નિયોલ ચેક પોસ્ટ ડ્રગ્સકાંડ:ડ્રગ્સ લેબ ચલાવતો જૈમીન કોસાડના ફૈઝલને 50 ગ્રામ MD ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૈમીન સવાણી. - Divya Bhaskar
જૈમીન સવાણી.
  • 5.85 લાખના MD ડ્રગ્સમાં રિમાન્ડ પૂરા થતાં આરોપી જેલમાં ધકેલાયો
  • જૈમિને અગાઉ બે લગ્ન કરી પત્નીઓને છૂટાછેડા આપી ત્રીજા લગ્ન કર્યા હતા

નિયોલ ચેક પોસ્ટ પાસે કારમાંથી પકડાયેલા 5.85 લાખના MD ડ્રગ્સ કેસમાં ડ્રગ્સ લેબ ચલાવતો જૈમીન સવાણીના રિમાન્ડ પુરા થતા તેને લાજપોર જેલમાં ધકેલાયો છે. જૈમીનની સાથે અન્ય બે યુવકોની પણ સંડોવણી સામે આવી છે. જેમાં એક કોસાડ આવાસનો ફૈઝલનું નામ અને બીજો પણ સુરતનો છે. જૈમીન 58.530 ગ્રામ MD ડ્રગ્સમાંથી 50 ગ્રામ ફૈઝલને આપવાનો હતો. જૈમીન સવાણીએ કેમિકલથી એમડી ડ્રગ્સ બનાવવા લેબોરેટરી ચાલુ કરી તેવી જ રીતે ફૈઝલે પણ અમરોલી વિસ્તારમાં લેબોરેટરી ચાલુ કરવાનો પ્લાનિંગ કર્યું હતું.

લેબોરેટરી શરૂ કરવા પહેલાં ફૈઝલે જૈમીનની લેબોરેટરીના આંટાફેરા માર્યા હતા. ફૈઝલ પણ નબીરાઓને MDનું વેચાણ કરતો હતો. હાલમાં ફૈઝલ પર ફરાર છે. એસઓજી અને પુણા પોલીસની અલગ અલગ ટીમો ફૈઝલની શોધખોળ કરી રહી છે. આરોપી જૈમિન સવાણીએ અગાઉ બે વખત લગ્ન કર્યા બાદ બંને પત્નીને છૂટાછેડા આપ્યા હતા. ત્યાર બાદ તેણે ત્રીજા લગ્ન કર્યા હતા.

લતમાં પત્નીનાં ઘરેણાં પણ વેચી નાખ્યાં
સરથાણાનો ડ્રગ્સ પેડલર જૈમીન સવાણી ગુટખામાં 1 ગ્રામ MD ડ્રગ્સ ભેળવી ગ્રાહકોને 1500 રૂપિયામાં ‌વેચતો હતો. બે વર્ષ પહેલા જૈમીને મિત્રની સોબતને કારણે MD ડ્રગ્સની લત લાગી હતી. આ લતમાં તેણે મિત્રને રૂપિયાની સખત જરૂરત છે એવું કહીને પત્ની પાસેથી ઘરેણાં લઇને બારોબાર વેચી નાખ્યાં હતાં. જૈમીનના આ પહેલા બે વખતના છુટાછેડા થયા હતા. ત્યાર બાદ તેણે ત્રીજા લગ્ન કરતાં તે પત્ની હાલ ગર્ભવતી છે.

જૈમીન ચેટ ડિલિટ કરી નાખતો હતો
જૈમીનનો મોબાઇલ બગડી જતાં તે તેની પત્નીનો મોબાઇલ વાપરતો હતો. જૈમીન મોટેભાગે ગ્રાહકોને એમડી ડ્રગ્સ માટે ચેટ પણ કરતો હતો અને ચેટ કર્યા પછી ગ્રાહક જોઈને રિપ્લાય આપે કે તરત તે ચેટ ડિલીટ કરી નાખતો હતો. જૈમીનના મોબાઇલની ડિટેઇલ્સ તપાસ થાય તો અનેક ભોપાળા તેના બહાર આવી શકે સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે અંગેની પણ હકીકતો સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...