાણે કંઈક યુનિક કરવાના કારણે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર ઉતરાયણ પર્વ માટે પણ હવે જાણીતું બની રહ્યું છું. એમાં કોઈ બે મત નથી કે સુરતી માંજો આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને તેના માટે ઉત્તરાયણ પહેલા જ લોકો ઓર્ડર આપી દેતા હોય છે. જોકે આ વખતે માંજો લપેટવા માટે સુરતમાં જ્વેલર્સ વેપારી દ્વારા બનાવેલી આ ચાંદીની ફીરકી અને પતંગ પણ ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
લોકોની ડિમાન્ડ પર જ્વેલર્સે ચાંદીના પતંગ-ફીરકી તૈયાર કર્યા
સુરતીઓ દરેક તહેવારને કંઇક અલગ અંદાજમાં ઉજવણી કરે છે. આ ઉપરાંત હાલમાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે જેને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતની પતંગ દોરાની માર્કેટોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ શહેરમાં ચાંદીની ફીરકી અને ચાંદીનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રાહકોની ડિમાન્ડ પર સુરતના એક જ્વેલર્સ દ્વારા ખાસ ચાંદીની ફીરકી અને પતંગ તૈયાર કરવામાં આવ્યા છે.
નાની મોટી ફીરકી અને પતંગ ચાંદીમાં તૈયાર કરાયા
આ ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવ્યા છે. મોટી ફીરકી અને પતંગને બનાવવા માટે તેમાં 350 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની કિંમત 35 હજાર રૂપિયા છે. જ્યારે નાની ફીરકી પતંગ 60 ગ્રામથી લઈને 125 ગ્રામ જેટલું ચાંદી વાપરીને બનાવવામાં આવી છે. જેની કિંમત 8000થી શરૂ થઈને 15થી 20 હજાર રૂપિયા સુધીની રાખવામાં આવી છે.
પતંગ ફીરકી બનાવતા એક મહિના જેટલો સમય લાગે છે
જ્વેલર્સ વેપારી પંકજભાઈ ખેતાને જણાવ્યું હતું કે આ બધા જ ફીરકી-પતંગ ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. ઉતરાયણ પર્વને લઈ અનેક લોકો એડવાન્સમાં ચાંદીની ફીરકી અને પતંગનો ઓર્ડર આપે છે. જેને બનાવવામાં જુદી જુદી સાઈઝ પ્રમાણે સમય લાગે છે. તેને બનાવવા માટે 15 દિવસથી લઈને એક મહિના જેટલો સમય લાગે છે. એડવાન્સમાં મળેલ ઓર્ડર મુજબના પતંગ-ફીરકી તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તે તમામ ગ્રાહકો લઇ પણ ગયા છે.
શુભ પ્રસંગમાં ભેટ આપવા અને ભગવાનને ચડાવવા ફીરકી પતંગનો મળે છે ઓર્ડર
ખેતાન જ્વેલર્સના વેપારી પંકજ ખેતાને વધુમાં જણાવ્યું હતું કે મોટો પતંગ તેમજ નાના પતંગો અને ફીરકી ખાસ કરીને ગિફ્ટ આપવા, શો પીસ માટે ઉપયોગ કરવામાં આવે છે. શુભ પ્રસંગોમાં યુનિક ગિફ્ટ તરીકે લોકો ચાંદીના પતંગ અને ફીરકીને આપવા માટે ડિમાન્ડ કરે છે. તે ઉપરાંત નાની નાની ફીરકી અને નાના નાના પતંગ ઉતરાયણના દિવસે સૌપ્રથમ ભગવાનને મૂકવામાં આવે છે ત્યારે લોકો પોતાના ઘરે બાળ ગોપાલને ચડાવવા માટે ચાંદીની ફીરકી અને પતંગ લેવાનું વધુ પસંદ કરે છે.
ફીરકીમાં 1000 વાર દોરો વીટી શકાય તેવી બનાવાઈ
વધુમાં વેપારી પ્રકાશ ખેતાને જણાવ્યું હતું કે ફીરકી લાઈફ ટાઈમ માટે યાદગીરી બની રહે અને ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો તેનો ઓર્ડર આપી રહ્યા છે. અત્યાર સુધી તેઓ દર વર્ષે ફક્ત ચાંદીના પતંગનું જ વેચાણ કરતા હતા પરંતુ આ વર્ષે પહેલીવાર ગ્રાહકની ડિમાન્ડ પર તેઓએ ચાંદીની ફીરકી તૈયાર કરી છે. જેમાં 1000 વાર સુધીના દોરો પણ લપેટી શકાય છે. જેથી લોકો શો પીસ માટે અને ઉતરાણમાં પતંગ ચગાવવાની સાથે વપરાશમાં પણ ઉપયોગ કરી શકે તે રીતે બનાવાઈ છે.
બાળ ગોપાલ માટે ફીરકી અને પતંગની ખરીદી કરી
ચાંદીના પતંગ અને ફીરકીનો ઓર્ડર આપનાર ગ્રાહક જય સિંહાએ જણાવ્યું હતું કે તેઓને ઉત્તરાયણનો ખૂબ જ શોખ છે અને આ દિવસને યાદગાર બનાવવા માટે દર વર્ષે અલગ રીતે ઉજવણી કરે છે. માટે આ વખતે તેઓને કાયમી સંભારણું બની રહે અને ઘર તેમજ પરિવારમાં કંઈક નવું લાગે તે માટે ખાસ મોટી ચાંદીની ફીરકી બનાવડાવી છે. આ ફીરકી મે 20 હજાર રૂપિયાની બનાવડાવી છે. તેમાં 1000 વાર દોરી પણ ભરાવડાવી છે. આ ઉપરાંત દર વર્ષે ઉતરાયણ તહેવારમાં અમે અમારા ઘરમાં રાખેલ બાળ ગોપાલને પણ પતંગ અને ફીરકી ચડાવીએ છે. ત્યારે આ વર્ષે નાની ચાંદીની ફીરકી અને નાનો ચાંદીનો પતંગ ખરીદી કરી બાળગોપાલને ચડાવવા માટે ખરીદી કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.